સૌરાષ્ટ્રના સાગરમાં ટાઈટેનિકની જળ સમાધિ જેવી જ ઘટના બની હતી : માંગરોળ- સોમનાથ વચ્ચે 269 ફૂટ લાંબી 25 કેબિન ધરાવતી વીજળી બોટના અનેક સંભારણા હજુ’ય અમર છે
Saurashtra news | સમગ્ર વિશ્વમાં ટાઈટેનિકની જળસમાધિની ઘટના આજે પણ ચર્ચાય છે એવી જ રીતે સૌરાષ્ટ્રના સાગરમાં 269 ફૂટ લાંબી 25 કેબીન ધરાવતી ‘વીજળી’ નામક બોટે માંગરોળ સોમનાથ વચ્ચે દરિયામાં જળસમાધિ લઈ લેતાં મોટી દરિયાઈ દૂર્ઘટના ઘટી હતી. એ દિવસ હતો 8 નવેમ્બર 1888નો અને આ દિવસે વીજળીએ જળસમાધિ લઈ લેતાં 1300 મુસાફરો મોતને ભેટયા હતા.
કચ્છના માંડવી બંદરેથી વિક્રમ સંવત 1945ના કારતક સુદ પાંચમ- લાભ પાંચમના દિવસે એટલે કે 8 નવેમ્બર 1888ના બપોરે બાર વાગ્યે ફેરી બોટ વીજળીને લાંગરી હતી. એ જમાને દરિયાઈ મુસાફરી વધુ હતી. આ બોટ આગબોટ હતી. એની રોશની એવી હતી કે લોકોએ એનું લાડકવાયું નામ વીજળી રાખી દીધું હતું. આ બોટની ભાર વહન ક્ષમતા 63 ટન હતી અને એની સ્પીડ એક કલાકમાં 13 નોટીકલ માઈલ હતી. આ બોટને તૈયાર થવામાં ત્રણ વર્ષ લાગી ગયા હતા. 1888માં એની આ સર્વ પ્રથમ સફર હતી અને એ જ સફર આખરી અને ગોઝારી બની ગઈ હતી.
મુંબઈના હાજી હાસમ જુસબ નામના શેઠે કેપ્ટન જેમ્સ શેફર્ડ નામના અંગ્રેજ વહાણવટી સાથે મળીને બોમ્બે સ્ટીમ નેવિગેશન કંપની સ્થાપી હતી અને વીજળીનો કારોબાર હાસમશેઠના ભાઈ હાજી કાસમને સોંપાયો હતો. આ બોટના કેપ્ટનનું નામ ઈબ્રાહિમ હતું. એમની આ ટ્રીપમાં કચ્છના જુદા જુદા ગામોથી લગ્નની જાનો આ બોટમાં ચડી હતી. જેથી બધો આનંદ મંગળ ઉત્સાહ વર્તાઈ રહ્યો હતો. બોટમાં લગ્નના મંગળ ગીતો ગવાતા હતા. જાનો ઉપરાંત આ બોટમાં કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જતા હતા એ પણ બોટના ઉતારૂઓ હતા. આ બોટ માંગરોળ તરફ આવતી હતી.
દ્વારકાનો કિનારો આવી રહ્યો હતો એ વખતે દરિયામાં વાવાઝોડુ શરૂ થયું હતું. ભારે પવન ચાલી રહ્યો હતો. આમ છતાં આ બોટ હાલકડોલક થતાં થતાં પોરબંદર પહોંચી હતી. ત્યાંના બંદર ઓફિસર લેલીએ વીજળી બોટને આગળ જવાની ના પાડી અને ચેતવણી પણ આપી હતી. આમ છતાં કેપ્ટન ઈબ્રાહીમે સાહસ કરીને બોટ આગળ વધારી હતી. આ વખતે લેલીએ કાળા વાવટા ફરકાવીને આગળ ન જાઓના વારેવારે સંકેત આપ્યા હતા. જે અવગણીને બોટ દરિયામાં આગળ વધવા લાગી હતી. આ બોટમાં કુલ ૧૩૦૦ મુસાફરો હતા અને આ બધાની ચીચીયારીઓ વચ્ચે વેરાવળ માંગરોળ વચ્ચે વીજળીએ સમતુલન ગુમાવી દીધું હતુ. આખરે દરિયાએ જે કામ કરવાનું હતું એ કરી દીધું..! અનેક વરરાજાઓ અને જાનડીઓ સાથેની બોટ દરિયામાં ગારદ થઈ ગઈ! આ ઘટનાએ સમગ્ર વિશ્વમાં સનસનાટી મચાવી દીધી હતી.