સુરતમાં સરથાણા તક્ષશિલા કોમ્પ્લેક્ષ અને સીટી લાઈટના શિવ પૂજા કોમ્પ્લેક્ષમાં આગની દુર્ઘટના બાદ તેમાં થયેલા ગેરકાયદે બાંધકામ હોવાની વિગતો બહાર આવી છે. પરંતુ સુરત શહેરમાં વસવાટ ની પરવાનગી લીધા બાદ નાના ફેરફાર થયા હોય તેવી મિલકત ની સંખ્યા લાખોમાં છે. તેમાં પણ તક્ષશિલા અને શિવ પૂજા બિલ્ડીંગ જેવા જોખમી ફેરફાર થયા હોય તેવી મિલકત પણ હજારોની સંખ્યામાં છે. વસવાટની પરવાનગી બાદ બિલ્ડીંગમાં જોખમી ફેરફાર કરવા માટે પાલિકાના અધિકારી- કર્મચારીઓ સાથે ગેરકાયદે બાંધકામ કરનારા અને ભલામણ કરનારા રાજકારણીઓ પણ જવાબદાર છે. આવા કિસ્સાઓમાં મોટા માથા બચી જાય છે અને નાના કર્મચારી- અધિકારીઓ બલીનો બકરો બની જાય છે તે પ્રથા હાલના કિસ્સામાં પણ થાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
સુરત પાલિકા વિસ્તારમાં રહેણાંક કે કોમર્શિયલ કે ઈન્ડસ્ટ્રીયલ બાંધકામ થાય ત્યાર બાદ તેને પાલિકા દ્વારા વસવાટ પરવાનગી આપવામાં આવતી હોય છે. જોકે, આજે પણ સુરત શહેરમાં અનેક એવી મિલકત છે જેમની પાસે વસવાટ પરવાનગી નથી છતાં લાંબા સમયથી વસવાટ ચાલી રહ્યો છે. તો બીજી તરફ શહેરમાં વસવાટ પરવાનગી ( બીયુ પરમિશન) લેવામાં આવી હોય ત્યાર બાદ નાના ફેરફાર કર્યા હોય તેવી મિલકત ની સંખ્યા લાખોમાં જઈ શકે છે. જ્યારે અકસ્માત સમયે લોકોના જીવ જઈ શકે તે માટે વેન્ટીલેશન વિનાની કે અન્ય જોખમી ફેરફાર થયા હોય તેવી મિલકત ની સંખ્યા હજારોમાં છે. સુરતના અનેક ટેક્સટાઇલ માર્કેટમાં આવા પ્રકારના ફેરફાર કરીને હજારો દુકાનો ધમધમી રહી છે.
જોકે, આ બધી મિલકત માં થયેલા ફેરફાર અંગે તપાસ કરવા જવાબદારી પાલિકાના અધિકારીઓ- કર્મચારીઓની છે પરંતુ તેને તપાસ કરી થયેલા ગેરકાયદે બાંધકામ ફેરફાર કરવા પાલિકા માટે ઘણું જ મુશ્કેલ છે. તેનું સૌથી મોટું કારણ રાજકારણીઓ છે. અનેક કિસ્સામાં પાલિકાના અધિકારીઓ- કર્મચારીઓ ગેરકાયદે બાંધકામ તોડવા જાય છે ત્યારે સૌથી પહેલી ભલામણ રાજકારણીઓની જ આવે છે. તેનો તાજો દાખલો પુણાના રહેણાંક વિસ્તારમાં કોટેજ ઈન્ડ.માં ગેરકાયદે બાંધકામ છે.
તો બીજી તરફ વસવાટ પરવાનગીના વર્ષો બાદ જોખમી ફેરફાર કરનારા તત્વો માટે રાજકારણીઓની ભલામણ હોય છે તો કેટલાક કિસ્સામાં આવા બાંધકામ માટે કર્મચારીઓ પણ સેટીંગ કરી લેતા હોય છે. તેના કારણે આવા બાંધકામોને પ્રોત્સાહન મળી રહ્યું છે. આવા બાંધકામ ત્યારે જ બહાર આવે છે જ્યારે આ ગેરકાયદે બાંધકામને કારણે કોઈ દુર્ઘટના બને કે કોઈ વ્યક્તિ જીવ ગુમાવે ત્યારે જ બને છે. જોકે, મોટા ભાગના કિસ્સામાં મોટા માથાઓ છૂટી જતા હોય છે.તેથી સીટી લાઈટના કિસ્સામાં પણ આ પ્રકારની ગોઠવણ થઈ રહી હોવાની ચર્ચા જોરશોરમાં શરૂ થઈ છે.