ટેલ અવીવ55 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઇઝરાયલે હિઝબુલ્લાહના નવા ચીફ નઈમ કાસિમને ચેતવણી આપી છે. ઇઝરાયલનું કહેવું છે કે હિઝબુલ્લાહનો નવો કમાન્ડર લાંબો સમય ટકી શકશે નહીં. જો કાસિમ તેના પૂર્વ લીડરોના રસ્તે જ ચાલશે, તો તે હિઝબુલ્લાહના ઇતિહાસમાં સૌથી ઓછા દિવસ ચીફ રહેનાર વ્યક્તિ હશે.
ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન યોવ ગેલેન્ટે લખીને કાસિમની નિમણૂક અંગે ચેતવણી આપતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કાસિમની ફોટો પોસ્ટ કરી લખ્યું “હંગામી નિમણૂક. વધુ સમય નહીં ચાલે.”
મંગળવારે, ઇઝરાયલના હુમલામાં હસન નસરાલ્લાહના મૃત્યુના 32 દિવસ પછી, હિઝબુલ્લાએ તેના નવા ચીફની પસંદગી કરી હતી. અગાઉ કાસિમ હિઝબુલ્લાહમાં નંબર 2 પર હતો. નસરાલ્લાહના મૃત્યુ પછી કાસિમે જ લેબનનની જનતાને સંબોધી હતી. UAEના મીડિયા હાઉસ ઈરેમ ન્યૂઝ મુજબ તે હાલમાં ઈરાનમાં જ છે.
કાસિમે 5 ઓક્ટોબરે બૈરૂત છોડી દીધું હતું. તેમને ઈરાનના વિદેશ મંત્રીના વિમાનમાં લઈ જવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાનના નેતાઓએ ઇઝરાયલના હુમલાના ડરથી કાસિમને ઈરાન બોલાવ્યા હતા. કાસિમ લાંબા સમયથી સંગઠનમાં સક્રિય છે અને તેણે ઘણીવાર ઇઝરાયલ સાથેના સંઘર્ષમાં પ્રવક્તાની ભૂમિકા ભજવી છે.
‘લેબનનની ભલાઈ માટે હિઝબુલ્લાહનો ખાત્મો જરૂરી છે’
ઇઝરાયલનું કહેવું છે કે લેબનનમાં ત્યારે જ શાંતિ આવશે જ્યારે હિઝબુલ્લાહની સૈન્ય તાકાત ખતમ થશે. લેબનનની સમસ્યાનો એક જ ઉકેલ છે, અને તે છે આ સંગઠનને સંપૂર્ણપણે નાબૂદ કરવું.
હિઝબુલ્લાહને ખતમ કરવાના અભિયાનમાં ઇઝરાયલને પણ સફળતા મળી છે. ઇઝરાયલે સંગઠનના ટોચના 8 નેતાઓમાંથી 5ને ખતમ કરી દીધા છે. કાસિમ પહેલા હાશિમ સૈફીદીનનું નામ ચીફ બનવાની રેસમાં આગળ હતું. હાશિમ નસરાલ્લાહનો પિતરાઈ ભાઈ હતો, પરંતુ તે પણ ઇઝરાયલના હવાઈ હુમલામાં માર્યો ગયો હતો.
હાશિમના મૃત્યુની પુષ્ટિ ખુદ ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ કરી હતી. નસરાલ્લાહ અને હાશિમના મોત બાદ હિઝબુલ્લામાં ખળભળાટ મચી ગયો છે.
કોણ છે હિઝબુલ્લાહનો નવો ચીફ નઈમ કાસિમ?
કાસિમનો જન્મ 1953માં લેબનનના કાફર કિલા ગામમાં થયો હતો. 1970ના દાયકામાં, કાસિમ લેબનનમાં શિયાઓના અમલ આંદોલનમાં સામેલ હતો. અમલનું કામ શિયાઓના અધિકારો માટે લડવાનું હતું.
બાદમાં કાસિમ1980ના દાયકાની શરૂઆતમાં હિઝબુલ્લાહ આંદોલન સાથે સંકળાયેલો રહ્યો અને તે સંગઠનના સ્થાપક સભ્યોમાંનો એક હતો.
કાસિમ દાયકાઓથી બૈરૂતમાં શિયા ઇસ્લામિક શિક્ષણ આપી રહ્યો છે. કાસિમ 1991માં હિઝબુલ્લાહના ડેપ્યુટી સેક્રેટરી જનરલ બન્યો હતો. તે હિઝબુલ્લાહની સુરા કાઉન્સિલનો સભ્ય પણ છે.