છોટા ઉદેપુર જિલ્લાના કોરાજ ગામે નમી ગયેલા વીજ વાયરને ટ્રેકટરમાં બેઠેલી મહિલા અડી જતાં મહિલાને કરંટ લાગવાથી મોત નીપજ્યું છે. વીજ કંપનીની બેદરકારીના કારણે મહિલાનું મોત થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
.
છોટા ઉદેપુર જિલ્લામાં વીજ કંપની દ્વારા બેદરકારી રાખવામાં આવે છે જેની ભોગ આમ જનતા બની રહી છે. આવો જ એક કિસ્સો છોટા ઉદેપુર જિલ્લાના તેજગઢ પાસેના કોરાજ ગામે જોવા મળ્યો છે. જ્યાં નમી ગયેલા વીજ વાયરને ટ્રેકટરમાં બેઠેલી મહિલા અડી જતાં મહિલાનું કરંટ લાગવાથી મોત નીપજ્યું હતું. કોરાજ ગામની કુમિતાબેન અમરતભાઈ નાયક નામની મહિલા બપોરના સમયે ખેતરમાંથી ઘાસચારો ભરીને જતા ટ્રેકટરમાં બેઠી હતી. જ્યાં રસ્તામાં નમી ગયેલા વીજ વાયરને કુમીતાબેનનો પગ અડી ગયો હતો. જીવતા વીજ વાયરને કૂમિતાબેનને પગમાં વીજ વાયર અડી જતાં કરંટ લાગ્યો હતો અને તેઓનું મોત નીપજ્યું હતું.
આ અંગેની જાણ વીજ કંપનીના અધિકારીઓને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. મહત્ત્વની વાત એ છે કે, વીજ કંપની દ્વારા ઠેરથી નમી પડેલા થાંભલા અને વીજ વાયરને ઊંચા ન કરાતા લોકોને વીજ કરંટ લાગી રહ્યો છે. આજે એક મહિલાનું મોત નીપજતાં લોકોમાં MGVCLના અધિકારીઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.