જલારામ બાપાની 225મી જન્મ જયંતિ નિમિત્તે પોરબંદરમાં નવા જલારામ મંદિર ખાતે વિવિધ કાર્યક્રમ યોજાશે તેમજ શોભાયાત્રા અને મહા પ્રસાદી સહિતનું લોહાણા મહાજન અંતર્ગત આયોજન કરવામાં આવ્યું છે, જે માટે તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.
.
વીરપુરના વાસી જલારામ બાપાની 225મી જલારામ જયંતિની ભવ્ય ઉજવણી કરવા માટે પોરબંદરના લોહાણા સમાજમા અનેરો ઉત્સાહ છવાયો છે. પોરબંદર લોહાણા મહાજન તથા તેને અંતર્ગત વિવિધ લોહાણા સેવાકીય સંસ્થાઓ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. તા. 8/11ને શુક્રવારે જલારામ જયંતીના દિવસે શહેર જલારામ મય બનશે અને ઠેરઠેર લોહાણા સમાજના ઘરોમાં જલારામ બાપાની વિશેષ પૂજા અર્ચના, રંગોળી કરવામાં આવશે. શહેરના રાજમાર્ગો પર જલારામ જયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઠેરઠેર શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવશે અને શોભાયાત્રાના રૂટ પર ઠેરઠેર પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે લોહાણા મહાજન વાડી ખાતે મહા પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. શીતલાચોક પાછળ આવેલ જૂનું જલારામ મંદિર અને એસટી રોડ પર આવેલ નવું જલારામ મંદિર ખાતે જલારામ જયંતિને લઈને શણગાર કરવામાં આવશે. નવા જલારામ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
નવા જલારામ મંદિરે ત્રિ દિવસીય મહોત્સવ
એસટી રોડ પર આવેલ નવા જલારામ મંદિર ખાતે જલારામ જયંતિ નિમિતે તા. 6ના રોજ સાંજે 4 વાગ્યાથી ભવ્ય અન્નકોટના દર્શન યોજાશે, તા.7ના રોજ સાંજે 5 વાગ્યા થી સત્સંગ અને સાંજે મહા આરતી બાદ 7:30 કલાકથી 9:30 વાગ્યા સુધી મહાપ્રસાદ અને તા.8ના રોજ સવારે 7:30 કલાકે ધ્વજાજી, 9:30 કલાકે પાટોત્સવ મહાપૂજા ત્યાર બાદ 11 વાગ્યાથી રોટલા મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણ દિવસના ઉત્સવમાં જોડાવા જલારામ સેવા સમિતિ, જલારામ મંદિર યુવા ટીમ અને મહિલા મંડળ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.
મહાજન દ્વારા અપીલ કરવામાં આવી છે કે, જલારામ જયંતિ નિમિતે શુક્રવારે બપોર બાદ તમામ લોહાણા સમાજના વ્યવસાયિકોએ પોતાના ધંધા રોજગાર બંધ પાળી શોભાયાત્રામાં જોડાય તેવી અપીલ કરવામાં આવી છે તેમજ શોભાયાત્રા દરમ્યાન અબીલ ગુલાલ અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ હોવાનું જણાવ્યું છે.