દિવાળીની રજાઓને લઈ પ્રવાસીઓમાં ફરવા માટે જુનાગઢ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દિવસેને દિવસે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે પ્રવાસીઓ સાથે ચોરીની ઘટના બની હોવાનું પણ સામે આવ્યું છે. સક્કરબાગ ઝૂના પાર્કિંગમાંથી બે કારના કાચ તોડી તસ્કરોએ
.
મોરબી અને કચ્છથી જુનાગઢ સક્કરબાગ ઝુ મા ફરવા આવેલા બે પ્રવાસીઓએ પાર્ક કરેલી કારના કાચ તોડી રોકડ રૂપિયા અને સોનાના ચેનની ચોરી થયાની ઘટના સામે આવી છે. મોરબી અને કચ્છથી પરિવાર જૂનાગઢમાં ફરવા આવ્યો હતો. ત્યારે જુનાગઢના સક્કરબાગ ઝૂ માં ફરવા ગયેલા પરિવારે પોતાની બે ગાડીઓ સક્કરબાગ ઝુમાં પાર્કિંગમાં પાર્ક કરેલ હતી. આ પાર્કિંગના 30 રૂપિયા ચાર્જ પણ ચૂકવ્યો હતો. પરિવાર પરત ફરતા પોતાની બંને ગાડીઓના કાચ તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા, જેથી પરિવારે પોતાની ગાડીમાં રાખેલો સામાન ચેક કરતા અજાણ્યા ઈસમ ગાડીનો કાચ તોડી સામાન ચોરી કરી ગયો હોવાની જાણ થઈ હતી. પરિવાર દ્વારા ગાડીમાં ત્રણ બેગ રાખવામાં આવી હતી. આ બેગોમાં રોકડ રૂપિયા દોઢ લાખથી વધુ અને એક પાંચ તોલાનો ચેન હતો, જે ચોરી થઈ જતા પરિવાર હાલ ચિંતામાં મુકાયો છે. સક્કરબાગ ઝુ પાર્કિંગમાં ચોરી થયેલી ઘટનાથી જુનાગઢ પોલીસ દ્વારા તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ સીસીટીવી કેમેરાની મદદ લઈ વહેલી તકે આ તસ્કરને પકડવા તજવીજ હાથ ધરી છે.
સક્કરબાગ ઝુમાં ફરવા આવેલ વજેસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અમે મોરબીથી પરિવાર સાથે ફરવા માટે નીકળેલ હતા. આજે સક્કરબાગ ઝુમાં પરિવાર સાથે ફરવા આવ્યા હતા તે સમયે પાર્કિંગમાં મારી ગાડી રાખી હતી ત્યારે પાર્કિંગમાંથી ગાડીના કાચ તોડી 3 બેગમાંથી રોકડ રૂપિયા દોઢ લાખ અને એક 5 તોલાનો ચેન કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ચોરી કરવામાં આવી હતી. અમે જ્યારે ફરવા ગયા હતા ત્યારે એક બેગમાં 50,000 રૂપિયા રોકડા અને બીજી બેગમાં એક લાખ રૂપિયા રોકડા હતા. તેમજ અન્ય એક બેગમાં પાંચ તોલાનો ચેન રાખી અમારો પરિવાર ફરવા ગયો હતો. સક્કરબાગ ઝુ ફરીને પરત ફરતા અમારી ગાડી ના કાચ તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા અને ત્રણે બેગ ગાડીમાંથી ગાયબ હતા. પાર્કિંગ માટે અમે 30 રૂપિયા ચૂકવ્યા હતા. પાર્કિંગના કર્મીઓની બેદરકારીના કારણે આજે અમારો કીમતી સામાન ચોરી થયો છે. ચોરીની જાણ થયાથી પોલીસે પોતાની કામગીરી શરૂ કરી છે. આશા રાખીએ છીએ કે અમને અમારો સામાન વહેલી તકે પરત મળી જાય.
કચ્છથી ફરવા આવેલ કાનજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, હું મારા પરિવાર સાથે જૂનાગઢ સક્કરબાગ ઝુમાં ફરવા ગયો હતો. મેં મારી ગાડી સક્કરબાગ ઝુના પાર્કિંગમાં પાર્ક કરી 30 રૂપિયા ચૂકવ્યા હતા. જે બાદ પરત ફરતા મારી ગાડીના કાચ તોડી તેમાંથી બેગ અને અન્ય સામાનની ચોરી કરવામાં આવી હતી. મારી ગાડીમાંથી 40,000 રોકડાની ચોરી કરવામાં આવી છે. આ બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે. પરંતુ સકરબાગ ઝૂ પાર્કિંગના કર્મીઓની બેદરકારીના કારણે આ ચોરી થઈ છે. પાર્કિંગ વ્યવસ્થા જેના દ્વારા કરવામાં આવી છે તેના દ્વારા કોઈપણ પ્રકારના સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવ્યા નથી.
આ મામલે સક્કરબાગ ઝુના અધિકારી નીરવ મકવાણા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, સક્કરબાગ ઝુમાં જે બોર્ડ લગાવવામાં આવ્યો છે તેમાં લખવામાં આવ્યું છે કે અહીં આવતા પ્રવાસીઓના કીમતી સામાનની જવાબદારી પ્રવાસીઓની રહેશે. તેમજ સકરબાગ ઝૂ માં જે પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. તે પાર્કિંગ માટે ₹30 ફી વસૂલવામાં આવે છે. તેમાં સક્કરબાગ ઝુના જ માણસો રાખવામાં આવ્યા છે. પ્રવાસીઓને જે ટિકિટ આપવામાં આવે છે તેમાં પણ લખવામાં આવ્યું છે કે પ્રવાસીઓના પોતાનો કીમતી સામાનની જવાબદારી પોતાની રહેશે. આટલી ભીડ હોય ત્યારે પોલીસે પણ ત્યાં બંદોબસ્ત રાખવો જોઈએ. સકરબાગ ઝૂ પાર્કિંગમાં જે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે તે માત્ર પાર્ક કરેલી ગાડીઓ દેખાય શકે તેવા છે. પરંતુ ગાડીઓના અંદર સામાનની શું સ્થિતિ છે તે ચિત્ર દેખાઈ નહીં.
આ મામલે ડીવાયએસપી હિતેશ ધાંધલીયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, હાલ સક્કરબાગ ઝુના પાર્કિંગમાં ચોરી થયાની ઘટનાને લઈ પોલીસે તસ્કરોને પકડવા તપાસ હાથ ધરી છે.