ગાંધીનગરના સેકટર – 8 માં રહેતા સોલાર એનર્જીનાં બિઝનેસ સાથે સંકળાયેલા વેપારીએ ગઈકાલે બુધવારે ઢળતી રાતે ભેદી સંજોગોમાં પોતાના ઘરે હિચકામાં બેઠા બેઠા કોઈ અગમ્ય કારણોસર લાયસન્સ વાળી પિસ્તોલ વડે લમણે ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો છે. જેઓને ગાંધીનગર સિવિલ
.
ગાંધીનગરના સેકટર – 8 પ્લોટ નંબર – 662/1 માં રહેતા 55 વર્ષીય અનિલ હીરાલાલ ગેહલોતનાં પરિવારમાં પત્ની કલ્પનાબેન અને એક દિકરો – દીકરી છે. દીકરો કેનેડા તેમજ દીકરી અમેરિકા ખાતે રહે છે. જ્યારે અનિલભાઈ અને તેમના પત્ની કલ્પનાબેન ઉપરોક્ત ઘરે એકલા જ રહે છે. અનિલભાઈ અમદાવાદના ઈન્કમટેક્સ ખાતે લક્ષ્મી ઈલેક્ટ્રીકસ નામે ધંધો કરે છે. તેમજ સોલાર એનર્જીનાં બિઝનેસ સાથે પણ સંકળાયેલા છે.
છેલ્લા ચાર પાંચ દિવસથી તેમનો દીકરો ઉત્સવ કેનેડાની ગાંધીનગર આવેલો છે. ગઈકાલે બુધવારે રાતનાં સમયે અનિલભાઈ તેમના પત્ની અને દીકરો ઘરે હાજર હતા. બાદમાં દીકરો તેના કાકાને મળવા માટે ઘરેથી નિકળ્યો હતો. એ વખતે કલ્પનાબેન દીકરાને સીઓફ કરવા ઘરની બહાર નિકળ્યા હતા. આ દરમ્યાન હિચકા ઉપર બેઠેલા અનિલભાઈએ ભેદી સંજોગોમાં પોતાની લાયસન્સ વાળી રિવોલ્વરથી લમણે ગોળી મારી દીધી હતી.
અચાનક ફાયરીંગનો અવાજ આવતા જ કલ્પનાબેન સહીતના આસપાસ આ લોકો દોડી આવ્યા હતા. અને અનિલભાઈને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાંથી તેમને પરિવારજનો અમદાવાદની કેડી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે અનિલભાઈને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા.
આ બનાવની જાણ થતાં જ સેકટર – 7 પોલીસ મથકના પીઆઈ બી બી ગોયલ, પીએસઆઇ એન વી નાયી સહિત પોલીસ કાફલો દોડી ગયો હતો. પોલીસ અનિલભાઈનું સ્ટેટમેન્ટ લેવા અમદાવાદ હોસ્પિટલ પણ પહોંચી હતી. પરંતુ તેઓને બ્રેઇન ડેડ જાહેર કરાયા હોવાથી તે શક્ય બન્યું ન હતું. આ અંગે પીઆઈ ગોયલે જણાવાયું કે, પ્રાથમિક રીતે પારિવારિક ઘર કંકાસનાં લીધે પગલું ભર્યું હોવાનું અનુમાન છે. પરિવારની વિગતવાર પૂછતાંછ કરીએ પછી ચોક્કસ હકીકત જાણવા મળશે.