અમદાવાદ,બુધવાર,30 ઓકટોબર,2024
અમદાવાદના મધ્યઝોનમાં આવેલા શાહપુર,શાહીબાગ અને
જમાલપુર વોર્ડમાં અંદાજે ત્રીસથી ચાલીસ વર્ષ જુની પાણી અને ડ્રેનેજની લાઈનના કારણે
પાણીમાં પોલ્યુશન આવવાની સમસ્યા કાયમી બની ગઈ છે. આ સમસ્યા નિવારવા આ ત્રણ વોર્ડમાં
રુપિયા ૧૫૦ કરોડથી વધુના ખર્ચથી પાણી-ડ્રેનેજની પાઈપ લાઈન બદલીને નવી નાંખવામાં
આવશે.આ ત્રણ વોર્ડમાં આવેલી વિવિધ પોળો,
શેરીઓ તથા ગલીઓમાં જરુર જણાશે ત્યાં આર.સી.સી. ચેમ્બર બનાવાશે.
મધ્યઝોનના શાહપુર,
શાહીબાગ તથા જમાલપુર વોર્ડમાં ઉંદરોનો ત્રાસ વધુ હોવાથી ગટરની નવી
આર.સી.સી.એન.પી.૪ પાઈપ લાઈન નાંખવા,
તમામ પોળો,શેરીઓ, ચાલીઓ અને ગલીઓ
તથા ડેલાઓમાં ગટરનું નેટવર્ક નાંખવા માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરી આપવામાં
આવી છે.આર.સી.સી.રોડ બનાવવા, પેવર
બ્લોક નાંખવાની કામગીરી પાણી અને ડ્રેનેજની કામગીરી પુરી થયા બાદ સ્થાનિક રહીશોને
અવરજવરમાં હેરાનગતિ ના થાય તે રીતે કામગીરી કરવામાં આવશે.તમામ પોળો, શેરીઓ, ગલીઓમાં તથા
ચાલીઓમાં જરુર જણાય ત્યાં આર.સી.સી.રોડ બનાવવા, પેવરબ્લોકની કામગીરી કરવામાં આવશે.
પાણીમાં પોલ્યુશનની સૌથી વધુ ફરિયાદ ખાડીયા વોર્ડમાં છતાં
કામગીરી અન્ય વોર્ડમાં
અમદાવાદના મધ્યઝોનમાં આવેલા ખાડીયા વોર્ડમાં આવેલા વિવિધ
વિસ્તારોમાં રોજ ૨૫થી પણ વધુ ફરિયાદ પાણીમાં પોલ્યુશન આવવા અંગેની મ્યુનિસિપલ
તંત્રને મળે છે.આમ છતાં ખાડીયા વોર્ડમાં આવેલી ૪૦ વર્ષ જુની પાણી અને ડ્રેનેજની
પાઈપ લાઈન બદલવા પ્રાથમિકતા આપવાના બદલે શાહપુર,જમાલપુર અને શાહીબાગ વોર્ડમાં કામગીરી કરાશે. ખાડીયા
વોર્ડમાં જુની પાઈપ લાઈન બદલવાની કામગીરી કરવા કોઈ કોન્ટ્રાકટર તૈયાર થતા નહીં
હોવાનુ વાહીયાત કારણ મધ્યઝોનમાં ફરજ બજાવતા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ
દ્વારા આગળ કરવામા આવી રહયુ છે.