– સુરેન્દ્રનગર જિલ્લામાં નવા વર્ષની લોહીયાળ શરૃઆત
– એક વર્ષ પહેલા ખરીદેલા ફટાકડાની ઉઘરાણી કરતા યુવક બે રાઉન્ડ ફાયરીંગ કરી નાશી છુટયો
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરના જોરાવરનગર વિસ્તારમાં પાન પાર્લરના માલિક પર રાત્રીના સમયે એક શખ્શ ફાયરીંગ કરી નાશી છુટયો હતો. ફાયરિંગમાં પાન પાર્લર માલિકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ મામલે જોરાવરનગર પોલીસે મૃતકના પરિવારજનોના નિવેદનના આધારે હત્યા ની૫જાવનાર શખ્શ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. લાભ પાંચમના પૂર્વ દિવસે જ હત્યાનો બનાવ બનતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એકવાર નવા વર્ષની લોહીયાળ શરૃઆત થઇ છે. જોરાવરનગરના મેઈન બજારમાં રાત્રીના સમયે મયુર પાન પાર્લરની દુકાને રાત્રીના સમયે વનરાજ કાળુભાઇ ખાચર નામનો શખ્સ બોલાચાલી અને જાનથી મારી નાખવાના ઇરાદે ધસી આવ્યો હતો અને પાન પાર્લરના માલિક જીતેન્દ્રસિંહ (જીતુભા) એ.ગોહિલ સાથે અગાઉના રૃપિયાની લેતી દેતી મામલે બોલાચાલી કરી હતી. જોતજોતામાં મામલો ઉગ્ર બનતા રોષે ભરાયેલ શખ્સે પોતાની પાસે રહેલા હથિયાર વડે અંદાજે બે રાઉન્ડ ફાયરિંગ કરતા જીતુભા ગોહિલને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે ફાયરિંગ કરી વનરાજ ખાચર નાશી છુટયો હતો.
બનાવની જાણ થતાં આસપાસના દુકાનદારો તેમજ જીતુભાના પરિવારજનો સ્થળ પર આવી પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત જીતુભાને સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનંુ મોત નિપજ્યું હતું. મેઇન બજારમાં ફાયરીંગથી હત્યાના બનાવને લઇને વેપારીઓ અને રહીશોમાં ફફડાટ ફેલાયો છે.
પ્રાથમિક તપાસમાં જીતુભા ગોહિલે એક વર્ષ પહેલા ફટાકડાનો સ્ટોલ કર્યો હતો અને ફાયરિંગ કરનાર વનરાજભાઇ કાળુભાઇ ખાચરને બાકીમાં ફટાકડા આપ્યા હતા. બાકી રૃપિયાની કડક ઉઘરાણી કરતા થોડા દિવસો પહેલા પણ વનરાજભાઇ ખાચર પાંચ જેટલા શખ્સો સાથે પાનની દુકાન પર આવી જીતુભા ગોહિલ સાથે બોલાચાલી કરી ચાલ્યા ગયા હતા. ત્યારે ફરી વખત રૃપિયાની લેતી-દેતીનું મનદુઃખ રાખી વનરાજભાઈ ખાચર પાન પાર્લર આવ્યા હતા અને ફાયરીંગ કરી જીતુભા ગોહિલની હત્યા કરી હોવાનુ સામે આવ્યું છે.
બનાવ અંગેની જાણ થતાં ડીએસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, એલસીબી, એસઓજી સહીતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતકના પરિવારજનોના નિવેદનના આધારે ફાયરિંગ કરી હત્યા નિપજાવનાર વનરાજભાઈ ખાચર વિરૃદ્ધ જોરાવરનગર પોલીસ મથકે ગુનો નોંધી ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે જીલ્લામાં માથાભારે શખ્સોને પોલીસનો પણ ડર ન હોય તેમ લાગી રહ્યું છે. જીલ્લામાં લુંટ, ફાયરીંગ, હત્યા, ખંડણી સહિતના બનાવોએ માજા મુકી છે ત્યારે નવા વર્ષના તહેવારમાં અને લાભ પાંચમના પૂર્વ દિવસે જ ફાયરીંગ હત્યાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે.