‘અપના ઘર હો, અપના આંગન હો, ઈસ ખ્વાબ મેં હર કોઈ જીતા હૈ. ઈન્સાન કે દિલ કી યે ચાહત હૈ કિ એક ઘર કા સપના કભી ન છૂટે…’ આરોપી કે દોષિતના ઘર પર બુલડોઝર ન ચલાવવા બાબતે સુપ્રીમ કોર્ટે આજે ચૂકાદો આપ્યો ત્યારે ચૂકાદાની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે આ લાઈન કહી હતી.
.
સુપ્રીમ કોર્ટે આપેલા ચૂકાદામાં સરકારની મનમાની પર બુલડોઝર ફરી વળ્યું છે. અત્યાર સુધી ભાજપ શાસિત રાજ્યોની સરકાર આરોપીના ઘર પર બુલડોઝર ફેરવી દેતી હતી. પણ હવે એવું નહીં કરી શકે. સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં ઝાટકણી કાઢીને કહ્યું કે, અધિકારીઓ અદાલતની જેમ કામ ન કરી શકે અને વહીવટીતંત્ર જજ ન બની શકે. હવેથી આવી મનમાની ચલાવી લેવામાં નહીં આવે.
નમસ્કાર,
દરેક વ્યક્તિના મનમાં એક જ પ્રબળ ઈચ્છા હોય છે કે તેના સપનાનું ઘર છીનવાઈ ન જાય. પણ એક આરોપીના ગુનાના કારણે તેનું ઘર તોડી પાડવામાં આવે છે ને એકની સજા આખા પરિવારને મળે છે. સુપ્રીમ કોર્ટે બુલડોઝર એક્શન પર નિર્ણય સંભળાવીને 15 ગાઈડલાઈન્સ પણ આપી છે. જસ્ટીસ બી.આર.ગવઈ અને જસ્ટીસ કે.વી.વિશ્વનાથનની બેન્ચે 1 ઓક્ટોબરે અમાનત રાખેલો ચૂકાદો આજે 13 નવેમ્બરે સંભળાવ્યો હતો.
આખી વાત શું છે? જ્યારે જ્યારે પણ કોઈ મોટા ગુનામાં આરોપી પકડાય ત્યારે તેના ઘર પર બુલડોઝર ફેરવી દેવાતું હતું. આ સરકારે નક્કી કરેલી સજાનો ભાગ હતો. બુલડોઝરની સૌથી વધારે કાર્યવાહી ઉત્તરપ્રદેશમાં થઈ છે. યોગીની છાપ ‘બુલડાઝર બાબા’ તરીકે જ પડી ગઈ હતી. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં સતત બુલડોઝરની કાર્યવાહી બાદ જમિયત-ઉલેમા-એ-હિન્દે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભાજપ શાસિત રાજ્યોમાં મુસ્લિમોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે દલીલ કરી હતી કે કોર્ટે તેના નિર્ણયથી અમારા હાથ ન બાંધવા જોઈએ. કોઈની મિલકત એટલે તોડી પાડવામાં આવી કારણ કે તે ગેરકાયદે દબાણ છે. તેણે ગુનો કર્યો એટલે તોડી નથી. બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે ચૂકાદો અનામત રાખ્યો હતો.
સુપ્રીમ કોર્ટના નિર્ણને 5 પોઈન્ટમાં સમજો, સુપ્રીમની બેન્ચે શું કહ્યું?
1. દરેક માણસનું સપનું હોય છે કે પોતાનું ઘર હોય, તે છીનવી ન શકાય જસ્ટીસ બી.આર.ગવઈએ કહ્યું, માણસ હંમેશા સપના જુએ છે કે તેનું ઘર ક્યારેય છીનવી ન લે. દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તેના ઘર પર સુરક્ષિત છત હોય. શું સત્તાધીશો એવી વ્યક્તિની છત લઈ છીનવી શકે જેના પર કોઈ આરોપ હોય? આરોપી હોય કે દોષિત પુરવાર થાય, શું નક્કી કરેલી પ્રક્રિયાને અનુસર્યા વિના તેનું ઘર તોડી શકાય? અમે ક્રિમીનલ જસ્ટીસ સિસ્ટમમાં ન્યાયના મુદ્દા પર વિચાર કર્યો. કોઈપણ આરોપી અંગે અગાઉથી કોઈ નિર્ણય લઈ શકાય નહીં.
2. કોઈ અધિકારી કાયદો હાથમાં લે તો તેની સામે પણ કાર્યવાહી થવી જોઈએ કોઈ અધિકારી કોઈ વ્યક્તિનું ઘર એટલા માટે તોડે છે કારણ તે આરોપી છે. આરોપી હોવાના કારણે તેનું ઘર ખોટી રીતે તોડી નાખે તો તે ખોટું છે. જો અધિકારી કાયદો પોતાના હાથમાં લે તો તેની સામે કાર્યવાહી થવી જોઈએ કારણ કે તે જે કરે છે તે ગેરકાયદેસર છે. આરોપીને પણ કેટલાક અધિકારો પણ છે. સરકાર અને તેના અધિકારીઓ કાયદાનું પાલન કર્યા વિના આરોપી અથવા દોષિત વ્યક્તિ સામે મનસ્વી અને એકપક્ષીય પગલાં લઈ શકે નહીં. જો કોઈ અધિકારી આવું કરે તો તેની સામે કાર્યવાહી કરવાની વ્યવસ્થા હોવી જોઈએ. અધિકારી જ તેને વળતર આપે તેવું હોવું જોઈએ. ખોટા ઈરાદા સાથે પગલાં લેવા બદલ અધિકારીને બક્ષી શકાય નહીં.
3. અધિકારી જજ ન બની શકે, તે નક્કી ન કરી શકે કોણ દોષિત છે… જો કોઈ વ્યક્તિ માત્ર આરોપી હોય તો તેની મિલકત તોડી પાડવી એ સંપૂર્ણપણે ગેરબંધારણીય છે. સત્તાવાળાઓ નક્કી કરી શકતા નથી કે કોણ દોષિત છે, તે પોતે જજ બનીને નક્કી ન કરી શકે કે કોઈ દોષિત છે કે નહીં. બુલડોઝરની કાર્યવાહીનું ગંભીર પાસું એ છે કે સત્તાના દુરુપયોગને મંજૂરી આપી શકાય નહીં. કોઈ ગુનેગાર સામે પણ આવી કાર્યવાહી થઈ શકે નહીં. અધિકારીની આવી કાર્યવાહી ગેરકાયદેસર હશે અને અધિકારી કાયદો પોતાના હાથમાં લેવા માટે દોષિત ગણાશે.
4. ટાર્ગેટેડ બાંધકામ તોડાય છે ત્યારે એ સ્પષ્ટ થાય છે કે ઈરાદો ખરાબ હતો જ્યારે એક બાંધકામ અચાનક ડિમોલિશન માટે પસંદ કરવામાં આવે છે અને અન્ય બાંધકામો પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે ખરાબ ઈરાદા સ્પષ્ટ થાય છે. એવી છાપ ઊભી કરવામાં આવે છે કે કાર્યવાહી કોઈ બાંધકામ પર નહીં પરંતુ જે વ્યક્તિનો કેસ કોર્ટમાં છે તેને સજા કરવા માટે કરવામાં આવી છે.
5. ઘર પાડવું એ છેલ્લો રસ્તો, પણ સાબિત કરવું પડશે ઘર એ સામાજિક-આર્થિક તાણાવાણાનો મુદ્દો છે. તે માત્ર ઘર નથી, વર્ષોનો સંઘર્ષ છે, તેના માટે દરેકને આદરની ભાવના હોય છે. જો તે છીનવી લેવામાં આવે તો અધિકારીએ સાબિત કરવું પડશે કે મકાન તોડવું એ છેલ્લો વિકલ્પ હતો. ક્રિમિનલ જસ્ટીસનો નિયમ છે કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ દોષિત સાબિત ન થાય ત્યાં સુધી નિર્દોષ હોય છે. જો તેનું ઘર તોડી પાડવામાં આવે તો તેનો અર્થ એ છે કે આખા પરિવારને સજા કરવી. આને બંધારણીય રીતે મંજૂર કરી શકાય નહીં.
જસ્ટિસ ગવઈએ ઈંગ્લેન્ડના કેસનું વાક્ય ટાંક્યું કેસની સુનાવણીની શરૂઆતમાં જસ્ટીસ ગવઈએ ઈંગ્લેન્ડના એક કેસને યાદ કરીને તેનું વાક્ય ટાંક્યુ હતું. સાઉધર્ન વર્સેસ સાઉથનો કેસ છે તેની સુનાવણી લોર્ડ ડેનિંગે ઈંગ્લેન્ડ કોર્ટમાં કરી હતી. તે કેસનું એક વાક્ય ટાંકીને જસ્ટીસ ગવઈએ કહ્યું કે, ગરીબમાં ગરીબ માણસ પણ તેના ઝૂંપડાંમાં સત્તાની બધી તાકતોનો વિરોધ કરવા માટે આઝાદ છે. તેનું ઘર નબળું પડી જાય છે, તેની છતના પોપડાં પડવા લાગે છે, તેના ઘરમાં ભારે પવન ઘૂસી શકે છે, પાણીનો પ્રવાહ ઘૂસી શકે છે પણ ઈંગ્લેન્ડનો રાજા તેના ઘરમાં ઘૂસી ન શકે.
શું થઈ શકે અને શું નહીં?
- કોઈના પર આરોપ હોવાના કારણે ઘર તોડી ન શકાય. રાજ્ય આરોપી કે દોષિતો સામે મનસ્વી પગલાં લઈ શકે નહીં.
- બુલડોઝરની કાર્યવાહી એ સામૂહિક સજા આપવા જેવી છે, જેની બંધારણમાં મંજૂરી નથી.
- નિષ્પક્ષ ટ્રાયલ વિના કોઈને દોષિત ઠેરવી શકાય નહીં.
- કાયદાનું શાસન અને કાયદાકીય વ્યવસ્થામાં નિષ્પક્ષતા પર વિચાર કરવો પડે.
- કાયદાનું શાસન મનમાની કરવાની મંજૂરી આપતું નથી. ચોક્કસ ઘરનું ડિમોલિશન સત્તાના દુરુપયોગ સામે પ્રશ્નો ઊભા કરે છે.
- આરોપી અને દોષિતોને પણ ફોજદારી કાયદામાં રક્ષણ આપવામાં આવે છે. કાયદાના શાસનને ખતમ થવા દેવાય નહીં.
- બંધારણીય લોકશાહીમાં નાગરિક અધિકારો અને સ્વતંત્રતાનું રક્ષણ જરૂરી છે.
- જો એક્ઝિક્યુટિવ કોઈ નાગરિકના ઘરને એ આધારે તોડી નાખે છે કે તેના પર ગુનાનો આરોપી છે, તો તે બંધારણ અને કાયદાનું ઉલ્લંઘન છે.
- આવી મનસ્વી રીતે કામ કરવા બદલ અધિકારીઓને જવાબદાર ઠેરવવા જોઈએ.
- અધિકારીઓએ જ પાડેલું મકાન બનાવી દેવું પડશે અથવા મકાનની કિંમત જેટલું વળતર આપવું પડશે.
- સત્તાનો દુરુપયોગ કરવા બદલ અધિકારીઓને બક્ષી શકાય નહીં.
- સ્થાનિક કાયદાઓનું ઉલ્લંઘન કરતા ઘરને તોડી પાડવાની વિચારણા કરતી વખતે, મ્યુનિસિપલ બાયલોઝમાં શું આની મંજૂરી છે તે જોવું જોઈએ. અનધિકૃત બાંધકામમાં સમાધાન થઈ શકે છે અથવા ઘરનો માત્ર એક ભાગ તોડી શકાય છે.
- સત્તાવાળાઓએ પુરાવા આપવા પડશે કે મકાન ગેરકાયદેસર છે.
- નોટિસમાં બુલડોઝર ચલાવવાનું કારણ અને સુનાવણીની તારીખનો ઉલ્લેખ કરવો જરૂરી રહેશે.
- ડિજીટલ પોર્ટલ 3 મહિનાની અંદર બનાવવું જોઈએ, જેમાં નોટિસની માહિતી અને સ્ટ્રક્ચરની નજીકના જાહેર સ્થળે નોટિસ અપાયાની તારીખ હોવી જોઈએ.
- વ્યક્તિગત સુનાવણી માટે તારીખ આપવી જરૂરી છે.
- બુલડોઝરની કાર્યવાહી શા માટે જરૂરી છે તે ક્રમમાં નોંધવું આવશ્યક છે.
- જો ગેરકાયદે મકાન, જાહેર માર્ગ/રેલ્વે ટ્રેક/વોટર બોડી પર હોય તો જ ઈમારતને તોડી શકાય. આ સાથે જ પ્રક્રિયાને અનુસર્યા બાદ જ ઈમારતને તોડી શકાશે.
- ફક્ત તે જ બાંધકામો તોડી પાડવામાં આવશે જે અનધિકૃત હશે અને તેમાં સમાધાન થઈ શકે તેમ ન હોય.
- જો મકાન ખોટી રીતે તોડી પાડવામાં આવ્યું હોય તો અધિકારીઓ સામે તિરસ્કારની કાર્યવાહી કરવામાં આવશે અને તેમને વળતર ચૂકવવું પડશે.
- અનધિકૃત બાંધકામો તોડી પાડતી વખતે વિગતવાર સ્પોટ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. પોલીસ અને અધિકારીઓની હાજરીમાં ડિમોલિશનનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવશે. આ અહેવાલ પોર્ટલ પર પ્રકાશિત કરવામાં આવશે.
- જો મકાન તોડી પાડવાનો આદેશ પસાર કરવામાં આવે તો આ હુકમ સામે અપીલ કરવા માટે સમય આપવો જોઈએ.
- અપીલ વિના રાતોરાત ડિમોલિશન પછી મહિલાઓ અને બાળકોને રસ્તા પર જોવા એ સૌથી કરૂણ દ્રશ્ય છે.
- રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા ઘરના માલિકને નોટિસ મોકલવામાં આવશે અને તેને મકાનની બહાર ચોટાડવામાં આવશે.
- નોટિસનો સમયગાળો નોટિસ આપવામાં આવ્યા પછી 15 દિવસનો રહેશે.
- નોટિસ મોકલ્યા પછી કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પણ સૂચના મોકલવામાં આવશે.
- કલેક્ટર અને ડીએમ મ્યુનિસિપલ ઈમારતો વગેરેના ડિમોલિશન માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરશે.
- ઓથોરિટી વ્યક્તિગત સુનાવણી સાંભળશે, તે રેકોર્ડ કરવામાં આવશે અને તે પછી અંતિમ આદેશ પસાર કરવામાં આવશે.
- ઓર્ડરના 15 દિવસની અંદર માલિકને અનધિકૃત બાંધકામ તોડી પાડવા અથવા દૂર કરવાની તક આપવામાં આવશે.
- તમામ સૂચનાઓનું પાલન કરવું આવશ્યક છે અને આ સૂચનાઓનું પાલન ન કરવાથી તિરસ્કાર અને કાર્યવાહીની કાર્યવાહી થશે.
- આ બાબત દરેક મુખ્ય સચિવોને પણ લાગૂ પડે છે.
ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં સૌથી વધારે બુલડોઝર ફર્યા ભાજપ શાસિત આ ત્રણ રાજ્યો એવા છે જેમાં સૌથી વધારે બુલડોઝરનો ઉપયોગ થયો છે. આના કારણે લોકોના મનમાં પણ એવી છાપ પેદા થઈ ગઈ છે કે, કોઈ આરોપી હોય તો તેના ઘર પર બુલડોઝર ફેરવી દેવું જોઈએ. બહરાઈચમાં જે ઘટના બની તે પછી લોકોના ટોળાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ગોળી છોડનાર આરોપીના ઘર પર બુલડોઝર ફેરવવાની માગ કરવા લાગ્યા. બુલડોઝર હમણાં હમણાં જ ફરી રહ્યાં છે, એવું નથી. આ જૂની પેટર્ન છે. મધ્યપ્રદેશના એક સમયના મુખ્યમંત્રી હતા બાબુલાલ ગોર તે તો ‘બુલડોઝર સીએમ’થી ઓળખાતા હતા. એટલે અગાઉના કેટલાક નેતાઓ ખોટી રીતે બુલડોઝરનો ઉપયોગ કરી ચૂક્યા છે. પણ બુલડોઝરને બ્રાન્ડ બનાવી હોય તો એ યોગી આદિત્યનાથે બનાવી છે.
- ઉત્તરપ્રદેશ: જૂનમાં મુરાદાબાદ અને બલિયામાં 2 આરોપીઓની 6 મિલકતોમાં તોડફોડ કરવામાં આવી હતી. મુરાદાબાદમાં એક પરિણીત મહિલાનું અપહરણ કરવાનો પ્રયાસ કરનાર વ્યક્તિના ઘર પર બુલડોઝર ચલાવાયું હતું. અપહરણનો વિરોધ કરી રહેલા મહિલાના માતા-પિતા અને ભાઈને આરોપીઓએ ગોળી મારી દીધી હતી.તો બરેલીમાં રોટલીના વિવાદમાં હોટેલના માલિકે યુવાનની હત્યા કરી હતી. સરકારે હોટેલ પર જ બુલડોઝર ચલાવી દીધું હતું.
- રાજસ્થાન: ઓગસ્ટમાં રાજસ્થાનના ઉદયપુરમાં છરાબાજી બાદ આરોપીના ઘર પર બુલડોઝર ચલાવી દેવાયું હતું. ઉદયપુરની એક સરકારી શાળામાં ધોરણ 10માં ભણતા બાળકે બીજાને છરા મારીને ઘાયલ કર્યા હતા. આ પછી શહેરભરમાં આગચંપી અને હિંસક દેખાવો થયા. 17 ઓગસ્ટે આરોપી વિદ્યાર્થીના ઘરે બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી. અગાઉ સરકારની સૂચનાથી વન વિભાગે આરોપીના પિતા સલીમ શેખને ગેરકાયદે વસાહતમાં બનેલું મકાન ખાલી કરવા નોટિસ આપી હતી.
- મધ્યપ્રદેશ : ગયા ઓગસ્ટમાં મધ્યપ્રદેશના છતરપુરમાં પોલીસ પર પથ્થરમારો કરવાના આરોપીઓ સામે કાર્યવાહી થઈ હતી. મધ્યપ્રદેશના છતરપુરમાં પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કરનારા લોકોને ઓળખીને 24 કલાકમાં જ સરકારે આરોપીની 20 કરોડ રૂપિયાની ત્રણ માળની હવેલીને તોડી પાડી હતી. આ હવેલી 20 હજાર ચોરસ ફૂટમાં બનેલી હતી.
ગુજરાતમાં બુલડોઝર ફર્યું ત્યારે પણ સુપ્રીમે લાલ આંખ કરી હતી ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના પગલે ગુજરાત સરકારે પણ સમયાંતરે બુલડોઝરની કાર્યવાહી કરી છે.
- વડોદરા : ગુજરાતમાં પણ સરકારે સમયાંતરે બુલડોઝર ફેરવ્યું છે અને સુપ્રીમની ફટકાર પણ સાંભળવી પડી છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યા કરે છે, તે સમસ્યાથી છૂટકારો મેળવવા અગોરા મોલ પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. માત્ર આ મોલ જ નહીં, વિશ્વામિત્રીના કિનારે 25 જેટલા દબાણો થઈ ગયા છે, તે તમામને નોટિસ અપાઈ હતી.
- સુરત : સુરતના સૈયદપુરાના વરિયાવી બજારમાં ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના બાદ સ્થિતિ વણસી હતી. પથ્થરમારાની ઘટના બાદ સરકાર એક્શનમાં આવી હતી. સૈયદપુરા વિસ્તારમાં આવેલા તમામ ગેરકાયદે બાંધકામોને બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યા હતા. જેમાં મકાન, લારી-ગલ્લાનો સમાવેશ થતો હતો.
- સોમનાથ : સોમનાથ મંદિર આસપાસ મેગા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી જેમાં 320 કરોડની 102 એકર જમીન પરથી દબાણો હટાવાયા હતા. જેમાં એક મસ્જિદ પણ હતી. આ કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી. સુપ્રીમ કોર્ટે સખત વલણ અપનાવતાં કહ્યું કે, બુલડોઝર કાર્યવાહીના આદેશની અવમાનના થઈ હશે તો અધિકારીને પણ જેલમાં મોકલી દઈશું. સુપ્રીમ ગીરસોમનાથ જિલ્લાના કલેક્ટર પાસે જવાબ માગ્યો હતો.
છેલ્લે,
બશીર બદ્રનો એક શેર યાદ આવે છે, લોગ તૂટ જાતે હૈં ઘર બનાને મેં, તુમ તરસ નહીં ખાતે બસ્તીયાં જલાને મેં…
સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ…
(રિસર્ચ : યશપાલ બક્ષી)