અમેરિકામાં વાજતે-ગાજતે ટ્રમ્પ સત્તા પર પાછા ફર્યા છે. કમલા હેરિસે છેલ્લી ઘડી સુધી સારી લડત આપી પણ આખરે અમેરિકનોએ ‘ફીર એકબાર ટ્રમ્પ સરકાર’નો નારા પર મ્હોર મારી છે. ‘હું જીતવા માટે જ જીવું છું’ એવું કહેનાર ડોનાલ્ડ ટ્રમ્પ ખરેખર જીતી ગયા છે. કમલા હેરિસ ર
.
નમસ્કાર,
ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર આવશે તો ભારતે રાજી થવું જોઈએ, એવું નથી અને નિરાશ થવું જોઈએ એવું પણ નથી. મોદી અને ટ્રમ્પ સારા મિત્રો છે એની ના નહીં પણ ટ્રમ્પનો ભરોસો કરવા જેવો પણ નથી. બિઝનેસમાં ડ્યુટીની વાત હોય કે ઈમિગ્રન્ટ્સને નોકરી આપવાની વાત હોય, ટ્રમ્પ હંમેશાં ભારત વિરોધી રહ્યા છે. હા, ખાસ કરીને નરેન્દ્ર મોદીને તે સારા મિત્ર માને છે એટલાથી અટકતું નથી. ટ્રમ્પ ગમે ત્યારે ગુગલી ફેંકીને નિર્ણયો બદલી શકે છે અને તેનાથી ભારતનું હિત જોખમાઈ શકે છે. એટલે એ કહેવું મુશ્કેલ છે કે ટ્રમ્પની જીતથી ભારતને ‘લાભ પાંચમ’ ફળશે કે કેમ?
જીત્યા પછી ટ્રમ્પે કહ્યું- મને ભગવાને એ દિવસે એટલે જ બચાવી લીધો હતો જીત મળ્યા પછી અમેરિકન લોકોને સંબોધતાં ટ્રમ્પે કહ્યું કે, હું અમેરિકાને ફરી એકવાર મહાન બનાવીશ. આ દિવસ માટે જ ભગવાને એ દિવસે મારો જીવ બચાવ્યો હતો. ટ્રમ્પ પર 13 જુલાઈના રોજ પેન્સિલવેનિયામાં હુમલો થયો હતો. એક ગોળી તેના કાનને અડીને બહાર નીકળી ગઈ. હુમલામાં તેમનો જીવ બચી ગયો હતો. ટ્રમ્પે કહ્યું, અમે તે કર્યું જે લોકોને અશક્ય લાગતું હતું. અમેરિકાના ઈતિહાસમાં આ સૌથી મોટી જીત છે. હું દેશની તમામ સમસ્યાઓ હલ કરીશ, અમેરિકન લોકોના પરિવાર અને તેમના ભવિષ્ય માટે લડીશ. આગામી 4 વર્ષ અમેરિકા માટે મહત્વપૂર્ણ છે.
પહેલાં ટ્રમ્પની આ પાંચ રસપ્રદ વાતો જાણી લો…
- ડોનાલ્ડ ટ્રમ્પને 50 રાજ્યોમાં 538માંથી 277 બેઠકો મળી છે. બહુમતી માટે જરૂરી 270 બેઠકો કરતાં 7 વધુ છે. કમલા હેરિસને 224 સીટ જ મળી શકી હતી. ટ્રમ્પ 2016માં પહેલીવાર રાષ્ટ્રપતિ બન્યા હતા અને 2020માં જો બાઈડેન સામે હારી ગયા હતા. હવે 2024માં ટ્રમ્પ ફરી જીત્યા છે. ટ્રમ્પ બીજા વિશ્વ યુદ્ધ પછીના પહેલા એવા નેતા છે જે 4 વર્ષના અંતરાલ પછી ફરીથી રાષ્ટ્રપતિ બન્યા છે.
- રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મહિલા ઉમેદવારને બે વખત હરાવનાર ટ્રમ્પ અમેરિકન ઈતિહાસમાં પહેલા નેતા છે. રસપ્રદ વાત એ પણ છે કે 2016 અને 2024 સિવાય ક્યારેય કોઈ મહિલાએ રાષ્ટ્રપતિની ચૂંટણી લડી નથી. ટ્રમ્પે પહેલીવાર હિલેરી ક્લિન્ટનને હરાવ્યાં હતાં અને હવે કમલા હેરિસને હરાવ્યાં છે. ટ્રમ્પ બંને વખત ચૂંટણી જીત્યા છે.
- જે દિવસે જો બાઈડને અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકેના શપથ લીધા તે દિવસે ટ્રમ્પે અમેરિકના રાજકીય ઈતિહાસમાં 152 વર્ષ જૂની પરંપરા તોડીને શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવાનો ઈન્કાર કર્યો હતો. શપથ સમારોહમાં હાજર રહેવાના બદલે ટ્રમ્પ વહેલી સવારે વ્હાઇટ હાઉસ છોડીને માર-એ- લાગોસમાં આવેલા તેમની ખાનગી ક્લબ માટે રવાના થઈ ગયા હતા.
- જાન્યુઆરી 2021માં ન્યૂયોર્ક ટાઈમ્સમાં પ્રકાશિત થયેલા લેખનું પેટા હેડીંગ એટલે નીચે નાનકડું હેડીંગ હતું કે, ‘એક ભયાનક પ્રયોગ હવે ખતમ થઈ ગયો છે.’ આ લેખની હેડલાઇન સ્પષ્ટ હતી: ‘પ્રેસિડેન્ટ ડોનાલ્ડ જે. ટ્રમ્પ: ધ એન્ડ.’ પણ આજે 78 વર્ષના ટ્રમ્પે નવો ચીલો ચાતરીને ન્યૂયોર્ક ટાઈમ્સની આ હેડલાઈનને ખોટી પાડી છે.
- ફ્લોરિડામાં સરકારી દસ્તાવેજો પોતાને ઘરે લઈ જવાનો કેસ હોય કે પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સે ટ્રમ્પ સામે કરેલો કેસ હોય. અમેરિકી પ્રજાને એવું જ લાગતું હતું કે, ટ્રમ્પને સજા થશે અને તે અમેરિકાની ચૂંટણી નહીં લડી શકે. મે 2024માં તો મેનહટ્ટન કોર્ટે 34 આરોપોમાં ટ્રમ્પને દોષિત ઠેરવ્યા હતા પણ દરેક કેસમાં ચૂંટણી પછી સજા સંભળાવવામાં આવશે, એમ કહીને તારીખ આપી દેવાઈ. પણ ટ્રમ્પ વિચલિત થયા નહીં ને ચૂંટણી પ્રચાર કરતા રહ્યા.
ટ્રમ્પના આવવાથી ભારતને થનારા ફાયદા વિશે પહેલાં જાણો…
- દોસ્તી : ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીની દોસ્તી જગજાહેર છે. 2019માં ટ્રમ્પે અમેરિકામાં હાઉડી મોદી કાર્યક્રમ કર્યો હતો, એ પછી 2020માં જ્યારે ટ્રમ્પ ભારત આવ્યા ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લાખોની ભીડ વચ્ચે વેલકમ ટ્રમ્પ કાર્યક્રમ કર્યો હતો. ટ્રમ્પ બહુ પ્રભાવિત થયા હતા. અમેરિકા ગયા પછી તેમણે આ વાતનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. થોડા દિવસ પહેલાં અમેરિકામાં મીડિયા સાથે વાત કરતી વખતે તેમણે ફરી મોદીના વખાણ કર્યા હતા. તેમને શક્તિશાળી નેતા ગણાવ્યા હતા. હમણાં દિવાળી ગઈ ત્યારે ટ્રમ્પે ટ્વિટ કરીને નરેન્દ્ર મોદીને પોતાના મિત્ર ગણાવી દિવાળીની શુભેચ્છા આપી હતી. ટ્રમ્પે એવું પણ લખ્યું કે, જો તેમની સરકાર સત્તામાં આવશે ત્યારે ભારત-અમેરિકા વચ્ચેની ભાગીદારીને વધુ આગળ વધારીશું.
- ચીન સામેનો પડકાર : ડોનાલ્ડ ટ્રમ્પના પહેલા કાર્યકાળ પર નજર કરીએ તો ઘણી બાબતો અરીસાની જેમ સ્પષ્ટ છે. એક વાત એ છે કે તેમની સરકાર એશિયામાં એક મોટી શક્તિ તરીકે ભારતને માન આપે છે. ખાસ કરીને ચીન અમેરિકાને પછાડીને મહાસત્તા બનવા મથે છે ત્યારે એ વખતે ટ્રમ્પે ભારત પાસેથી સહકારની અપેક્ષા રાખી હતી. ટ્રમ્પકાળ દરમિયાન એશિયા-પેસિફિક ક્ષેત્રની સુરક્ષા માટે રચાયેલી સંસ્થા ક્વાડમાં ભારત અને અમેરિકા નજીક આવ્યા હતા. એટલે હવે ટ્રમ્પ આવતાં બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો વધુ મજબૂત થવાની આશા રાખી શકાય છે. જો કે, ટ્રમ્પ આવવાથી ચીનના પેટમાં તેલ રેડાશે તે પણ નક્કી છે.
- ગેરકાયદેસર ઘૂસણખોરી : આ મુદ્દે પણ ટ્રમ્પ અને મોદીના વિચારો એક જ છે. જ્યાં અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ મેક્સિકોની સરહદ પર દીવાલ બનાવી રહ્યા છે. ટ્રમ્પે ચૂંટણીમાં ઘૂસણખોરીને મુદ્દો બનાવ્યો હતો. મોદી સરકારે પણ CAA અને NRC દ્વારા ઘૂસણખોરીની સમસ્યાને પડકારી છે.
- આર્મ્સ ડીલ અને ટેક્નોલોજી ટ્રાન્સફર: ટ્રમ્પના શાસનમાં ભારતને આધુનિક હથિયારોની સપ્લાયમાં અમેરિકા તરફથી સહયોગ મળવાની પૂરી સંભાવના છે. તે આમર્સની ટેક્નોલોજી ટ્રાન્સફર કરવામાં થોડી આનાકાની કરી શકે છે, તેમ છતાં ટ્રમ્પને મનાવવામાં મોદીને બહુ મુશ્કેલી નહીં પડે.
- આતંકવાદ : ટ્રમ્પ આતંકવાદનો વિરોધ કરતા આવ્યા છે. તેણે વારંવાર ઈસ્લામિક આતંકવાદ અને જેહાદનો ઉલ્લેખ કર્યો છે. આ માટે તે અમેરિકામાં મુસ્લિમોના સ્થળાંતરને ખતરો ગણાવી રહ્યા છે. ટ્રમ્પની નીતિઓ પોતાની જગ્યાએ છે, પરંતુ પાકિસ્તાન પ્રયોજિત આતંકવાદના મામલે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતને અમેરિકાનું સમર્થન મળશે. આતંકવાદીઓને સમર્થન આપવાના મામલે પાકિસ્તાનને ચીન તરફથી જે પ્રોત્સાહન મળે છે તેનો સામનો કરવા માટે પણ ભારતને અમેરિકાનું સમર્થન મળશે.
- કેનેડા અને ખાલિસ્તાન: અમેરિકા અને કેનેડામાં વધતી જતી ખાલિસ્તાની ગતિવિધિઓને કારણે તાજેતરમાં ભારતને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. ભારત-કેનેડાના સંબંધો બગડ્યા છે. એટલું જ નહીં, ભારતીય હિંદુઓની સુરક્ષા પણ જોખમમાં આવી ગઈ છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની નીતિઓ અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટીની નીતિઓ સાથે મેળ ખાય છે. એટલે ટ્રમ્પના આગમનથી ભારતને કેનેડા પર દબાણ બનાવવામાં મદદ મળશે.
ટ્રમ્પ મોદીના મિત્ર ભલે રહ્યા પણ આટલું ધ્યાન તો રાખવું જ પડશે…
- ટ્રમ્પનો કોઈ ભરોસો નહીં : ડોનાલ્ડ ટ્રમ્પ ભલે ભારતના મિત્ર હોય તેવું દેખાઈ રહ્યું છે, પણ તે જે રીતે ઉતાવળા નિર્ણયો લે છે તે ક્યારેક ભારત માટે અસહજ સ્થિતિનું નિર્માણ કરી શકે છે. ઉદાહરણ તરીકે, તેમના પહેલા કાર્યકાળમાં તેમણે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને વ્હાઇટ હાઉસ બોલાવ્યા હતા અને કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવાની ઇચ્છા વ્યક્ત કરી. બાદમાં ભારતે વાંધો લીધે એટલે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે સ્પષ્ટતા કરવી પડી હતી. જ્યારે, બાઈડનના કાર્યકાળમાં અમેરિકાએ પાકિસ્તાનને કોઈ મહત્વ આપ્યું નહોતું.
- H1B વિઝા પોલિસી : ટ્રમ્પની નીતિઓ ઇમિગ્રન્ટ્સ માટે ઘણી કડક રહી છે. તેમના કાર્યકાળ દરમિયાન ભારતીય પ્રોફેશનલ્સને અમેરિકામાં કામ કરવા માટે H1B વિઝા મેળવવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. ટ્રમ્પના નવા કાર્યકાળ દરમિયાન પણ ભારત સરકારે આ મામલે અમેરિકી સરકાર સાથે દલીલ કરવી પડશે. ટ્રમ્પ માને છે કે અમેરિકન નોકરીઓ પર પહેલો અધિકાર અમેરિકન નાગરિકોનો હોવો જોઈએ. જ્યારે બાઈડનની ડેમોક્રેટિક પાર્ટીનું માનવું છે કે અમેરિકાને પ્રતિભાની જરૂર છે અને તે દુનિયામાં ગમે ત્યાંથી હોય, તેને અહીં આવવા દેવી જોઈએ.
- ઇમિગ્રન્ટ્સની સુરક્ષા: વ્હાઈટ સુપ્રીમસી એટલે ગોરાઓનું વર્ચસ્વ હોવું જોઈએ તેવી વિચારધારાને પ્રોત્સાહન આપવાનો આરોપ ટ્રમ્પ પર છે. તેમના વિરોધીઓનું કહેવું છે કે તેમના કાર્યકાળ દરમિયાન ઇમિગ્રન્ટ્સ સાથે માત્ર ભેદભાવ જ નથી થયો પણ તે લોકો હિંસાનો ભોગ પણ બન્યા છે. આવી સ્થિતિમાં અમેરિકામાં રહેતા ભારતીય ઈમિગ્રન્ટ્સની સુરક્ષાને લઈને ભારત ચિંતિત રહેશે.
- બિઝનેસ રિલેશન્સ : ડોનાલ્ડ ટ્રમ્પ ભારતમાં અમેરિકન પ્રોડક્ટ પર લાદવામાં આવેલા ટેરિફની ટીકા કરતા રહ્યા છે. તેણે ભારતમાંથી સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર ડ્યૂટી લાદી હતી. આ સિવાય ભારતની અનેક ડ્યુટી ફ્રી પ્રોડક્ટ્સને ટેક્સના દાયરામાં લાવવાની વાત થઈ હતી. એટલે ટ્રમ્પ હવે ‘મેક અમેરિકા ગ્રેટ અગેઈન’ના નારા સાથે સત્તામાં પાછા ફર્યા છે. ત્યારે અમેરિકાની નીતિઓમાં ભારતના હિતનો સમાવેશ કરવો કઠીન બનશે.
ડોનાલ્ડ ટ્રમ્પના આગમનથી ભારતને બિઝનેસમાં શું નુકસાન થશે? ભારત માટે અમેરિકા એ બિઝનેસ એક્સપોર્ટ માટે સૌથી મોટું બજાર છે. ભારત અમેરિકાને ફૂડ આઈટમ્સ, મસાલા, ચા, કપડાં, ચામડાની વસ્તુઓ, હીરા, રત્ન, દવાઓ આપે છે. ભારતને અમેરિકા સાથેના વેપારથી સારો એવો નફો થાય છે. પણ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનથી ભારતને નુકસાન થાય તેવી પૂરી સંભાવના છે. એના કારણો છે. ફાયનાન્શિયલ 2023-24માં ભારતે અમેરિકા પાસેથી કુલ આશરે 3 લાખ 55 હજાર કરોડ રૂપિયાનો સામાન ખરીદ્યો હતો. જ્યારે ભારતે આ સમયગાળા દરમિયાન અમેરિકાને 6 લાખ 52 હજાર કરોડ રૂપિયાનો સામાન વેચ્યો હતો. 2017થી 2021 દરમિયાન ટ્રમ્પના પ્રેસિડેન્ટકાળ દરમિયાન ભારત-અમેરિકા સંબંધોમાં ઘણી પ્રગતિ જોવા મળી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પના શાસનકાળમાં ભારત સાથે બધું બરાબર ચાલ્યું હતું, એવું કહેવું પણ બરાબર નથી. એટલે આ વખતની જીતથી ભારતને ફાયદો જ ફાયદો થશે એવું પણ ન કહી શકાય. એ એટલા માટે કે તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન ટ્રમ્પે ભારતને “ટેરિફ કિંગ” કહ્યું હતું. આ વર્ષે ઓગસ્ટ-2024માં એક ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે ભારતના ઊંચા ટેક્સની ટીકા કરી હતી. હકીકતમાં 2019માં જ્યારે ટ્રમ્પ સત્તામાં હતા ત્યારે મોદી સરકારે ઘણા અમેરિકન સામાન પર ભારે ટેક્સ લગાવ્યો હતો. કારણ કે ટ્રમ્પ સરકારે ભારતને સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પરના વધારાના ટેક્સમાંથી મુક્તિ આપવાનો ઈન્કાર કરી દીધો હતો. ત્યારબાદ ટ્રમ્પે ભારતને ટ્રેડની જનરલ સિસ્ટમમાંથી બાકાત રાખી દીધું હતું. આ નિર્ણયને કારણે અમેરિકામાં ઘણી ભારતીય વસ્તુઓ મોંઘી થઈ ગઈ જેના કારણે ભારતીય કંપનીઓને નુકસાન સહન કરવું પડ્યું. પ્રેફરન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટમાં એક દેશ વેપારને સરળ બનાવવા માટે બીજા દેશ સાથે અમુક માલ પર ઓછી ડ્યુટી રાખે છે. પોતાના કાર્યકાળ દરમિયાન ટ્રમ્પે ભારતને ઈરાન પાસેથી તેલ ખરીદવા અને રશિયા પાસેથી S-400 એન્ટી એરક્રાફ્ટ મિસાઈલ ખરીદવાની ભારતની યોજનાને લઈને વિવિધ પ્રતિબંધોની ધમકી પણ આપી હતી. આ સિવાય ટ્રમ્પ ભારતમાં હાર્લી-ડેવિડસન મોટરસાઈકલ પર લાદવામાં આવેલા ભારે ટેક્સને લઈને પણ સમયાંતરે ભારતની ટીકા કરતા રહ્યા છે.
ટ્રમ્પ ચીનને ભીંસમાં લેશે, એનો ફાયદો ભારતને મળી શકે છે માર્કેટ રિસર્ચ ફર્મ નોમુરાએ એક રિપોર્ટ રજૂ કર્યો હતો. આ રિપોર્ટમાં ટ્રમ્પના પ્રેસિડેન્ટ બનવાની એશિયા પર શું અસર પડી છે તેના પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં એવું સૂચન કરવામાં આવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પનું રાષ્ટ્રપતિ બનવું ભારત માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે અમેરિકા હંમેશાં ચીન વિરોધી રહ્યું છે. ભારતની જાણીતી બ્રોકરેજ ફર્મ જેએમ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશનલ સિક્યોરિટીઝના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પ ચૂંટણી જીતે તો અમેરિકા ચીનના સામાન પર ભારે ટેક્સ લગાવશે. વિશ્વભરની કંપનીઓની ચાઈના પ્લસ વન વ્યૂહરચનાથી ભારતને ફાયદો થશે. ભારતીય ઓટો કંપનીઓ માટે નિકાસના નવા રસ્તા ખુલશે. ચાઈના પ્લસ વન હેઠળ દુનિયાભરની કંપનીઓ ચીન, વિયેતનામ અને ભારત જેવા દેશોમાં પોતાનું રોકાણ વધારી રહી છે. ખાસ કરીને કોવિડ પછી કંપનીઓએ ચીન સિવાય રોકાણના ઓપ્શન શોધવાનું શરૂ કર્યું છે. ટ્રમ્પની જીતથી પ્રભાવિત થનારી વસ્તુઓમાં ઘણી એવી ચીજવસ્તુઓ છે જેના ભાવ વધી શકે છે. ગયા વખતે જ્યારે ટ્રમ્પ સત્તામાં હતા ત્યારે તેમણે ઘણી વસ્તુઓ પર ટેક્સ વધાર્યો હતો, જેના કારણે ઘણી વસ્તુઓના ભાવ વધી ગયા હતા.
ટ્રમ્પ આયાત પર ટેરિફ વધારી શકે છે એટલે અમેરિકામાં વિદેશની વસ્તુઓ મોંઘી થશે. બ્રોકરેજ ફર્મ જેએમ ફાઇનાન્શિયલના રિપોર્ટ મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ વિસ્તરણવાદી છે. ટ્રમ્પે ચીનમાંથી થતી આયાત પર અંદાજે 60 ટકા કે તેથી વધુ ટેરિફ અને બાકીના દેશોમાંથી આયાત પર 10 થી 20 ટકા ટેરિફ વધારવાનો તેમનો ઈરાદો વ્યક્ત કર્યો છે. ભારતના મેટલ નિકાસકારોને ચાઇનીઝ મેટલ્સ પર ટેક્સ વધારવાથી ફાયદો થઈ શકે છે. આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ચીન પર ડોનાલ્ડ ટ્રમ્પના વલણથી ભારતીય કેમિકલ નિકાસ માટે અમેરિકન બજાર વધુ ખુલશે તેવી અપેક્ષા છે. કાપડ અને ટાઇલ્સ, ખાસ કરીને મોરબી સિરામિક ઉદ્યોગની માંગ વધી શકે છે કારણ કે ટ્રમ્પ સરકાર ચાઇનીઝ માલ પર ભારે ટેરિફ લાદી શકે છે. જેના કારણે અમેરિકન લોકોને ભારતમાંથી આ વસ્તુઓ ખરીદવાની ફરજ પડશે, એ હિસાબે ભારતના ઉદ્યોગોને ફાયદો થશે એ નક્કી.
હવે એ જાણી લો, ટ્રમ્પની વાપસીથી ક્યા દેશને શું અસર થશે?
- ચીન : ચીનને અમેરિકાનો સૌથી મોટો આર્થિક હરીફ માનવામાં આવે છે. હવે ટ્રમ્પ ચીન સામે ટ્રેડ વોરની વાત કરી ચૂક્યા છે. તેમણે તેમના છેલ્લા કાર્યકાળમાં ચીનની આયાત પર 250 બિલિયન ડોલરના કમરતોડ ટેરિફ લાદ્યા હતા. આ વર્ષે ટ્રમ્પે કહ્યું હતું કે જો તેઓ જીતશે તો ચીનના સામાન પર ટેરિફ 60 થી 100 ટકા વધારી દેશે. એટલે ચીનના માલ પર ટેરિફ વધશે તે નક્કી. આનાથી ચીનની આર્થિક કમર ભાંગી જશે.
- રશિયા-યુક્રેન : ટ્રમ્પ અગાઉ કહી ચૂક્યા છે કે તે ધારે તો 24 કલાકમાં રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ કરાવી શકે છે. તેમના નિવેદન પરથી માનવામાં આવી રહ્યું છે કે તે રશિયા સાથે કરાર કરવા દબાણ કરવા માટે યુક્રેનને મળતું ભંડોળ રોકી શકે છે. અમેરિકાની મદદ વિના યુક્રેન જમીનનો મોટો હિસ્સો ગુમાવી શકે છે.
- ઈઝરાયલ : અમેરિકા હંમેશાં ઈઝરાયલની પડખે રહ્યું છે. અમેરિકાના જોરે ઈઝરાયલ અત્યારે સાત મોરચે લડી રહ્યું છે. ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકામાં રહેતી કોઈપણ વ્યક્તિ જે યહૂદી છે અને ઇઝરાયલને પ્રેમ કરે છે અને જો તે ડેમોક્રેટને મત આપે છે તો તે મૂર્ખ છે. પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન પણ ટ્રમ્પે જેરુસલેમને ઈઝરાયેલની રાજધાની ગણાવી હતી. આ વખતે જ્યારે ઈરાને ઈઝરાયલ પર હુમલો કર્યો ત્યારે ટ્રમ્પે કહ્યું હતું કે, ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટને ઊડાવી દો, પછી બીજી વાત.
- ઈરાન : ટ્રમ્પની જીત ઈરાન માટે ખરાબ સમાચાર છે. એવું કહેવાય છે કે ટ્રમ્પ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને ઇરાનના પરમાણુ સ્થળો પર હુમલો કરવા લીલી ઝંડી આપી શકે છે, જો કે બાઈડને આનો વિરોધ કર્યો હતો.
છેલ્લે,
ટ્રમ્પની જીત પછી દુનિયાભરના નેતાઓ તેમને શુભેચ્છા આપી રહ્યા છે પણ રશિયાના રાષ્ટ્રપતિ વાલ્દીમીર પુતિને કહ્યું કે, તે હમણાં ટ્રમ્પને શુભેચ્છા નહીં આપે. રશિયાના પ્રવક્તાએ કહ્યું છે કે, ટ્રમ્પ સરકારની નીતિઓ જાણ્યા પછી અમે અમેરિકા સાથે કેવા સંબંધ રાખવા તે નક્કી કરીશું. આમ પણ અમારા માટે અમેરિકા એ ‘અમિત્ર દેશ’ રહ્યો છે.
સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ…
(રિસર્ચ : યશપાલ બક્ષી)