દીપાવલીના પર્વ પર વિવિધ શહેરોમાં અને મંદિરોમાં રોશનીનો ઝગમગાટ કરવામાં આવ્યો છે. ત્યારે પાટનગર ગાંધીનગરનું અક્ષરધામ મંદિર 10 હજાર દીવડાંની રોશનીથી ઝળહળી ઉઠયું છે. જેનો અલૌકિક નજારો સામે આવ્યો છે. દીવડાંની સાથે સાથે લાઈટિંગે મંદિરની શોભા વધારી છે. ચારે
.
પ્રમુખ સ્વામી મહારાજે દીપ પ્રગટાવવાની શરૂઆત કરી અક્ષરધામમાં વર્ષ 1992માં પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા દિવાળીના તહેવાર ઉપર દીપ પ્રગટાવવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી લઈને દર વર્ષે દિવાળીના તહેવાર ઉપર પાંચ દિવસ સુધી 10 હજાર દીવડાનો ઝગમગાટ કરવામાં આવે છે. આજે પણ ગાંધીનગરના અક્ષરધામ મંદિર પરિસર ખાતે 10 હજાર દીવડાં ઝગમગાટ કરતા અલૌકિક દ્દશ્યો જોવા મળી રહ્યા છે.
મંદિર પરીસરમાં ચારે બાજુ રોશનીનો ઝગમગાટ દિવાળીના દિવસોમાં અક્ષરધામ મંદિરમાં દિવાળીથી લાભપાંચમ સુધી દરરોજ સાંજે છ વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધી રોશની કરવામાં આવે છે. પ્રમુખસ્વામી મહારાજ દ્વારા રોશની કરવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી સતત તે સિલસિલો ચાલુ રાખવામાં આવ્યો છે. અક્ષરધામ મંદિરના દર્શન કરવાથી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે. આ પ્રકારનો રોશનીના ઝગમગાટના નયનરમ્ય દ્દશ્યો જોવા મળી રહ્યા છે.
અક્ષરધામમાં નીલકંઠવર્ણીની પંચધાતુથી બનેલી મૂર્તિ સ્થાપિત કરાઈ આ વર્ષે દર્શનાર્થીઓ માટે વિશેષ આનંદનો પ્રસંગ છે. અક્ષરધામમાં 49 ફૂટ ઊંચી નીલકંઠવર્ણીની પંચધાતુથી બનેલી ભવ્ય મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે, જે આ દિવસે લોકો માટે નવા આકર્ષણ રૂપે પ્રસ્તુત રહેશે. ભગવાન સ્વામિનારાયણ દ્વારા 11 વર્ષની નાની ઉંમરે ગૃહત્યાગ અને 12,000 કિલોમીટરની પદયાત્રા કરી, માનસરોવરથી કન્યાકુમારી અને આસામથી ગુજરાત સુધી યાત્રા કરી હતી, જ્યાં તેઓ “નીલકંઠવર્ણી” તરીકે લોકઆદરને પામ્યા હતા. એમની આ કથાની સ્મૃતિ રૂપે સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો આજે પણ નિત્યપ્રત્યે પ્રાતઃપૂજામાં એક પગે ઊભા રહી તપસ્યા કરે છે.
પ્રદર્શન ખંડો અને વોટર શો સહિતના આકર્ષણો 31 ઓક્ટોબરથી 8 નવેમ્બર 2024 સુધી, દર સાંજે 6:00 થી 7:45 સુધી અક્ષરધામ પરિસરમાં દીવડાઓ અને ગ્લો ગાર્ડનથી શોભિત તહેવારનું દૃશ્ય દર્શકોને આકર્ષશે. 4 નવેમ્બરથી આ પ્રસંગે પ્રદર્શન ખંડો અને વોટર શો સહિતના આકર્ષણો ખુલ્લા રહેશે, જે દર્શનાર્થીઓ માટે વિશેષ આકર્ષણ બનશે.
11 નવેમ્બર, 2024ના રોજ વૈદિક વિધિ સાથે આ નવી મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહંતસ્વામી મહારાજના હસ્તે પૂરી કરવામાં આવશે. 49 ફૂટ ઊંચી આ મૂર્તિ ભગવાન સ્વામિનારાયણના પૃથ્વી ઉપર 49 વર્ષના જીવનનો પ્રતીક છે. આ મૂર્તિની સાથે અક્ષરધામ પરિસરમાં “નીલકંઠવાટિકા”નું નિર્માણ થયું છે, જે પ્રકૃતિની સુંદરતા અને પવિત્ર શાંતિનો અનુભવ કરાવશે.મહત્વનું છે કે, આ દિવાળીના પર્વે આલોકિત અક્ષરધામ અને નીલકંઠવર્ણીની આ ભવ્ય પ્રતિમાનું દૃશ્ય દર્શનાર્થીઓ માટે એક અલૌકિક અને આધ્યાત્મિક અનુભવ બનશે.