બાંગ્લાદેશનાં તત્કાલીન વડાંપ્રધાન શેખ હસીના 5મી ઓગસ્ટે દેશ છોડીને ભારત આવ્યાં ત્યારથી બાંગલાદેશમાં રહેતા હિન્દુઓની માઠી બેઠી છે. જેની ચિંતા હતી એ જ થયું. એવી આશંકા હતી કે શેખ હસીના જશે પછી બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓની જોહુકમી ચાલશે અને હિન્દુઓની કનડગત
.
નમસ્કાર,
બાંગ્લાદેશમાં હિન્દુઓ સંકટમાં છે. વચ્ચે સ્થિતિ ધીમે ધીમે થાળે પડી હતી, પણ ફેસબુક પરની એક પોસ્ટથી વાતાવરણ તંગ બની ગયું ને તોફાન ફાટી નીકળ્યાં. હવે હિન્દુઓ સામે બાંગ્લાદેશની આર્મીએ મોરચો ખોલ્યો છે અને આર્મીના જવાનો હિન્દુઓ પર રીતસરનો સિતમ ગુજારી રહ્યા છે.
વચગાળાના વડાપ્રધાનનો વિરોધ કેમ થયો, પહેલા એ જાણો… બાંગ્લાદેશના વચગાળાના વડાપ્રધાન મોહમ્મદ યુનુસે એવું નિવેદન આપ્યું કે પ્રજા હવે તેમને પદ પરથી હટાવવાની માગ કરી રહી છે. પીટીઆઇના અહેવાલ મુજબ, 22 ઓક્ટોબરે સેંકડો પ્રદર્શનકારીઓએ ભવનમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેમને અંદર જતા અટકાવ્યા. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી.
સવાલ એ છે કે મોહમ્મદ યુનુસે એવું તે શું નિવેદન આપ્યું? વડાપ્રધાને બંગાળી દૈનિક અખબાર માનવ જમીનને એક ઈન્ટરવ્યૂ આપ્યો હતો. એમાં તેમણે શેખ હસીનાને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે હસીનાએ દેશ છોડતાં પહેલાં રાજીનામું આપ્યું હોવાના કોઈ દસ્તાવેજી પુરાવા નથી. વિદ્યાર્થીઓએ હસીનાનો વિરોધ કર્યો હતો એટલે શેખ હસીના દેશ છોડીને ભારત ચાલ્યાં ગયાં. આ નિવેદનથી બાંગ્લાદેશની પ્રજા ભડકી હતી અને ભવનમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ટિયરગેસના શેલ છોડ્યા, ફાયર કર્યું. બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ. પોલીસ અને આર્મીએ મોરચો સંભાળી લીધો એટલે સ્થિતિ કાબૂમાં આવી. આ વિરોધની આગ તો ઠરી ગઈ, પણ ધુમાડા ઊઠતા હતા…
5 નવેમ્બરે આર્મીએ હિન્દુઓ પર કેમ હુમલા શરૂ કર્યા? બાંગ્લાદેશના ચિત્તાગોંગના ચટગાંવ વિસ્તારમાં હજારી લેનમાં રહેતા ઉસ્માન અલી નામની વ્યક્તિએ ‘ઈસ્કોન’ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. ઉસ્માન અલી વેપારી છે અને કટ્ટરપંથી ઈસ્લામિક જૂથ જમાત-એ-ઈસ્લામીનો સભ્ય છે. આ વાત વાયુવેગે પ્રસરી જતાં બાંગ્લાદેશના હજારો હિન્દુઓ તેની દુકાન પાસે એકઠા થયા અને ત્યારે જ સ્થિતિ વણસી. હિન્દુઓનાં ટોળાં જોઈને ગભરાઈ ગયેલા ઉસ્માન અલીએ પોલીસ સામે ગુનો કબૂલી લીધો અને તેને બંદોબસ્ત વચ્ચે પોલીસ સ્ટેશને લઈ જવાયો. ઉશ્કેરાયેલા હિન્દુઓએ તેને પોલીસ કસ્ટડીમાંથી છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. ટોળાએ પોલીસ સાથે ઝપાઝપી કરતાં 12 જવાન ઘાયલ થયા હતા. લોકોની સંખ્યા વધી અને વાતાવરણ બગડ્યું. પોલીસને લાગ્યું કે સ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે એટલે આર્મીની મદદ માગી. બાંગ્લાદેશની આર્મીના જવાનો હજારી લેન પહોંચ્યા અને હિન્દુઓ પર અત્યાચાર શરૂ કર્યો.
પહેલા તો પોલીસ અધિકારીઓએ સીસીટીવી તોડી નાખ્યા અને પછી હિન્દુઓ પર લાડકીથી તૂટી પડ્યા હતા. મીડિયા રિપોર્ટ તો કહે છે કે પોલીસ અને આર્મી હજારી લેનમાં ફરીને હિન્દુઓને ઘરમાં ઘૂસીને મારી રહી છે. બાંગ્લાદેશમાંથી ‘દેશ નિકાલ’ કરવામાં આવેલી લેખિકા તસ્લિમા નસરીને ટ્વિટર પર હિન્દુ અત્યાચારના ફોટા અને વીડિયો પણ શેર કર્યા છે. હિન્દુ સંગઠનોએ આક્ષેપ કર્યો છે કે પોલીસ અને સેનાની કાર્યવાહી બાદ ઘણા બાંગ્લાદેશી હિન્દુઓ ઘાયલ થયા છે. ઘણા લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે. તકનો લાભ લઇ બજારમાં હિન્દુઓની દુકાનો લૂંટવામાં આવી રહી છે.
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર સતત હુમલા થાય છે બાંગ્લાદેશમાંથી શેખ હસીનાની વિદાય પછી હિન્દુઓ સુરક્ષિત નથી. થોડા દિવસ પહેલાં જ ચિત્તાગોંગમાં ઈસ્કોન સંસ્થાના સેક્રેટરી ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારી ઉર્ફે ચંદન કુમાર ધર સામે પણ કેસ નોંધવામાં આવ્યો હતો. તેમના પર ચટગાંવના ન્યૂ માર્કેટમાં આઝાદી સ્તંભ પર રાષ્ટ્રધ્વજની ઉપર ભગવો ધ્વજ ફરકાવવાનો આરોપ હતો. આ ધ્વજ પર ‘સનાતની’ લખેલું હતું. બાંગ્લાદેશમાં સરકાર પડી ત્યારથી હિન્દુઓ પર હિંસાના ઘણા કિસ્સાઓ બન્યા છે. ઓગસ્ટમાં બાંગ્લાદેશના 52 જિલ્લામાં હિન્દુઓ પર હુમલાના 205 કેસ નોંધાયા હતા. ઓગસ્ટમાં સત્તા પરિવર્તન બાદ લઘુમતીઓ પાસેથી બળજબરીથી રાજીનામું લઈ લેવાના કિસ્સાઓ પણ નોંધાયા હતા.
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાનાં કારણો..
- બાંગ્લાદેશનો ધર્મ ઈસ્લામ, હિન્દુઓની ધાર્મિક અનિશ્ચિતતા, એના કારણે કટ્ટરપંથીઓને પ્રોત્સાહન મળે છે.
- પોલિટિકલ પાર્ટીઓ વોટ માટે ધ્રુવીકરણ કરે છે.
- પૂર્વ વડાંપ્રધાન શેખ હસીના મતદારોને લાલચ આપે છે.
- શેખ હસીનાની વિદાય પછી હિન્દુઓ પર હુમલાનું પ્રમાણ વધ્યું.
- જમાત-એ-ઈસ્લામની સમર્થક હિન્દુઓને નિશાન બનાવે છે.
- હિન્દુઓની વસતિ ઘટાડવા માટે તેમની જમીનો પર કબજો કરી લેવો
હવે અદાણીએ પણ બાંગ્લાદેશ સામે બાંય ચડાવી હવે અદાણીએ પણ બાંગ્લાદેશનું નાક દાબ્યું છે. અદાણી પાવરે બાંગ્લાદેશને બાકી વીજ બિલ ભરવા માટે ચાર દિવસનો સમય આપ્યો છે. કંપનીએ પહેલાંથી જ બાંગ્લાદેશનો વીજપુરવઠો અડધો કરી દીધો છે. અદાણી પાવર ઝારખંડ લિમિટેડ (APJL)એ 846 મિલિયન ડોલર (લગભગ રૂ. 7,118 કરોડ)ની લેણી રકમની ચુકવણી ન કરવાને કારણે આ પગલું ભર્યું છે. બાંગ્લાદેશ પાવર ગ્રિડના ડેટા અનુસાર, APJLએ ગુરુવારે રાતથી વીજળી પુરવઠામાં આ કાપ મૂક્યો છે. આ કાપને કારણે બાંગ્લાદેશને એક જ રાતમાં 1,600 મેગાવોટથી વધુ વીજળીની અછતનો સામનો કરવો પડ્યો હતો. 1,496 મેગાવોટનો બાંગ્લાદેશી પ્લાન્ટ હવે 700 મેગાવોટ પર કાર્યરત છે.
6 દિવસ પહેલાં ટ્રમ્પે પણ બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના હુમલાની નિંદા કરી હતી
અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ પર વિજેતા થનારા ડોનાલ્ડ ટ્રમ્પે બાંગ્લાદેશમાં હિન્દુઓ સામેની હિંસાની નિંદા કરી છે. છ દિવસ પહેલાં ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે બાંગ્લાદેશમાં ટોળાં હિન્દુઓ પર હુમલા અને લૂંટ ચલાવી રહ્યાં છે. ત્યાં અરાજકતાનો માહોલ છે. મારા કાર્યકાળ દરમિયાન આવું ક્યારેય બન્યું નથી. ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ કટ્ટરપંથી ડાબેરીઓના ધર્મવિરોધી એજન્ડા સામે હિન્દુઓની સુરક્ષા કરશે.
છેલ્લે,
2016માં ટ્રમ્પ પહેલીવાર અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા હતા ત્યારે બાંગ્લાદેશનું ડેલિગેશન તેમને મળવા ગયું હતું. ત્યારે ટ્રમ્પે ડેલિગેશનને પૂછ્યું કે ઢાકાનો માઈક્રો ફાઇનાન્સર ક્યાં છે? મેં સાંભળ્યું છે કે મોહમ્મદ યુનુસે મને હરાવવા માટે ડોનેશન આપ્યું હતું. એ વખતે યુનુસ ઢાકામાં ગ્રામીણ માઈક્રો ફાઇનાન્સ બેન્કના હેડ હતા. હવે ટ્રમ્પ સત્તામાં છે અને યુનુસ પણ સત્તામાં છે ત્યારે જોવાનું એ રહેશે કે ટ્રમ્પ યુનુસનું નાક કેવી રીતે દબાવે છે.
સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ…
(રિસર્ચ : યશપાલ બક્ષી)