સ્પોર્ટ્સ ડેસ્ક8 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતીય ટીમ આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટ માટે પાકિસ્તાન નહીં જાય. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તાજેતરમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને એક પત્ર મોકલ્યો હતો જેમાં તેના નિર્ણય પાછળ સુરક્ષાની ચિંતાઓ દર્શાવી હતી. બોર્ડે તેની તમામ મેચ દુબઈમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ્સ પ્રમાણે, આ મામલાને લગતા એક સૂત્રએ કહ્યું કે, આ અમારો નિર્ણય છે. અમે PCBને પત્ર લખીને અમારી મેચ દુબઈમાં યોજવા જણાવ્યું છે.
ચેમ્પિયન્સ ટ્રોફી ડ્રાફ્ટ શિડ્યૂલ મુજબ આવતા વર્ષે 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી રમાશે. આ ઇવેન્ટની મેચ કરાચી, લાહોર અને રાવલપિંડીમાં યોજાઈ શકે છે.
મુંબઈમાં આતંકવાદી હુમલાને કારણે ભારતે 16 વર્ષથી પાકિસ્તાનની મુલાકાત લીધી નથી ભારતીય ટીમે 2007-08થી પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. 2008માં મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનમાં ક્રિકેટ રમવાની ના પાડી દીધી હતી. ત્યારથી બંને ટીમ માત્ર ICC અને ACC ટુર્નામેન્ટમાં જ રમે છે. 2013 થી, બંને ટીમ તટસ્થ સ્થળો પર 13 ODI અને 8 T20 મેચ રમી છે.
ભારતીય ટીમનો આ ફોટો ડિસેમ્બર 2007નો છે, જ્યારે ટીમ છેલ્લે પાકિસ્તાનની મુલાકાતે ગઈ હતી.
ગયા વર્ષે પાકિસ્તાન ODI વર્લ્ડ કપ રમવા ભારત આવ્યું હતું પાકિસ્તાનની ટીમ ગયા વર્ષે ODI વર્લ્ડ કપ રમવા ભારત આવી હતી. ત્યારબાદ 14 ઓક્ટોબરે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. ભારતીય ટીમે આ મેચ 7 વિકેટે જીતી લીધી હતી. કેપ્ટન રોહિત શર્મા અને શ્રેયસ અય્યરે અડધી સદી ફટકારી હતી. જસપ્રીત બુમરાહ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. તેણે 19 રનમાં 2 વિકેટ લીધી હતી.
આ ફોટો 14 ઓક્ટોબર 2023નો છે, જ્યારે અમદાવાદમાં ODI વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન સામસામે રમ્યા હતા.
ભારત-પાકિસ્તાનની છેલ્લી દ્વિપક્ષીય શ્રેણી…
- ભારતનો પાકિસ્તાન પ્રવાસ ટીમ ઈન્ડિયાએ છેલ્લે 2008માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. 3 ટેસ્ટ મેચની તે સિરીઝ ભારતીય ટીમે 1-0થી જીતી હતી. આ સિરીઝની 2 મેચ ડ્રો રહી હતી.
- પાકિસ્તાનનો છેલ્લો ભારત પ્રવાસ 2012-13માં હતો. તે પ્રવાસમાં, 3 ODI અને 2 T20 મેચની દ્વિપક્ષીય શ્રેણી રમાઈ હતી. પાકિસ્તાને ODI સિરીઝ 2-1થી જીતી હતી, જ્યારે T-20 સિરીઝ 1-1થી બરાબર થઈ હતી.
પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની મળી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પાકિસ્તાનને આપવામાં આવી છે. PCBએ ટુર્નામેન્ટના સ્થળ અને કાર્યક્રમનો ડ્રાફ્ટ ICCને સુપરત કર્યો છે. આ ટુર્નામેન્ટ આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં રમાવાની છે. ડ્રાફ્ટ અનુસાર ભારતને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડની સાથે ગ્રૂપ-Aમાં રાખવામાં આવ્યું છે. ગ્રૂપ-Bમાં ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે.
શિડ્યૂલ અનુસાર, ભારતની ત્રણ મેચ 20 ફેબ્રુઆરી (બાંગ્લાદેશ સાથે), 23 ફેબ્રુઆરી (પાકિસ્તાન સાથે) અને 2 માર્ચ (ન્યૂઝીલેન્ડ સાથે) યોજાવાની છે. ભારતની બધી જ મેચ લાહોરમાં રમાઈ શકે છે.
એશિયા કપની યજમાની પાકિસ્તાનને મળી, ભારતની મેચ શ્રીલંકામાં યોજાઈ ગત વર્ષે પાકિસ્તાનને એશિયા કપની યજમાનીનો અધિકાર મળ્યો હતો. ત્યારે પણ ભારતે પાકિસ્તાનમાં રમવાની ના પાડી દીધી હતી. આ પછી ટુર્નામેન્ટ ‘હાઈબ્રિડ મોડલ’ પર યોજાઈ હતી. ભારત સામેની મેચ શ્રીલંકામાં યોજાઈ હતી. કોલંબોમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતીય ટીમે શ્રીલંકાને 10 વિકેટે હરાવીને ચેમ્પિયનશિપ જીતી લીધી હતી.
એશિયા કપની ફાઈનલમાં ભારતે શ્રીલંકાને 10 વિકેટે હરાવ્યું.