ગુજરાત સરકારની પંડિત દીનદયાળ અંત્યોદય યોજના હેઠળ રાજકોટ મનપા દ્વારા શહેરમાં અલગ-અલગ 6 સ્થળોએ રેનબસેરા ઉભા કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે આ રેનબસેરામાં એક દિવસ રહેવા માટે શ્રમિકોએ માત્ર રૂ. 5 ભાડું ચૂકવવાનું હોય છે. જેના કારણે અન્ય શહેરોમાંથી બાંધકામ
.
રાજકોટમાં 6 જગ્યાએ રેનબસેરા પ્રાપ્ત વિગત મુજબ ગુજરાત સરકાર દ્વારા બાંધકામ કામદારો અને મજૂરોના જીવનધોરણમાં સુધારો લાવવા માટે “શ્રમિક બસેરા યોજના” શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટ મનપા દ્વારા બેડીનાકા, ભોમેશ્વર વાડી, હોસ્પિટલ ચોક, મરચા પીઠ, રામનગર આજી વસાહત અને આજીડેમ ચોક ખાતે રેનબસેરા ઉભા કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટનાં બેડીનાકા પાસેના રેનબસેરાની હાલત અત્યંત બિસ્માર તેમજ જર્જરિત બની છે. અને અહીં જરૂરિયાતમંદ લોકો રહી શકે તેવી કોઈપણ વ્યવસ્થા ઉપલબ્ધ નથી.
રેનબસેરાના સ્લેબમાં સળિયા દેખાયા બેડીનાકા ખાતેનાં રેનબસેરાનાં સ્લેબમાં હાલમાં સળિયા દેખાઈ રહ્યા છે. તેમજ અંદર રાખેલો શેટી સહિતનો બધો સામાન ધૂળ ખાઈ રહ્યો છે. જેને કારણે હાલ રેનબસેરા બંધ છે. હવે આ રેનબસેરાને સંપૂર્ણ ડિસમેન્ટલ કરી તેની સામે નવું રેનબસેરા ઉભું કરવામાં આવનાર છે. જોકે, હાલના રેનબસેરાને ફરીથી રિનોવેટ કરવામાં આવે તો ખૂબ ઓછા સમય તેમજ ખર્ચે ફરી કાર્યરત કરી શકાય તેમ છે. આમ છતાં પ્રજાના પૈસાનો ધુમાડો કરવો હોય, તેમ આ રેનબસેરાને ડિસમેન્ટલ કરી નવું બનાવવા વિચારણા કરવામાં આવી છે. ત્યારે અધિકારીઓ અને પદાધિકારીઓને જાણે પ્રજાના રૂપિયાની પડી જ ન હોય તેવો ઘાટ ઘડાયો છે.
રેનબસેરા શરૂ કરવાનો મુખ્ય હેતુ સિદ્ધ ન થયો ગુજરાત સરકાર દ્વારા રેનબસેરા શરૂ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો તેની પાછળનો મુખ્ય હેતુ એ જ છે કે, જે ફૂટપાટ ઉપર સૂતા હોય અથવા તો રેલવે સ્ટેશન પર સૂતા હોય, તેઓને યોગ્ય વ્યવસ્થા મળે, એટલે કે આરામ કરવા માટે જગ્યા મળી રહે તે માટે આ ખાસ યોજનાની અમલવારી શરૂ કરવામાં આવી હતી. પરંતુ આજ દિન સુધી જે હેતુ સિદ્ધ થવો જોઈએ, તે હજુ સુધી સિદ્ધ થયો નથી. એટલું જ નહીં, મોટાભાગે લોકો આ રેનબસેરામાં આવવા તૈયાર થતાં નથી. તેની પાછળનું શું કારણ શું છે? તે અંગે પણ ખાસ કોઈ તપાસ મનપા દ્વારા કરાઈ નથી. ત્યારે આ યોજનાનો લાભ જરૂરિયાતમંદ લોકો લેતા થાય તે માટે ચોક્કસ પગલાં લેવાય તે પણ જરૂરી છે.
શ્રમિક બસેરા યોજનામાં બાંધકામના શ્રમિકોને આશરો આપવાનો હતો ગુજરાત શ્રમિક બસેરા યોજનાનો મુખ્ય ધ્યેય બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા શ્રમિકોને કામના સ્થળની નજીક રહેવાનો આશરો આપવાનો પણ છે. કારણ કે કામદારોને તેમના કામના સ્થળે પહોંચવામાં વધુ સમય લાગે છે અને વધતી જતી મોંઘવારીને કારણે મિલકત અને રૂમના ભાડામાં પણ વધારો થયો છે. જેના કારણે તેમનો ઘણો સમય અને પૈસા વેડફાય છે. તેમજ તેમને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. જેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે, હજુ આ રેનબસેરા યોજના માટે જે મિલકતો ઊભી કરવામાં આવી છે તેની જાળવણી જ યોગ્ય રીતે થતી નથી.
મરામતને બદલે જૂનાની સામે જ નવું રેનબસેરા બનાવાશે બેડીનાકા પાસે આવેલા રેનબસેરાની હાલત અત્યંત ખરાબ છે. બારીઓ તૂટી ગઈ છે, છતમાંથી પોપડા પડી ગયા છે અને છતમાંથી સળિયા દેખાવા લાગ્યા છે. ત્યારે આટલી ખરાબ હાલત થઈ ગઈ હોવા છતાં તંત્ર મરામત કરાવતું નથી. ઊલટું હાલ જે જગ્યા પર રેનબસેરા છે, તેની સામે નવું રેનબસેરા ઊભું કરવાની વાત ચાલી રહી છે. ત્યારે તંત્ર કેમ રૂપિયાનો વ્યય થાય તે દિશામાં જ કાર્ય કરી રહ્યો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે અને બિલ્ડિંગ ફરી રિપેર કરવામાં આવે, તેમજ તેનો જ રેનબસેરા માટે ઉપયોગ થાય તે જરૂરી છે.
ફૂટપાથ પર સૂતા લોકોને રેનબસેરામાં ખસેડાતા નથી! રાજકોટમાં અનેકવિધ વિસ્તારોમાં મજૂરો રાત્રે ફૂટપાથ ઉપર સૂતા હોય છે, ત્યારે આટલા એટલે કે કુલ પાંચ રેનબસેરા રાજકોટમાં હોય અને છતાં તેઓ તેમાં ન રોકાય તો મહાનગરપાલિકાની કામગીરી ઉપર અનેક પ્રશ્નો ઉભા થાય છે. તો બીજી તરફ મહાનગરપાલિકાએ પણ આ દિશામાં વિચાર કરવો ખૂબ જરૂરી છે. કારણ કે તેમના દ્વારા જ્યાં સુધી સમજણ પૂરી પાડવામાં નહીં આવે અને જાગૃતતા કેળવવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ રેનબસેરામાં જવાનું નથી. ઉલટું, મહાનગરપાલિકા ઉપર આર્થિક ભારણ વધશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
જનરલ બોર્ડમાં દરખાસ્ત પણ થઈ ચૂકી છે આ અંગે પ્રોજેકટ શાખાનાં મેનેજર કાશ્મીરાબેન વાઢેરે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ રાજકોટ શહેરમાં કુલ 6 રેનબસેરા છે. જે પૈકી બેડીનાકા ખાતેનાં રેનબસેરાને ડિસમેન્ટલ કરીને નવું બનાવવામાં આવનાર છે. આ માટે જનરલ બોર્ડમાં દરખાસ્ત પણ થઈ ચૂકી છે અને ટૂંક સમયમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. અન્ય તમામ રેનબસેરા સારી રીતે કાર્યરત છે. અને તેમાં સરેરાશ દરરોજ 400 શ્રમિકો રહેતા હોય છે. જોકે, આ શ્રમિકો સતત બદલાતા રહે છે.
રેનબસેરા સાવ જર્જરિત હોવાથી તેને ડિસમેન્ટલ કરાશે મનપાનાં સિટી એન્જિનિયર અતુલ રાવલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકારની ખૂબ સારી યોજના છે અને રાજકોટમાં પણ તેનો સારી રીતે અમલ કરવામાં આવી રહ્યો છે. જોકે, બેડીનાકા ખાતેનું રેનબસેરા સાવ જર્જરિત હોવાથી તેને ડિસમેન્ટલ કરીને નવું બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટૂંક સમયમાં આ રેનબસેરા ડિસમેન્ટલ કરવાની અને ત્યારબાદ જરૂરી પ્રક્રિયા કરીને તેને નવું બનાવવા કાર્યવાહી પણ કરવામાં આવનાર છે. જોકે, મનપા દ્વારા જાગૃતિનાં અનેક પ્રયાસ કરવા છતાં અનેક લોકો હજુપણ રેનબસેરામાં રહેવાને બદલે ફૂટપાથ પર સૂવાનું પસંદ કરે છે. છતાં આવા લોકો જાગૃત થાય તે માટે સતત પ્રયાસ ચાલી રહ્યા છે.