37 મિનિટ પેહલાલેખક: ઈફત કુરૈશી
- કૉપી લિંક
આજની વણકહી વાર્તા સપનાં, સંઘર્ષ, છેતરપિંડી અને હત્યાની ભયાનક વાર્તા પર આધારિત છે, માયાનગરી મુંબઈમાં એકટ્રેસ બનવાનું સપનું લઈને આવેલી મીનાક્ષી થાપરે પોતે જીવી હતી. હિરોઈન બનવા દેહરાદૂનથી મુંબઈ આવેલી મીનાક્ષીએ સંઘર્ષ કરીને મધુર ભંડારકરની ફિલ્મમાં કરીના કપૂર સાથે જગ્યા બનાવી હતી.
સપનું પૂરું થવાના આરે જ હતું, પરંતુ કમનસીબે સોનેરી સપનું પૂરું થાય એ પહેલાં જ તેનું જીવન સમાપ્ત થઈ ગયું હતું. હત્યાના કાવતરાએ મીનાક્ષીનું જીવન ખેદાન-મેદાન કરી નાખ્યું હતું. એક્ટ્રેસનું માથું અને શરીર અલગ કરી દેવામાં આવ્યાં હતાં. હદ તો ત્યારે થઈ જ્યારે શરીરને ઘણા દિવસો સુધી સેપ્ટિક ટાંકીમાં સડવા માટે છોડી દેવામાં આવ્યું હતું.
વાંચો મીનાક્ષીના જીવનની દર્દનાક કહાની, જે એક સંપૂર્ણ ક્રાઈમ-થ્રિલર ફિલ્મ છે-
એવિએશનનો અભ્યાસ પૂરો કર્યા પછી તે હિરોઈન બનવા મુંબઈ પહોંચી.
4 ઓક્ટોબર 1984.
મીનાક્ષી થાપરનો જન્મ ઉત્તરાખંડના દેહરાદૂનના એક મધ્યમવર્ગના પરિવારમાં થયો હતો. દેહરાદૂનની દૂન સ્કૂલમાંથી અભ્યાસ પૂરો કર્યા બાદ મીનાક્ષીએ એવિએશનમાં ડિગ્રી લીધી હતી. મીનાક્ષી એર હોસ્ટેસ બનવા માગતી હતી, જ્યારે તેમનો મોટો ભાઈ સેનામાં જોડાવાની તૈયારી કરી રહ્યો હતો. મીનાક્ષી ખૂબ જ સુંદર હતી, તેથી લોકો તેને ઘણીવાર મોડેલિંગ અને ફિલ્મોમાં કામ કરવાની સલાહ આપતા હતા.
દેહરાદૂન જેવા શહેરમાં આ સપનું પૂરું કરવું શક્ય નહોતું એટલે મીનાક્ષીએ મુંબઈ જવાનું નક્કી કર્યું. પરિવારે પણ મીનાક્ષીને ઘણો સાથ આપ્યો અને થોડાક રૂપિયા લઈને તે હજારો યુવાનોની જેમ સપનાંના શહેર મુંબઈ પહોંચી ગઈ હતી.
મુંબઈમાં મીનાક્ષીએ કેટલાક પરિચિતોની મદદથી મોડેલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો. મુંબઈ શહેરમાં તેનો પરિચય વધવા લાગ્યો અને આગળ વધવાના રસ્તા ખૂલવા લાગ્યા. કેટલાક લોકોની મદદથી તેને સૌપ્રથમ 2011ની હોરર ફિલ્મ ‘404’માં નાનો રોલ મળ્યો હતો.
ફોટોશૂટ દરમિયાન લેવામાં આવેલી મીનાક્ષીની તસવીર.
વર્ષ 2012ની વાત છે. ફિલ્મ ‘ફેશન’ માટે એવોર્ડ જીતનારા નિર્માતા મધુર ભંડારકર એ સમયે મુંબઈમાં કરીના કપૂર સાથે ફિલ્મ ‘હિરોઈનું શૂટિંગ કરતા હતા. જે લોકો ફિલ્મોમાં કામ મેળવવા માગે છે તેઓ ઘણીવાર શૂટિંગ લોકેશન અને સેટની આસપાસ ફરતા હોય છે, જેથી તેમની ઓળખ વધે અને તેમને પણ ફિલ્મોમાં કામ મળે. એ જ રીતે મીનાક્ષી થાપર પણ ફિલ્મ ‘હિરોઈન’ના સેટ પર પહોંચી ગઈ હતી.
ફિલ્મ ‘હિરોઈન’ના સેટ પર પહોંચતાં જ તે અમિત કુમાર જયસ્વાલ નામની વ્યક્તિને મળી હતી. ફિલ્મ ‘હિરોઈન’માં અમિત જુનિયર આર્ટિસ્ટ તરીકે કામ કરતો હતો. મીનાક્ષીનો પરિચય આપતાં તેણે કહ્યું હતું કે તે ઘણી મોટી ફિલ્મોના કાસ્ટિંગ ડિરેક્ટર અને કોઓર્ડિનેટર્સને જાણે છે અને ઘણા લોકોને ફિલ્મોમાં કામ પણ અપાવે છે.
મીનાક્ષી પોતાને રોયલ ફેમિલીની સભ્ય ગણાવતી હતી
મીનાક્ષી ઈચ્છતી ન હતી કે અમિત જેવા વર્કિંગ મેનની સામે સ્ટ્રગલરની ઈમેજ ઊભી થાય, તેથી તેણે કહ્યું કે તે નેપાળના રાજવી પરિવારની છે અને કામની શોધમાં મુંબઈ આવી છે. મીનાક્ષી પણ શ્રીમંત પરિવારમાંથી આવતી હોય એવું દેખાતું હતું, તેથી અમિતને પણ તેના પર વિશ્વાસ હતો. બંનેએ ખોટો પરિચય આપી મામલો આગળ વધાર્યો હતો.
થોડા સમય પછી અમિતે મીનાક્ષીની ઓળખાણ તેની ગર્લફ્રેન્ડ પ્રીતિ સરીન સાથે કરાવી હતી. પ્રીતિ સરીન પણ ફિલ્મ ‘હિરોઈન’નો એક ભાગ હતી અને તેણે પણ અમિત દ્વારા કહેવામાં આવેલી વાર્તાનું પુનરાવર્તન કરવાનું શરૂ કર્યું કે તે બંને ઘણા મોટા કોઓર્ડિનેટર્સને ઓળખે છે. પોતાની વાત સાબિત કરવા માટે અમિતે તરત જ મીનાક્ષીને પૂછ્યું કે શું તે ફિલ્મ ‘હિરોઈન’માં કામ કરશે. દેખીતી રીતે મીનાક્ષી તરત જ સંમત થઈ ગઈ હતી. પહેલી જ મુલાકાતમાં અમિતને લીધે ફિલ્મમાં કામ મળી ગયું અને મીનાક્ષી તેના પર વિશ્વાસ કરવા લાગી હતી.
34 વર્ષીય અમિત જયસ્વાલ અલાહાબાદ (હાલ પ્રયાગરાજ)ના રહેવાસી હતો, જે ફિલ્મોમાં કામ કરવા મુંબઈ આવ્યો હતો. તેની ગર્લફ્રેન્ડ પ્રીતિ સરીન પણ અલાહાબાદની રહેવાસી છે, તે 26 વર્ષની હતી. ‘હિરોઈન’ ફિલ્મમાં સાથે કામ કરતી વખતે ત્રણેયની મિત્રતા ગાઢ બની હતી. તેઓ ઘણીવાર સેટ પર સાથે સમય વિતાવતાં અને કામ વિશે ચર્ચા કરતાં.
મીનાક્ષી દ્વારા તેમની પ્રથમ મુલાકાતમાં બોલાયેલા જૂઠને અમિત અને પ્રીતિ સત્ય તરીકે સ્વીકારે છે. તેમને લાગ્યું કે મીનાક્ષી સમૃદ્ધ પરિવારની છે અને તેના પૈસાથી તે પોતાના માટે ફિલ્મો બનાવી શકશે. મીનાક્ષી ઘણીવાર તેની સામે શાહી પરિવાર વિશે ખોટી વાતો કહેતી હતી.
મિત્રોએ મીનાક્ષીને ફસાવવાનો પ્લાન બનાવ્યો
માર્ચ 2012નો દિવસ હતો, જ્યારે અમિત અને પ્રીતિ પાસે કોઈ કામ નહોતું. જ્યારે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું ત્યારે તેમણે એક પ્લાન બનાવ્યો. પ્લાન મીનાક્ષીનું અપહરણ કરીને તેમના પરિવાર પાસેથી ખંડણી માગવાનો હતો.
મીનાક્ષીને આ પ્લાનમાં સામેલ કરવા માટે અમિતે 13 માર્ચ 2012ના રોજ મીનાક્ષીને ફોન કર્યો અને કહ્યું કે તે એક મોટી ભોજપુરી ફિલ્મમાં લીડ એક્ટ્રેસની શોધમાં છે. જો તેને એક્ટ્રેસ બનવું હોય તો ચાલો આપણે સાથે અલાહાબાદ જઈએ. શરૂઆતમાં મીનાક્ષીએ એમ કહીને ના પાડી દીધી કે તે માત્ર હિન્દી ફિલ્મોમાં જ કામ કરવા માગે છે, પરંતુ તેમ છતાં અમિત અને પ્રીતિ તેના પર દબાણ કરતાં રહ્યાં હતાં.
છેવટે તે સાથે જવા સંમત થઈ ગઈ હતી. મીનાક્ષીના એક મિત્રએ તેમને મુંબઈ સ્ટેશન પર ઉતાર્યા અને ત્રણેય ટ્રેનની ટિકિટ લઈને મુંબઈથી અલાહાબાદ (હાલ પ્રયાગરાજ) પહોંચ્યાં હતાં. અલાહાબાદ પહોંચતાં જ મીનાક્ષીએ તેની માતાને ફોન કર્યો અને કહ્યું કે તે અમિત અને પ્રીતિ સાથે ભોજપુરી ફિલ્મમાં કામ કરવા માટે અલાહાબાદ આવી છે.
14 માર્ચે પણ મીનાક્ષીએ તેની માતા સાથે કોલ પર વાત કરી હતી, પરંતુ 15 માર્ચથી મીનાક્ષીએ તેની માતાનો સંપર્ક કરવાનું બંધ કરી દીધું હતું. 16 માર્ચે માતાએ ઘણા ફોન કર્યા હતા, પરંતુ મીનાક્ષીએ કોઈ કોલનો જવાબ ન આપ્યો.
ફોન ન ઉપાડતાં માતાએ ભાઈને ફરિયાદ કરી
ઘણા પ્રયત્નો છતાં મીનાક્ષીનો સંપર્ક થઈ શક્યો ન હતો, ત્યારે તેની માતા ગભરાઈ ગઈ હતી. તેમણે પોતાના પુત્રને બોલાવ્યો, જે લશ્કરમાં હતો. જ્યારે તેની માતાએ તેને શોધવાનું કહ્યું, ત્યારે મીનાક્ષીના ભાઈએ મુંબઈના કેટલાક મિત્રોની મદદ લીધી અને પછી માની લીધું કે તે શૂટિંગમાં વ્યસ્ત હશે.
અમિત અને પ્રીતિ મીનાક્ષીને પ્રયાગરાજના ગુલાટી બંગલામાં લઈ ગયાં હતાં. એ બંગલો ઘણાં વર્ષોથી ખાલી હતો, જેનો માલિક બીજા શહેરમાં રહેતો હતો. બંગલાની સુરક્ષાની જવાબદારી પ્રીતિના પિતાની હતી, જેઓ વ્યવસાયે ગાર્ડ હતા. પ્રીતિને ખબર હતી કે તેના પપ્પા થોડા દિવસ માટે ગામડે ગયા છે એટલે થોડા દિવસો માટે બંગલો સાવ ખાલી હતો.
લગભગ 17મી માર્ચ 2012ની વાત છે. મીનાક્ષીની માતા તેના ફોનની રાહ જોઈ રહી હતી. જ્યારે તેમના મોબાઈલ પર મેસેજ આવ્યો. મેસેજમાં લખવામાં આવ્યું હતું કે જો તમે તમારી દીકરીને જીવતી જોવી હોય તો 15 લાખ રૂપિયાની વ્યવસ્થા કરો. માતા ડરી ગયાં અને તરત જ તેમના પુત્રને બોલાવ્યો હતો. મીનાક્ષીનો ભાઈ તરત જ રજા લઈને તેને શોધવા મુંબઈ પહોંચે છે.
થોડા સમય પછી માતા પાસે બીજો મેસેજ પહોંચ્યો, જો મીનાક્ષી અંગે પોલીસને જાણ કરશે તો તેઓ તેમની પુત્રીની અશ્લીલ ફિલ્મો બનાવીને ઇન્ટરનેટ પર પોસ્ટ કરશે. આ વખતે મા સમજી ગઈ કે મીનાક્ષી ખરેખર મુશ્કેલીમાં છે.
ઘરમાં મીનાક્ષી વિશે ચિંતિત માતા કંઈ જ વિચારી ન શકી અને આપેલા એકાઉન્ટ નંબર પર 60 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દીધા. તેમની પાસે આટલા જ પૈસા હતા. તેમને બીજા ઘણા મેસેજ મળ્યા, જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે તે 15 લાખ રૂપિયા મેળવ્યા પછી જ મીનાક્ષીને પરત કરશે.
મુંબઈ પહોંચેલા મીનાક્ષીના ભાઈએ મીનાક્ષીને અલાહાબાદ સ્ટેશન પર ડ્રોપ કરવા ગયેલા મિત્રનો સંપર્ક કર્યો. જ્યારે તે મિત્ર પાસેથી કોઈ સચોટ માહિતી મળી ન હતી, ત્યારે ભાઈએ અંબોલી પોલીસ સ્ટેશનમાં તેની બહેનના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે તેની માતાના નંબર પર ખંડણીના કેટલાક સંદેશા આવ્યા હતા.
મામલાને ગંભીરતાથી લઈને પોલીસે શોધખોળ શરૂ કરી અને મીનાક્ષીના તમામ મિત્રોને પૂછપરછ માટે બોલાવ્યા. પૂછપરછ દરમિયાન મીનાક્ષીના મિત્રએ જણાવ્યું કે જ્યારે તે અમિત અને પ્રીતિ સાથે અલાહાબાદ જઈ રહી હતી ત્યારે તેમણે તેમને સ્ટેશન પર ઉતારી હતી.
જ્યારે પોલીસે અમિત અને પ્રીતિની શોધખોળ શરૂ કરી તો ખબર પડી કે તેઓ છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈમાં નથી. હવે પોલીસને બંને પર શંકા ગઈ હતી. પોલીસે ન્યૂઝ નેટવર્ક એક્ટિવેટ કરીને બંનેની શોધખોળ શરૂ કરી હતી. આખરે એપ્રિલના પહેલા સપ્તાહમાં પોલીસને એક બાતમીદાર પાસેથી માહિતી મળી કે બંને લખનઉમાં છે. આ વાતની જાણ થતાં જ લખનઉ પોલીસે 12 એપ્રિલે બંનેની ધરપકડ કરી હતી. ત્યાર બાદ બંનેને મુંબઈ લાવી પૂછપરછ શરૂ કરી હતી.
શરૂઆતમાં અમિત અને પ્રીતિ પોલીસને ગેરમાર્ગે દોરતાં રહ્યાં હતાં, પરંતુ પછી કડક કાર્યવાહી કર્યા બાદ બંનેએ જે કહ્યું એ સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. પોલીસ બંનેને લઈ જાય છે અને પ્રયાગરાજના એ જ ગુલાટી બંગલા પર પહોંચે છે, જ્યાં બંનેએ મીનાક્ષીને રાખી હતી. વર્ષોથી ખાલી પડેલા બંગલામાં ઉત્તરપ્રદેશ પોલીસ, મુંબઈ પોલીસ અને કેટલાક મજૂરોને પ્રવેશતા જોઈને સમગ્ર વિસ્તાર આશ્ચર્યચકિત થઈ ગયો હતો. અમિત અને પ્રીતિની સૂચના પર કામદારોએ ઘરના પાછળના ભાગમાં ખોદકામ શરૂ કર્યું. થોડો સમય ખોદકામ કર્યા બાદ પોલીસને એક સેપ્ટિક ટાંકી મળી આવી હતી.
મુંબઈ પોલીસની ટીમ પ્રીતિ અને અમિતને ગુલાટીના બંગલામાં લઈ આવી હતી.
સેપ્ટિક ટાંકીમાંથી મીનાક્ષીનો શિરચ્છેદ થયેલો મૃતદેહ મળ્યો
સેપ્ટિક ટાંકી ખોલતાંની સાથે જ દુર્ગંધથી બધા સમજી ગયા કે એ ટાંકી કે ગંદકીની નહીં, પણ સડેલી લાશની છે. ઘણા દિવસોથી ટાંકીમાં પડેલો મૃતદેહ ખરાબ રીતે સડી ગયો હતો, જ્યારે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો ત્યારે માત્ર ધડ જ મળ્યું હતું, માથું પણ ગાયબ હતું.
આ પછી પોલીસ અમિત અને પ્રીતિ સાથે માથાની શોધમાં લખનઉથી વારાણસી જવા રવાના થઈ. ઘણા કલાકોની શોધખોળ પછી માથું વારાણસીના એક નિર્જન વિસ્તારમાં મળી આવ્યું હતું.
હવે પોલીસને એ વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે અપહરણનો પ્લાન બનાવી રહેલાં અમિત અને પ્રીતિએ મીનાક્ષીની હત્યા કરી હતી. માથું અને ધડ પોસ્ટમોર્ટમ માટે મુંબઈ લાવવામાં આવ્યાં હતાં. બીજી તરફ બંને આરોપીની કડક પૂછપરછ શરૂ કરી હતી. અમિતે રડતાં રડતાં ગુનો કબૂલી લીધો હતો. તેમણે 12 માર્ચથી તેમની વાર્તા શરૂ કરી, જ્યારે તેમણે મીનાક્ષીનું અપહરણ કરવાની યોજના બનાવી હતી.
મીનાક્ષીની ડેડબોડી લઈ જતી ટીમ.
અમિતના નિવેદન મુજબ, તે અને પ્રીતિ કામની શોધમાં થાકી ગયાં હતાં, જ્યારે તેમને કામ મળતું બંધ થઈ ગયું ત્યારે તેમણે મીનાક્ષીનું અપહરણ કરવાની યોજના બનાવી, જે તેમના કહેવા મુજબ એક રાજવી પરિવારની હતી. તેમણે પહેલા મીનાક્ષીને ભોજપુરી ફિલ્મની લાલચ આપી અને તેને અલાહાબાદ લઈ ગયાં હતાં. પ્રયાગરાજ પહોંચ્યાના 2 દિવસ પછી જ મીનાક્ષી સમજી ગઈ હતી કે અહીં કોઈ ફિલ્મ બનવાની નથી, જ્યારે તેણે ભાગવાનો પ્રયાસ કર્યો તો બંને ખૂબ જ ડરી ગયાં. જ્યારે મીનાક્ષી ભાગવા માટે બૂમો પાડવા લાગી ત્યારે અમિતે તેનું ગળું દબાવી દીધું, જેમાં પ્રીતિએ તેની મદદ કરી. થોડીવારમાં મીનાક્ષીનો અવાજ બંધ થઈ ગયો અને તેના શ્વાસ પણ બંધ થઈ ગયા.
ખંડણીનો મેસેજ મોકલતાં પહેલાં જ મીનાક્ષીની હત્યા કરી દેવામાં આવી હતી
16 માર્ચે મીનાક્ષીની માતાને ખંડણીનો પહેલો સંદેશો પહોંચ્યો ત્યાં સુધીમાં તે મરી ચૂકી હતી. બંનેએ મૃતદેહને ગુલાટીના બંગલામાં ઘણા દિવસો સુધી રાખ્યો અને મીનાક્ષીની માતાને સતત મેસેજ કરતા રહ્યા. થોડા સમય પછી બંનેએ બજારમાંથી તીક્ષ્ણ હથિયાર ખરીદ્યું અને મીનાક્ષીની ઓળખ ન રહે એ માટે તેમનું માથું કાપી નાખ્યું. બંનેએ તેનો શિરચ્છેદ થયેલો મૃતદેહ ઘરની પાછળ બનાવેલી સેપ્ટિક ટાંકીમાં મૂક્યો અને તેને ઉપર ઢાંકી દીધી હતી.
હજી કામ કરવાનું બાકી હતું, તેથી બંને મુસાફરોથી ભરેલી બસમાં ચડી જે પ્રયાગરાજથી વારાણસી જઈ રહી હતી. અંધારું થતાં જ બંનેએ નિર્જન જગ્યા જોઈ અને બેગમાં રાખેલું માથું બસની બારીમાંથી બહાર ફેંકી દીધું. તેઓ જાણતાં હતાં કે મુંબઈ પોલીસ તેમને શોધી રહી છે, તેથી બંનેએ મુંબઈ પાછાં ફરવાને બદલે ભૂગર્ભમાં જવાનું વધુ સારું માન્યું.
ફિલ્મ ‘હિરોઈન’નું શૂટિંગ થોડા દિવસો માટે રોકી દેવામાં આવ્યું હતું
મધુર ભંડારકરની ફિલ્મ ‘હીરોઈન’ના જુનિયર આર્ટિસ્ટ મીનાક્ષીની હત્યા બાદ ફિલ્મનું શૂટિંગ થોડા દિવસો માટે રોકી દેવામાં આવ્યું હતું. જ્યારે સત્ય બહાર આવ્યું તો બધાને એ જાણીને આંચકો લાગ્યો કે મીનાક્ષી જેની સાથે સેટ પર સમય પસાર કરતી હતી એ જ મિત્રોએ તેની હત્યા કરી નાખી હતી.
મીનાક્ષીના હત્યારાઓને આજીવન કેદની સજા થઈ
9 મે 2018- દક્ષિણ મુંબઈની સેશન્સ કોર્ટે અમિત જયસ્વાલ અને પ્રીતિ સરીનને મીનાક્ષી થાપરની હત્યા માટે દોષી ઠેરવ્યાં. સેશન્સ કોર્ટના જજ એસ.જી. શેટેએ બંનેને કલમ 302 હત્યા અને 364 અપહરણ હેઠળ આજીવન કેદની સજા ફટકારી હતી.
તેના મૃત્યુના થોડા મહિના પહેલાં મીનાક્ષીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં લખ્યું હતું કે “જે લોકો અરીસામાં જોયા પછી સુંદરતા મેળવવા માગે છે તેઓ હવે મૃત્યુ વિના મરી જશે, હું તે છું, જે મરીશ.”