લો બોલો, ઉત્તર પ્રદેશ મહિલા આયોગનું કહેવું છે કે મહિલાઓના કપડાં સિવડાવવા માટે દરજીની દુકાનમાં માપ લેવા માટે મહિલાઓ જ હોવી જોઇએ. યુપી મહિલા આયોગે રાજ્ય સરકારને પ્રસ્તાવ મોકલ્યો છે કે, મહિલાઓ ‘બેડટચ’નો ભોગ ન બને એટલે લેડીઝ ટેઈલર્સ જ લેડીઝનું માપ લે, જી
.
નમસ્કાર,
ઉત્તરપ્રદેશના મહિલા આયોગના અધ્યક્ષ બબીતા ચૌહાણે એક પ્રસ્તાવ તૈયાર કર્યો. મહિલા આયોગના સદસ્યોની મિટિંગમાં આ પ્રસ્તાવ રજૂ કર્યો અને બધી મહિલાઓએ વધાવી લીધો. મહિલા આયોગે અત્યારે તો આનો અમલ કરાવવા તમામ જિલ્લાના કલેક્ટર અને એસપીને આદેશ આપી દેવાયો છે. હવે આ પ્રસ્તાવ યોગી સરકાર પાસે પહોંચ્યો છે અને આયોગે આ પ્રકારનો કાયદો બનાવવા વિનંતી કરી છે. જો યોગી સરકાર આવો કાયદો બનાવે છે તો બની શકે કે આગળ જતાં બધા ભાજપ શાસિત રાજ્યોમાં પણ આવો કાયદો લાવવામાં આવે.
મહિલા આયોગની બેઠકમાં શું થયું? ઉત્તર પ્રદેશ મહિલા આયોગની મિટિંગ 28 ઓક્ટોબરે મળી હતી. તેના અધ્યક્ષ બબીતા ચૌહાણે એક વિચાર મૂક્યો કે, જમાનો ખરાબ છે. મોટાભાગના પુરુષોની નજર અને દાનત ખરાબ થતા જાય છે. મહિલાઓને ટેઇલર્સનું માપ લેવું હોય તો મહિલાઓ બેડટચનો શિકાર બને છે. જીમમાં ટ્રેનિંગ લેવા જતી મહિલાઓ પણ બેડટચનો અનુભવ કરે છે. મહિલાઓની સુરક્ષા સર્વોપરી અને જરૂરી છે. એટલે એવા તમામ ક્ષેત્રો જ્યાં મહિલા અને પુરૂષ સીધા સંપર્કમાં આવે છે ત્યાં મહિલા કર્મચારીઓ જ હોવી જોઈએ. જેથી મહિલાઓ સેફ ફિલ કરી શકે. આ બાબતે મહિલા આયોગના તમામ સદસ્યો એકમત થયા હતા અને એક પ્રસ્તાવ તૈયાર કર્યો હતો. ધીમે ધીમે આ પ્રસ્તાવમાં મુદ્દાઓ ઉમેરાતા ગયા, સુધારા થતા ગયા ને હવે ફાઈનલ પ્રસ્તાવ તૈયાર કરીને યોગી સરકારને મોકલી આપવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ મહિલા આયોગે તૈયાર કરેલા આ પ્રસ્તાવની ચર્ચા દેશભરમાં છે અને તમામ મહિલાઓ પછી ભલે એ યુપીની હોય કે બીજા રાજ્યોની, દરેકે આ પ્રસ્તાવને યોગ્ય ગણીને વધાવ્યો છે.
મહિલા આયોગના અધ્યક્ષ બબીતા ચૌહાણે શું કહ્યું? ઉત્તર પ્રદેશ મહિલા આયોગના અધ્યક્ષ બબીતા ચૌહાણે કહ્યું કે, જ્યાં મહિલાઓ જાય છે ત્યાં જીમમાં મહિલા ટ્રેનર હોવા જોઈએ. તમામ જીમ ટ્રેનર્સનું પોલીસ વેરિફિકેશન કરાવવું જોઈએ. જો કોઈ મહિલા પુરૂષ ટ્રેનર પાસેથી તાલીમ લેવા માંગતી હોય તો તેણે લેખિતમાં આપવાની રહેશે. કારણ કે, મહિલા આયોગને જીમમાં જતી મહિલાઓ અને છોકરીઓના શોષણની સતત ફરિયાદો મળી રહી છે, જેના પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત, દરજીની દુકાનમાં જ્યાં મહિલાઓના કપડાં સિલાઇ કરવામાં આવે છે, ત્યાં મહિલાઓનું માપ લેવા માટે મહિલા ટેઇલર હોવી જરૂરી છે. એટલું જ નહીં, જે સ્કૂલ બસમાં છોકરીઓ મુસાફરી કરે છે તેમાં મહિલા કર્મચારીઓ સાથે હોવા જોઈએ. આનાથી એક ફાયદો મહિલા સુરક્ષાનો થશે અને બીજો ફાયદો એ થશે કે મહિલાઓને રોજગારી મળશે. આ નિર્ણય હેઠળ પુરૂષ કર્મચારીઓને હટાવવામાં આવશે નહીં, પરંતુ મહિલા કર્મચારીઓને પણ સાથે રાખવામાં આવશે. હાલમાં મહિલા આયોગે તમામ જિલ્લાઓને આ અંગે આદેશો તો આપ્યા છે અને જે સહમત નહીં થાય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ બબીતા ચૌહાણે મીડિયા વાતચીતમાં જણાવ્યું હતું.
કોણ છે બબીતા ચૌહાણ, જેણે આ પ્રસ્તાવ તૈયાર કર્યો? ડૉ. બબીતા સિંહ ચૌહાણ આગ્રાનાં રહેવાસી છે અને તેમને ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. તે એક સામાજિક સંસ્થા સાથે સંકળાયેલાં છે અને રાજકારણમાં પણ સક્રિય છે. તે એક્ટિવ પોલિટિક્સનો લાંબો અનુભવ ધરાવે છે. બબીતા સિંહ ચૌહાણનું ઘર હરિપર્વત વિસ્તારમાં પ્રોફેસર કોલોનીમાં છે. તેમના પતિ જીતેન્દ્ર ચૌહાણ લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલના ઈન્ટરનેશનલ ડાયરેક્ટર છે. જીતેન્દ્ર ચૌહાણ અને બબીતા ચૌહાણને સમાજ સેવા માટે ઘણા એવોર્ડ મળ્યા છે. બબીતા ભાજપની દરેક જવાબદારી નિભાવી ચૂક્યાં છે. તેમણે ભાજપ મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ તરીકે ઉત્તમ કામ કર્યું હતું. જ્યારે ઉત્તર પ્રદેશ મહિલા આયોગના અધ્યક્ષની વાત આવી ત્યારે મુલાયમ સિંહ યાદવ પરિવારની પુત્રવધૂ અપર્ણા યાદવ અને બબીતા ચૌહાણના નામો ચર્ચામાં હતા પણ અંતે પાર્ટી હાઈકમાન્ડે બબીતાનું કામ જોતાં તેમને મહિલા આયોગના અધ્યક્ષ બનાવ્યાં હતાં. તે ઘણા વર્ષોથી મહિલાઓના અધિકારો અને સામાજિક મુદ્દાઓ પર કામ કરે છે. આયોગનાં અધ્યક્ષ બન્યા બાદથી તેમણે મહિલાઓ સામેના ગુનાઓને રોકવા માટે વિવિધ સ્તરે નક્કર પ્રયાસો શરૂ કર્યા છે. ડો.બબીતા સિંહ ચૌહાણ માને છે કે મહિલાઓને દરેક ક્ષેત્રમાં કામ કરવાનો સમાન અધિકાર છે. માત્ર પુરુષોની હાજરીને કારણે તેમને જીમ જેવી જગ્યાએ અસુવિધાનો સામનો કરવો ન જોઈએ. તેમણે કહ્યું કે મહિલા સશક્તિકરણ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે આ પગલું જરૂરી હતું.
મહિલા આયોગના આદેશના 7 પોઈન્ટ
- જીમ-યોગ સેન્ટરમાં જે પણ જાય તેનું આઈડી વેરિફિકેશન થાય.
- ગર્લ્સ સ્કૂલ બસમાં મહિલા સુરક્ષાકર્મી અથવા મહિલા ટીચર હોવા જોઈએ.
- નાટ્યકલા કેન્દ્રોમાં મહિલા ડાન્સ ટીચરની નિયુક્તિ થવી જોઈએ.
- પુરૂષ ટેઈલર્સ મહિલાઓનું માપ નહીં લઈ શકે. માનો કે પુરૂષ માપ લે ત્યારે સીસીટીવીમાં રેકોર્ડિંગ થાય તે જરૂરી.
- મહિલાઓ માટે કપડાંના શોરૂમ કે કપડાંની દુકાન હોય ત્યાં મહિલા કર્મચારી હોવી જોઈએ.
- ગર્લ્સ કોચિંગ સેન્ટરોમાં સીસીટીવી અને વોશરૂમની વ્યવસ્થા હોવી જોઈએ.
- જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓની નિયમિત ચકાસણી થવી જોઈએ.
બબીતા ચૌહાણની 5 મહત્વની વાતો…
- જીમમાં 99% ટ્રેનર્સ પુરુષો હોય છે
મહિલા આયોગના અધ્યક્ષ બબીતા ચૌહાણે કહ્યું, અમે જ્યારે મહિલાઓની ફરિયાદ સાંભળીએ છીએ ત્યારે સૌથી વધારે જીમ, બ્યુટી પાર્લર અને બુટિકમાં પુરુષો સાથે જોડાયેલી ઘટનાઓ સામે આવી રહી છે. જીમમાં 99% ટ્રેનર્સ પુરુષો છે. બેડટચની અનેક ઘટનાઓ જીમમાં બને છે. સ્ત્રીઓ હોય કે નાની છોકરીઓ સહન કરે છે. ઘરે આવ્યા પછી કહી શકતી નથી. તાજેતરમાં જ કાનપુરમાં આવી જ એક ઘટના બની હતી, જેમાં જીમ ટ્રેનરે એક મહિલાની હત્યા કરી હતી. આવા કિસ્સા પણ સામે આવી રહ્યા છે જેમાં વાત છૂટાછેડા સુધી પણ પહોંચી ગઈ છે. એટલે જીમમાં મહિલાઓ માટે મહિલા ટ્રેનર હોવા જોઈએ. તેનાથી મહિલાઓને રોજગાર પણ મળશે.
- પુરૂષ ટેઈલર્સ મહિલાઓને બેડટચ કરે છે
બુટિકમાં, ટેઈલર્સ શોપમાં પુરૂષ ટેઈલર્સ કપડાં માપતી વખતે સ્ત્રીઓને ખરાબ રીતે સ્પર્શે છે. મહિલા આયોગને આવી ઘણી ફરિયાદો મળી રહી છે. આવા બનાવો અટકાવવા માટે બુટીકમાં મહિલાઓનું માપ લેવા માટે માત્ર મહિલાઓ હોવી જોઈએ. તેનાથી મહિલાઓ પણ સેફ ફિલ કરશે.
- લેડીઝ બ્યુટી પાર્લરમાં માત્ર છોકરીઓ જ હોવી જોઈએ
અત્યારે એક ફેશન બની ગઈ છે કે બ્યુટી પાર્લરમાં મહિલાઓનો મેકઅપ માત્ર પુરુષો જ કરે છે. છોકરીઓ મહિલાઓનો મેકઅપ કેમ ન કરી શકે? આ ફિલ્ડમાં કસ્ટમર મહિલાઓ વધારે હોય છે. બ્યુટી પાર્લરમાં દુલ્હન તૈયાર થવા જાય અને મહિલાઓને સાડી પહેરાવવાની હોય ત્યારે પુરૂષો કોઈપણ બહાને ખરાબ રીતે ટચ કરી લે છે અને આવી ઘણી ફરિયાદો મહિલા આયોગને મળી છે. લેડીઝ સલૂન કે પાર્લર હોય ત્યાં કર્મચારીઓ ફરજિયાત મહિલાઓ જ હોવી જોઈએ.
- પાર્લરમાં કામ કરતા છોકરાઓનું પોલીસ વેરિફિકેશન થવું જોઈએ
મોટાભાગે લેડીઝ સલૂનમાં જેન્ટ્સ કર્મચારીઓ હોય છે. ક્યા સલૂનમાં ક્યા છોકરા કામ કરે છે તે કોઈ જાણતું નથી. ઘણીવાર મહિલાઓ સલૂનમાં પણ બેડટચનો શિકાર બને છે. આના માટે પાર્લરમાં જો છોકરાઓ કામ કરતા હોય તો એ છોકરાઓનું પોલીસ વેરિફેકેશન જરૂરી છે. જેથી ક્યારેક કોઈ બનાવ બને તો પડકવામાં આસાની રહે. સલૂન કે પાર્લરના સંચાલકોએ તેના કર્મચારીઓનું પોલીસ વેરિફિકેશન નહીં કરાવ્યું હોય તો કાયદેસરના પગલાં ભરવામાં આવશે. આ સિવાય, કોચિંગ સેન્ટરમાં કેમેરા લગાવવા જોઈએ. છોકરીઓ માટે અલગ વોશરૂમ હોવા જોઈએ.
- સ્કૂલ બસમાં મહિલા સુરક્ષા કર્મચારીઓની જરૂર છે
ઉત્તર પ્રદેશમાં તમામ જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓની ચકાસણી કરવી જોઈએ. સ્કૂલ બસમાં પણ મહિલા સુરક્ષા ગાર્ડ અથવા મહિલા શિક્ષિકા હોવી જરૂરી છે. નાટ્ય કલા કેન્દ્રોમાં સ્ત્રી નૃત્ય શિક્ષકોની નિમણૂક કરવી જોઈએ. આ સિવાય ત્યાં સીસીટીવીની વ્યવસ્થા કરવી જોઈએ. દરેક ક્ષેત્રમાં મહિલા સેફ્ટિ પ્રાયોરિટીમાં રાખવામાં આવે તે જરૂરી છે.
છેલ્લે,
એક તરફ મહિલા આયોગ મહિલાઓની સુરક્ષાની ચિંતા કરે છે તો બીજી તરફ હિમાચલ પ્રદેશના કોંગ્રેસી મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સૂખ્ખૂ એક કાર્યક્રમમાં ગયા હતા. તેમને સમોસા પિરસવાના હતા પણ સમોસાના ત્રણ ડબ્બા ગાયબ થઈ ગયા. કોણ લઈ ગયું, ક્યાં ગયા એની તપાસ CID કરી રહી છે. ભાજપે આ મુદ્દાને ઉપાડી લીધો છે. હિમાચલની ઠંડીમાં સમોસા ભલે ઠરી ગયા હોય પણ ત્યાં રાજકારણ ગરમ થઈ ગયું છે.
સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ…
(રિસર્ચ : યશપાલ બક્ષી)