જસદણની યુવતીના રાજકોટના યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન પછી પરણિતા ગાંધીનગરમાં રહેતા તેના પતિ અને સસરા સાથે રહેવા આવી ગઇ હતી. લગ્નના થોડા જ સમયમાં પરણિતાના કામ બાબતે વાંધાવચકા કાઢવામાં આવતા હતા. દંપતી ફ્રાન્સ રહેવા જતા સાસુ-સસરા વિઝીટર વિઝા ઉપર ગયા હતા
.
મળતી માહિતી મુજબ હાલમાં જસદણ પિતાના ઘરે રહેતી આશરે 25 વર્ષિય યુવતીના લગ્ન રાજકોટમાં રહેતા યુવક સાથે સામાજિક રીતરિવાજ મુજબ વર્ષ 2021માં કરવામાં આવ્યા હતા. લગ્ન પછી એકાદ મહિના સુધી સંસાર સારી રીતે ચાલ્યો હતો. ત્યારબાદ પરણિતાના કામ બાબતે વાંધા વચકા કાઢવામાં આવતા હતા. પતિની ગેરહાજરીમાં સાસુ સસરા પરણિતાને તારા મા-બાપે તને સંસ્કાર આપ્યા નથી, કહીને મ્હેણા મારવામાં આવતા હતા.
જ્યારે પરણિતા મોબાઇલમાં સોશિયલ મીડીયાનો ઉપયોગ કરતા પતિએ બંધ કરાવી દીધો હતો અને તમામ એપ્લીકેશન ડીલીટ કરી દીધી હતી, તેમ છતા પરણિતા ત્રાસ સહન કરતી હતી. પતિ ફ્રાન્સ જવાના હોવાથી પરણિતાની કોરા કાગળ અને ચેક ઉપર સહિઓ કરાવી લીધી હતી. ત્યારબાદ દંપતી ફ્રાન્સ રહેવા જતા ત્યાં પણ ફોન કરીને પરણિતા વિરુદ્ધ પતિને ચઢામણી કરતા હતા. જ્યારે વિઝીટર વિઝા ઉપર સાસુ સસરા ફ્રાન્સ પહોંચ્યા હતા અને ત્યારબાદ ત્યા પરણિતાને મ્હેણા મારવામાં આવતા હતા. પતિ પરણિતા ઉપર હાથ ઉપાડતો હતો અને આત્મહત્યા કરવા બે વખત દબાણ કરવામાં આવ્યુ હતુ.ભારત આવીને છુટાછેડા આપવાની વાત કરી હતી. જ્યારે પરણિતા તેની બહેન સાથે આપવીતી કહેતી હતી, તે સમયે બહેનને પણ અપશબ્દો બોલવામાં આવ્યા હતા. ત્યારબાદ તારા મા-બાપ સાથે સબંધો તોડી નાખ તો જ તને રાખીશુ કહેતા પરણિતાએ તેના પતિ, સાસુ અને સસરા સામે મહિલા પોલીસ મથકમાં ગુનો નોંધાવતા તપાસ હાથ ધરી હતી.