વડોદરા, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વાઘોડિયા રોડ પરથી ૯.૦૬ લાખનો દારૃનો જથ્થો જપ્ત કર્યો હતો.આ કેસમાં પકડાયેલા આરોપીઓના રિમાન્ડ પૂરા થતા જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મળેલી માહિતીના આધારે ગત અઠવાડિયે વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા પાસે નુર્મ આવાસ યોજનાના મકાનમાં રહેતા બૂટલેગર ભાવેશ ચંદ્રકાંત રાજપૂતની ત્યાં રેડ પાડીને ૯.૦૬ લાખનો વિદેશી દારૃનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે (૧) ભાવેશ રાજપૂત (૨) નીરવ ભરતભાઈ પટેલ (રહે.વિશ્વકર્મા ગાંધી કુટીર, વાઘોડિયા રોડ) (૩) કેતન જીતેન્દ્રભાઈ રાણા (રહે. આશાપુરી નગર, વડોદરા) (૪) આતિશ વિનોદભાઈ ઠાકોર (રહે. જય નારાયણ નગર, પ્રતાપ નગર, વડોદરા) તથા (૫) જયેશ ઈશ્વરભાઈ કહાર (રહે. નુર્મ આવાસ યોજનાના મકાનમાં, વડોદરા) ને ઝડપી પાડયા હતા. આ કેસની તપાસ માંજલપુર પોલીસને સોંપવામાં આવી હતી. પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી. રિમાન્ડ દરમિયાન આ કેસમાં સામેલ વધુ ત્રણ આરોપીઓના નામ ખૂલ્યા છે. આરોપીઓને પકડવા માટે પોલીસે શોધખોળ હાથ ધરી છે. આજે આરોપીઓના રિમાન્ડ પૂરા થતા તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.