સોનિયા ગાંધીની ઉંમર 52 વર્ષની હતી ત્યારે પહેલી ચૂંટણી લડ્યાં. હવે પ્રિયંકા ગાંધીની ઉંમર 52 વર્ષ છે ને જીવનની પહેલી ચૂંટણી લડવા જઈ રહ્યાં છે. કેરળની વાયનાડ સીટ પરથી જો પ્રિયંકા ગાંધી જીતશે તો ગાંધી પરિવારમાં એક સાથે ત્રણ સાંસદ હશે.
.
નમસ્કાર,
રાજીવ ગાંધી 36 વર્ષની ઉંમરે પહેલી ચૂંટણી લડીને 40 વર્ષે દેશના વડાપ્રધાન બની ગયા હતા. રાહુલ ગાંધીએ પણ 33મા વર્ષે પહેલી ચૂંટણી લડી હતી પણ આટલા વર્ષો પછી રાહુલના નેતૃત્વમાં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની શકી નથી. ગાંધી પરિવારમાંથી હવે ઈન્દિરા ગાંધીનાં પૌત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ સત્તાવાર રીતે પોલિટિક્સમાં પગ મૂકી દીધો છે. પ્રિયંકા સામે પડકાર એ છે કે તેણે રાહુલ ગાંધીની બહેન તરીકેની છાપ ભૂંસવી પડશે, જો કે લોકો આમ તેને ઈન્દિરા ગાંધીના રૂપમાં જોઈ રહ્યા છે.
પ્રિયંકાએ ભાઈ રાહુલ માટે વાયનાડ સીટ પર પ્રચાર કર્યો હતો લોકસભા ચૂંટણી વખતે રાહુલ ગાંધી બે સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. રાયબરેલી અને વાયનાડ. બંને સીટ પર મોટી લીડથી રાહુલની જીત થઈ હતી. પ્રિયંકાએ વાયનાડ સીટ પરથી તેના ભાઈ રાહુલ માટે પ્રચાર પણ કર્યો હતો. એ પછી રાહુલે રાયબરેલી સીટ જાળવી રાખી ને તેમણે વાયનાડ બેઠક છોડી દીધી હતી. રાહુલે અહીં વાયનાડથી 3 લાખ 64 હજાર મતોથી ચૂંટણી જીતી હતી. જ્યારે 2019ની ચૂંટણીમાં રાહુલે આ સીટ પર રેકોર્ડ 4 લાખ 31 હજાર 770 મતોથી જીત મેળવી હતી. વાયનાડ સીટ રાહુલે છોડ્યા પછી સતત એવું કહેવામાં આવી રહ્યું હતું કે હવે કોંગ્રેસ અહીંથી પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારશે. થયું પણ એવું જ. 52 વર્ષનાં પ્રિયંકા ગાંધી વાયનાડથી જીવનની પહેલી ચૂંટણી લડવાં જઈ રહ્યાં છે.
પોતાના નામની જાહેરાત પછી પ્રિયંકા ગાંધીએ શું કહ્યું? કોંગ્રેસે વાયનાડ બેઠક પર સત્તાવાર રીતે પ્રિયંકા ગાંધીનું નામ જાહેર કર્યા પછી પ્રિયંકાએ કહ્યું હતું કે, “હું વાયનાડનું પ્રતિનિધિત્વ કરીને ખૂબ જ ખુશ છું અને હું અહીંના લોકોને રાહુલ ગાંધીની ગેરહાજરી અનુભવવા નહીં દઉં. હું સખત મહેનત કરીશ અને દરેકને ખુશ કરવા અને સારા પ્રતિનિધિ બનવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. રાયબરેલી અને અમેઠીમાંથી મને સમર્થન છે. વાયનાડ સાથે ખૂબ જૂનો સંબંધ છે અને તેને તોડી શકાય તેમ નથી. વાયનાડમાં પ્રિયંકા ગાંધીએ ફોર્મ ભર્યા પછી રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પ્રિયંકા ચૂંટણી લડવા જઈ રહી છે અને મને વિશ્વાસ છે કે તે ચૂંટણી જીતશે. વાયનાડના લોકો વિચારે છે કે તેમની પાસે સંસદના બે સભ્યો છે, એક મારી બહેન છે અને બીજો હું છું. વાયનાડના લોકો માટે મારા દરવાજા હંમેશા ખુલ્લા છે, હું વાયનાડના દરેક વ્યક્તિને પ્રેમ કરું છું ને કરતો રહીશ.
રાહુલે કહ્યું કે, વાયનાડના બે સાંસદો છે. એક ઓફિશિયલી અને બીજા અનઓફિશિયલી જ્યારે પ્રિયંકા ગાંધીએ વાયનાડ સીટ પર ફોર્મ ભર્યું તે પછી રાહુલ અને પ્રિયંકાએ સભા કરી હતી. સંબોધનમાં રાહુલે ઈમોશન કાર્ડ ઉતાર્યું હતું. રાહુલે કહ્યું કે, પ્રિયંકાએ ચૂંટણી લડવા તેના પરિવાર સાથે કોમ્પ્રોમાઈઝ કર્યું છે કારણ કે તે વાયનાડના લોકોને પોતાના પરિવારજન માને છે. મારા હાથમાં રાખડી બાંધેલી છે. જે પ્રિયંકાએ બનાવેલી છે. હું આને ત્યાં સુધી નથી ઉતારતો જ્યાં સુધી એ મેળે ન તૂટી જાય. આ બહેનની રક્ષાનું પ્રતીક છે. એટલે હું વાયનાડના લોકોને આગ્રહ કરું છું કે, મારી બહેનની રક્ષા તમારે કરવાની છે.
પ્રિયંકાએ કહેલું – ટફ લોકોને જ ટફ જવાબદારી આપવામાં આવે છે પ્રિયંકા ચૂંટણી મેદાનમાં ભલે પહેલીવાર લડતી હોય પણ રાજનીતિનાં જૂનાં ખેલાડી માનવામાં આવે છે. પાંચ વર્ષ પહેલાં 2019માં એક્ટિવ પોલિટ્કિસમાં એન્ટ્રી કરનાર પ્રિયંકાને 4 ફેબ્રુઆરી 2019એ પૂર્વ ઉત્તર પ્રદેશ માટે AICCનાં મહાસચિવ બનાવવામાં આવ્યાં. એ પછી 11 સપ્ટેમ્બર 2020ના દિવસે કોંગ્રેસના મહાસચિવ બનાવાયાં. જ્યારે ઉત્તર પ્રદેશની જવાબદારી આપવામાં આવી ત્યારે તેને મીડિયાએ પૂછ્યું કે, તમને ઉત્તર પ્રદેશની જવાબદારી આપી તે ટફ નથી? ત્યારે તેણે જવાબ આપ્યો કે, ટફ લોકોને જ ટફ જવાબદારી આપવામાં આવે છે.
35 વર્ષથી કોંગ્રેસ માટે પ્રચાર કરતાં પ્રિયંકા હવે પોતાના માટે પ્રચાર કરે છે પ્રિયંકા ગાંધી વાડ્રાના DNAમાં કોંગ્રેસ છે. એની ઉંમર 17 વર્ષની હતી ત્યારથી તે પ્રચાર કરે છે. પ્રિયંકાએ પિતા રાજીવ માટે પ્રચાર કર્યો. માતા સોનિયા માટે પ્રચાર કર્યો. ભાઈ રાહુલ માટે પ્રચાર કર્યો. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ માટે ઘણીવાર પ્રચાર કર્યો છે. પ્રિયંકાને પ્રચાર કરતાં કરતાં 35 વર્ષ પસાર થઈ ગયાં. હવે એ સમય આવ્યો છે કે તેણે પોતાના માટે પ્રચાર કરવો પડશે.
રાહુલને રાયબરેલી અને વાયનાડ, બંને સીટ પર જંગી લીડ મળી હતી રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના રાયબરેલી અને કેરળના વાયનાડથી ચૂંટણી લડ્યા ને જીત્યા. બંને સીટ પર તેમને જંગી લીડ મળી હતી. રાયબરેલી સીટમાં તેમને 6 લાખ 87 હજાર 649 મત મળ્યા હતા અને 66.17% વોટશેર હતો. તેમને 3 લાખ 90 હજાર 030ની લીડ મળી છે. તો વાયનાડ સીટ પર રાહુલને 6 લાખ 47 હજાર 445 મત મળ્યા. તેમનો વોટશેર અહીં 59.69% હતો. અહીં રાહુલની લીડ 3 લાખ 64 હજાર 422 છે. મજાની વાત એ છે કે, આખા યુપીમાં સૌથી વધારે લીડ પણ રાહુલ ગાંધીની હતી.
વાયનાડ સીટમાં કોંગ્રેસને જોખમ તો ખરું જ વાયનાડ કોંગ્રેસની કમિટેડ સીટ છે. 2009માં નવા સીમાંકન પછી અસ્તિત્વમાં આવી. 2009 અને 2014માં દિવંગત એમઆઈ સાંગવાસ કોંગ્રેસના સાંસદ હતા. 2019 અને 2024માં રાહુલ ગાંધી જીત્યા. વાયનાડ એવી સીટ છે જ્યાં હિન્દુ-મુસ્લિમોની વસ્તી લગભગ સરખી છે. 45 ટકા હિન્દુ, 41.3 ટકા મુસ્લિમ અને 13.7 ટકા ખ્રિસ્તી છે. 2024માં રાહુલ ગાંધીએ સીટ તો છોડી પણ આ કમિટેડ સીટ પર કોંગ્રેસને જોખમ પણ છે જ. બે વર્ષ પછી 2026માં કેરળમાં વિધાનસભાની ચૂંટણી છે. રાહુલના રાજીનામા બાદ આ સીટ પર પેટાચૂંટણી યોજાઈ રહી છે અને પ્રિયંકાનું નામ આવ્યું છે. આવી સ્થિતિમાં કોંગ્રેસની સહયોગી ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) કેટલો સપોર્ટ આપશે તે જોવાનું રહ્યું. કારણ કે રાહુલને આ સીટ જિતાડવાની જવાબદારી IUMLના મતદારો પર છે. વાયનાડ બેઠકમાં ત્રણ જિલ્લાની સાત વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. તેમાંથી ત્રણ વિધાનસભા મતવિસ્તાર મલપ્પુરમ જિલ્લાના અને એક વિધાનસભા મતવિસ્તાર કોઝિકોડ જિલ્લામાંથી છે, જેમાં IUMLનો નોંધપાત્ર પ્રભાવ છે. IMULનો ઝૂકાવ કોંગ્રેસ તરફ રહ્યો છે પણ જો આ વખતે હટી જશે તો પ્રિયંકા માટે ચોક્કસ પડકાર સાબિત થઈ શકે.
દાદી ઈન્દિરાની જેમ પ્રિયંકાના બેબાક પ્રવચનો… ઈન્દિરા ગાંધી પોતાની વાતો એકદમ સ્પષ્ટ રીતે કહી શકતાં હતાં અને તેમના પ્રવચનો બેબાક હતા. પ્રિયંકા ગાંધી વાડ્રાની બાબતમાં પણ એવું છે. તે પણ દાદીની જેમ બેબાક ભાષણો આપે છે. જ્યારે જ્યારે વડાપ્રધાન મોદી કે ભાજપના કોઈ નેતાએ કોંગ્રેસ કે ગાંધી પરિવાર પર આક્ષેપો કર્યા ત્યારે ત્યારે પ્રિયંકાએ તાતાતીર છોડીને જવાબ આપ્યા છે. જુઓ કેટલાંક ઉદાહરણો…
- એપ્રિલ, 2024 : મોદીએ જ્યારે કહેલું કે, કોંગ્રેસ મહિલાઓના મંગળસૂત્ર અને સોનું છીનવી લેવા નીકળી છે. તેની પ્રતિક્રિયામાં પ્રિયંકાએ કહેલું કે, 70 વર્ષથી દેશ આઝાદ છે. 55 વર્ષ સુધી કોંગ્રેસની સરકાર રહી છે. કોઈએ લોકોનું સોનું છીનવ્યું નથી. જ્યારે ભારતનું યુદ્ધ થયું હતું ત્યારે ઈન્દિરા ગાંધીએ પોતાનું સોનું દેશ માટે આપ્યું. મારી માનું મંગળસૂત્ર આ દેશ માટે કુરબાન થયું છે.
- મે, 2024 : જ્યારે જ્યારે મોદીએ રાજીવ ગાંધીનું નામ લઈને વાત કરી છે ત્યારે ત્યારે પણ પ્રિયંકાએ જવાબ આપ્યો છે. મોદીએ કહેલું કે, રાજીવ ગાંધીએ તેમનાં માતા પાસેથી વારસો લેવા કાયદો બદલી નાખ્યો. આના જવાબમાં પ્રિયંકા ગાંધીએ કહેલું કે, 19 વર્ષની ઉંમરે હું મારા શહીદ પિતાજીના ટુકડા ઘરે લાવી ત્યારે આ દેશથી હું નારાજ હતી. મારા દિલમાં એ ભાવના હતી કે મેં મારા પિતાને મોકલ્યા? તેને સુરક્ષિત રાખવા એ દેશવાસીઓનું કામ હતું. એ ટુકડા તિરંગામાં લપેટાયેલા હતા. જ્યારે મોદીજી મારા પિતાને દેશદ્રોહી કહે છે ત્યારે હું મોદીજીને એ વાત સમજાવી શકતી નથી કે, મારા પિતાજીને વારસામાં ધનદૌલત નહીં પણ શહાદત મળી હતી.
- મે, 2024 : મોદીએ લોકસભા ચૂંટણીની સભાઓમાં રાહુલ માટે વારંવાર શહઝાદા શબ્દ વાપર્યો હતો. તેનો જવાબ પણ પ્રિયંકાએ આપ્યો હતો. પ્રિયંકાએ ચૂંટણી સભામાં કહેલું કે, આ શહઝાદાએ 4 હજાર કિલોમીટરની પદયાત્રા કરી છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી ચાલીને લોકોની સમસ્યા જાણી છે. બીજી તરફ ભાજપના શહેનશાહ મહેલમાં રહે છે.
- મે, 2024 : ભાજપે ચૂંટણી સભાઓમાં કહેલું કે, કોંગ્રેસ દેશના ભાગલા પડાવવા માગે છે. તેના જવાબમાં પ્રિયંકાએ કહ્યું હતું કે, અમારે હિન્દુ-મુસ્લિમના આધારે ચૂંટણી નથી લડવી. અમારે રસ્તા, પાણી, બેરોજગારી માટે ચૂંટણી લડવી છે.
- માર્ચ, 2023 : રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં સુરત કોર્ટે દોષિત ઠેરવતાં સંસદની સદસ્યતા ગુમાવવી પડી હતી. તેની સામે કોંગ્રેસે મોદી સરકાર સામે અભિયાન ચલાવ્યું હતું. 26 માર્ચ 2023એ દિલ્હીમાં સંકલ્પ સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો. એ સત્યાગ્રહમાં પ્રિયંકા ગાંધી પણ સામેલ હતાં. ત્યારે તેમણે એવું જાહેરમાં કહેલું કે, આ દેશના પ્રધાનમંત્રી કાયર છે. મારા પર કેસ કરો, મને જેલમાં નાખી દો પણ હું આવું સભાનપણે કહું છું.
ગાંધી પરિવારમાંથી કોણ, કઈ ઉંમરે પહેલી ચૂંટણી લડ્યું?
- જવાહરલાલ નેહરુ 62 વર્ષની ઉંમરે 1952માં પહેલી ચૂંટણી લડ્યા
- ઈન્દિરા ગાંધી 49 વર્ષની ઉંમરે 1967માં પહેલી ચૂંટણી લડ્યાં
- રાજીવ ગાંધી 36 વર્ષની ઉંમરે 1981માં પહેલી ચૂંટણી લડ્યા
- સોનિયા ગાંધી 52 વર્ષની ઉંમરે 1999માં પહેલી ચૂંટણી લડ્યાં
- રાહુલ ગાંધી 33 વર્ષની ઉંમરે 2004માં પહેલી ચૂંટણી લડ્યા
- પ્રિયંકા ગાંધી 52 વર્ષની ઉંમરે 2024માં પહેલી ચૂંટણી લડશે
પ્રિયંકાની એફિડેવિટ ચર્ચામાં આવી ગઈ કારણ કે… પ્રિયંકા ગાંધી વાડ્રા પાસે 12 કરોડની સંપત્તિ છે. તેમાં 2 કરોડ 24 લાખના મ્યુચ્યુઅલ ફંડ છે. બેન્કમાં 3 લાખ 60 હજાર રૂપિયા છે. કેશ 52 હજાર રૂપિયા છે. 1 કરોડ 15 લાખની કિંમતનું 4 કિલો 400 ગ્રામ સોનું છે. 29 લાખ રૂપિયાની ચાંદી છે. 8 લાખ રૂપિયાની કાર છે જે તેના પતિ રોબર્ટ વાડ્રાએ ગિફ્ટમાં આપી હતી. પ્રિયંકાની 2023-2024ની વાર્ષિક આવક 46 લાખ 39 હજાર રૂપિયા છે. જ્યારે ભારતમાં એક વ્યક્તિની સરેરાશ વાર્ષિક આવક 1 લાખ 84 હજાર રૂપિયા છે. તેના પર બે FIR થયેલી છે અને પતિ રોબર્ટ વાડ્રા પાસે 66 કરોડ રૂપિયાની સંપત્તિ છે. પ્રિયંકાની એફિડેવિટ ચર્ચામાં આવી અને લોકો તેને કરોડપતિ કહી રહ્યા છે. પણ ગાંધી પરિવારની સભ્ય હોવા છતાં લોકસભાના બીજા સાંસદોની સરખામણીમાં પ્રિયંકાની સંપત્તિ ઘણી ઓછી છે.
ક્યા પક્ષના કેટલા સાંસદો કરોડપતિ?
- ભાજપ 240માંથી 227 સાંસદ કરોડપતિ
- કોંગ્રેસના 98માંથી 92 સાંસદ કરોડપતિ
- DMKના 22માંથી 21 સાંસદ કરોડપતિ
- સ.પા.ના 37માંથી 34 સાંસદ કરોડપતિ
- AAPના 3માંથી 3 સાંસદ કરોડપતિ
- JDUના 12માંથી 12 સાંસદ કરોડપતિ
- TDPના 16માંથી 16 સાંસદ કરોડપતિ
પરિવારવાદની રાજનીતિમાં હવે ભાજપ પણ આગળ; કોંગ્રેસને આક્ષેપોની ચિંતા નથી જો ચૂંટણીના પરિણામો કોંગ્રેસની તરફેણમાં જાય છે, તો પ્રિયંકા ગાંધી એવા સમયે સંસદમાં પ્રવેશવા જઈ રહી છે જ્યારે રાહુલ ગાંધી લોકસભામાં છે અને સોનિયા ગાંધી રાજ્યસભામાં છે. રાજનીતિમાં આને પરિવારવાદનું ઉદાહરણ કહેવામાં આવશે પણ આવું પહેલીવાર નથી. મુલાયમ સિંહ યાદવ સહિત સમાજવાદી પરિવારના પાંચ નેતાઓ સંસદમાં બેઠેલા જોવા મળ્યા છે. તાજેતરમાં યોજાયેલી હરિયાણાની ચૂંટણીમાં પણ ભાજપ પણ પરિવારવાદની રાજનીતિથી ચર્ચામાં રહ્યો હતો. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. ઝારખંડમાં ભાજપે ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓના પરિવારનું ધ્યાન રાખ્યું છે. અર્જુન મુંડાની પત્ની મીરા મુંડા, રઘુબર દાસની પુત્રવધૂ પૂર્ણિમા અને ચંપાઈ સોરેનના પુત્ર બાબુલાલ સોરેનને પણ ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. રઘુબર દાસ હાલમાં ઓડિશાના રાજ્યપાલ છે.
તેવી જ રીતે ભાજપે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે જાહેર કરાયેલા 99 ઉમેદવારોની યાદીમાં પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણની પુત્રી શ્રીજયા ચવ્હાણનું નામ પણ સામેલ કર્યું છે. શ્રીજયા ચવ્હાણ પરિવારના ત્રીજી પેઢીના નેતા છે જે પારિવારિક બેઠક ભોકરથી ચૂંટણી લડવા જઈ રહ્યાં છે. અશોક ચવ્હાણ પહેલાં તેમના પિતા શંકરરાવ ચવ્હાણ પણ ભોકરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. એક પરિવાર એવો પણ છે જેમાંથી બે ઉમેદવારો મેદાનમાં છે. આશિષ શેલારને બાંદ્રા પશ્ચિમથી ભાજપના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જ્યારે તેમના નાના ભાઈ વિનોદ શેલારને મલાડથી ભાજપના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધી પરિવારવાદનું ઠિકરું કોંગ્રેસ પર જ ફોડાતું હતું. પણ હવે કોંગ્રેસ પાસે પણ મુદ્દા છે એટલે કોઈ આક્ષેપ કરે તો પણ તેને ચિંતા નથી.
કોંગ્રેસ-ભાજપ સિવાયના પક્ષો પણ પરિવારવાદમાં પાછળ નથી કોંગ્રેસ અને બીજેપીથી આગળ વાત કરીએ તો બિહારમાં પણ આવું જ ચિત્ર છે. કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીની પુત્રવધૂ દીપા માંઝીને એનડીએમાં ભાજપના સહયોગી હિન્દુસ્તાની અવામ મોરચાની ટિકિટ પર ઈમામગંજથી મેદાનમાં ઉતારવામાં આવી છે. મજબૂત નેતા અને પૂર્વ ધારાસભ્ય સુનીલ પાંડેના પુત્ર વિશાલ પ્રશાંતને પણ તરારી પેટાચૂંટણીમાં ભાજપની ટિકિટ મળી છે. એ જ રીતે બેલાગંજમાં આરજેડી સાંસદ સુરેન્દ્ર યાદવના પુત્ર વિશ્વનાથ યાદવ અને રામગઢમાં આરજેડી નેતા જગદાનંદ સિંહના પુત્ર અજીત સિંહને ગઢ બચાવવાના ઉદ્દેશ્ય સાથે આરજેડીની ટિકિટ પર મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
છેલ્લે,
પ્રિયંકા ગાંધીને એક ન્યૂઝ ચેનલે ઈન્ટરવ્યૂમાં પૂછ્યું કે, તમે પોલિટિક્સમાં દસ વર્ષ મોડી એન્ટ્રી નથી કરી? ત્યારે પ્રિયંકાએ જવાબ આપ્યો કે, દરેક વસ્તુનો સમય હોય છે. મેરે લીયે યહી સહી સમય હૈ…
સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ…
(રિચર્સ : યશપાલ બક્ષી)