Surat Diamond Industry: અમેરિકા સહિતના દેશોની નબળી આર્થિક સ્થિતિને પગલે વૈશ્વિક મંદીના માહોલને પગલે સુરતની ઓળખ ગણાતા હીરા ઉદ્યોગની ચમક ઓછી થઇ ગઇ છે. તેજીના ટકોરા વખતે દિવાળી બોનસમાં ફ્લેટ, કાર, મકાન સહિતની કિંમતી વસ્તુઓ ડાયમંડ કંપની દ્વારા આપવામાં આવતી હતી પરંતુ મંદીને પગલે કેટલીક કંપનીએ બોનસમાં રોકડ કે એરફ્રાયર જેવી વસ્તુઓ આપી કર્મચારીઓને રાજી રાખવાનો પ્રયાસ કર્યો છે.
તેજીમાં ફ્લેટ, કાર, એફ.ડી સર્ટિફિકેટ, સોલાર પેનલનું બોનસ
યુક્રેન-રશિયા, પેલેસ્ટાઇન-હમાસ તથા ઇરાક અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ અને અમેરિકા સહિતના દેશોની નબળી આર્થિક સ્થિતિને પગલે વૈશ્વિક મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વૈશ્વિક મંદીની સીધી અસર સમગ્ર વિશ્વમાં સુરતના ડાયમંડ ઉદ્યોગ ઉપર ભયંકર જોવા મળી રહી છે. બીજી તરફ નેચરલ ડાયમંડની સામે લેબગ્રોન ડાયમંડ ધીમે-ધીમે વૈશ્વિક બજારમાં પકડ જમાવી રહ્યો છે અને લોકોની પસંદ પણ બદલાય રહી છે. તેવા સંજોગોમાં ડાયમંડ ઉદ્યોગકારોના મત મુજબ છેલ્લા 50 વર્ષમાં આવી ભયંકર મંદી કયારેય જોવા મળી નથી અને ઉદ્યોગનું ભવિષ્ય શું છે તે કહેવું પણ હાલ અઘરૂં જણાઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ આ દિવાળીએ સોના-ચાંદીની ખરીદી 30 ટકા સુધી ઘટી, અંદાજ કરતાં ઘરાકી અડધી રહી
દિવાળી પૂર્વે જ શહેરની મોટી-મોટી ડાયમંડ કંપની દ્વારા રત્નકલાકારોની છટણી કરવામાં આવી હતી તો કેટલીક કંપનીઓ દ્વારા કામના કલાકોમાં ઘટાડો કરવાની સાથે અઠવાડિયામાં એક નહીં પરંતુ બે દિવસની રજા જાહેર કરવામાં આવી હતી. ઉદ્યોગકારો દ્વારા દિવાળી અને આગામી ક્રિસમસને ઘ્યાનમાં રાખી બજારમાં થોડી ઘણી ડિમાન્ડ ઉભી થશે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું હતું પરંતુ તે માત્ર અનુમાન જ રહી ગયું છે. મહત્ત્વની બાબત એ છે કે એક સમયે ડાયમંડ ઉદ્યોગમાં તેજીના કારણે સુરતમાં ચકાચોંધ જોવા મળતી હતી.
સુરતની મોટી-મોટી ડાયમંડ કંપની દ્વારા દિવાળી બોનસમાં કેશ નહીં પરંતુ કાર, ફ્લેટ, મકાન, ફિક્સ ડિપોઝિટ સર્ટિફિકેટ, સોલાર સહિતની વસ્તુઓ આપવામાં આવતી હતી. ડાયમંડ કંપની દ્વારા કાર, ફ્લેટ વિગેરે કિંમતી વસ્તુઓ બોનસ પેટે આપવામાં આવતા માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના ઉદ્યોગકારોનું ઘ્યાન આર્કિષીત કર્યુ હતું. પરંતુ હાલમાં ડાયમંડ ઉદ્યોગમાં ભયંકર મંદીને પગલે ચમક ઓછી થઇ ગઇ છે અને દિવાળી બોનસ આપવું કે કેમ તે પણ એક પ્રશ્ન બની ગયો છે. જો કે કેટલીક કંપનીએ બોનસમાં રોકડ, એરફ્રાયર સહિતની કેટલીક ચીજવસ્તુઓ આપી કર્મચારીઓને રાજી રાખવાનો પ્રયાસ કર્યો છે.
રત્નકલાકારોનો રૂ. 10.41 લાખ પગાર ચૂકવ્યા વિના ફરાર
હીરા ઉદ્યોગની દશા ખરાબ છે. તેને કારણે રત્નકલાકારોની હાલત પણ કફોડી બની છે. સુરતના કતાર ગામ વિસ્તારમાં આવેલી હીરાની કંપની વિરાણી ડાયમંડના સંચાલકો અમીત બાબુ વિરાણી અને વિરેન બાબુ વિરાણી કારખાનાના નવ કારીગરોનો રૂ. 10.41 લાખનો પગાર ચૂકવ્વ્યા વગર યુનિટ બંધ કરીને ગાયબ થઇ ગયા છે. આ અંગે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા પોલીસને અરજી બાદ પોલીસે વિરાણી ડાયમંડના સંચાલકો વિરુઘ્ધ ગુનો નોંઘ્યો છે.