ધરતીના પેટાળમાં ઉપરી સપાટીએ હલચલ વધી : લોકો ઉંઘમાંથી જાગી ગયા, તા.૧૪ના પશ્ચિમ-ઉત્તર દિશાએ ૨.૫ના ભૂકંપ બાદ ફરી ઉત્તર- પૂર્વ દિશાએ ધરતી કંપી ઉઠી
રાજકોટ, : સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલી અને તાલાલા ગીર પંથકની ધરતીના પેટાળમાં ફરી જબરદસ્ત હીલચાલ શરૂથઈ છે. તાલાલા ગીરની ધરતી પખવાડિયામાં આજે દિવાળીના પરોઢીએ ધણધણી ઉઠી હતી. સવારે ૫.૫થી ૮-૦૧ વાગ્યાની વચ્ચે ૧.૪થી ૨.૪ની તીવ્રતાના ઉપરાઉપરી સાત આંચકા આવતા લોકો ઉંઘમાંથી સફાળા જાગી ગયા હતા. તાલાલા ગીરથી અહેવાલ મૂજબ આ ભૂકંપોની અસર તાલાલા શહેર અને આજુબાજુના વિસ્તારમાં જોવા મળી હતી. કેન્દ્રબિંદુ તાલાલાથી ૩ કિ.મી. ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશાએ નોંધાયું હતું અને જમીનથી માત્ર 4 કિ.મી.ની ઉંડાઈએ કંપન ઉદ્ભવ્યા હતા.
હજુ પખવાડિયા પહેલા તા. 14 ઓક્ટોબરે તાલાલા ગીર પાસે જ પરંતુ, જુદી દિશાએ, પશ્ચિમ-પશ્ચિમ ઉત્તર દિશાએ હીરણ નદીની સામે કાંઠે તલાલાથી ૨ કિ.મી.ના અંતરે ભૂકંપ નોંધાયો હતો. આ ભૂકંપ પણ જમીનથી માત્ર 3 કિ.મી.ની ઉંડાઈ આવ્યો હતો.
આ પહેલા તજજ્ઞાોએ જણાવ્યા મૂજબ તાલાલા પંથકમાં કચ્છ જેવી કોઈ મોટી ફોલ્ટલાઈન નથી પરંતુ, જમીનના પોપડાંમાં ફ્રેક્ચર્સ, નાના નાના ફોલ્ટ્સ રચાતા હોય આ આંચકા આવે છે. આ આંચકા મોટાભાગે ઓછી તીવ્રતાના અને જમીનમાં બહુ ઉંડાઈએ હોતા નથી. જો કે, આજે ઉપરાઉપરી આંચકા આવ્યા તે જ દિશામાં તાલાલાથી 13 કિ.મી.ના અંતરે ચિત્રોડ અને સાસણગીર વચ્ચે 4.0ની તીવ્રતાનો તીવ્ર ભૂકંપ તા.2-5-2022 ના નોંધાયો હતો. આમ, ગીરના આ વિસ્તારના ધરતી વારંવાર કંપી ઉઠે છે.
તાલાલા ઉપરાંત અમરેલી પંથકમાં પણ વારંવાર હળવા ભૂકંપો આવતા રહ્યા છે અને આઈ.એસ.આર.ના વૈજ્ઞાાનિકોએ ત્યાં અભ્યાસ પણ કર્યો છે. તાજેતરમાં ચાર દિવસ પહેલા જ તા.27ના અમરેલી પંથકમાં જીરા અને માધુપુર ગામ વચ્ચે રિચર સ્કેલ પર 3.7 તીવ્ર ભૂકંપ નોંધાયો હતો.
ગઈકાલે પૂરા થતા ઓક્ટોબર- 2024માં ગુજરાતમં કૂલ 7 ભૂકંપો નોંધાયા છે જેમાં 1 તાલાલા, 1 અમરેલી તથા કચ્છના દુધઈ, ખાવડા અને ભચાઉમાં 3 અને ગુજરાતની સરહદે મહારાષ્ટ્રના પાલઘર પંથકમાં ૨ ભૂકંપ સમાવિષ્ટ છે. તંત્ર દ્વારા માત્ર 2.5થી વધુ તીવ્રતાના ભૂકંપની માહિતી જ ઓનલાઈન જાહેર કરાતી રહે છે. આમ, આ ઉપરાંત નાના આંચકા અસંખ્ય આવી રહ્યા છે.