Khyati Hospital Controversy : અમદાવાદમાં એસજી હાઇવે પર આવેલી ખ્યાતી હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી સમયે બે દર્દીના મરણ અને એન્જિયોગ્રાફી કરવાના કેસમાં વસ્ત્રાપુર પોલીસે ડૉ.પ્રશાંત વજીરાનીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. જેમાં પીએમજેએવાય હેઠળ હોસ્પિટલમાં ચાલતા કૌભાંડની તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. બીજી તરફ પોલીસે ગુનો નોંધ્યા બાદ હોસ્પિટલના સીઇઓ ચિરાગ રાજપુત સહિત તમામ આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જ્યારે હોસ્પિટલના ડાયરેક્ટર ડો. કાર્તિક પટેલ વિદેશમાં હોવાથી તેમને ઝડપી લેવામાં પોલીસ લુક આઉટ નોટિસ ઇસ્યુ કરશે. સાથેસાથે પોલીસે તપાસ માટે હોસ્પિટલમાં અગાઉ કરવામાં આવેલા ઓપરેશન અંગેની વિગતો પણ મંગાવી છે.
ડૉ.પ્રશાંત વજીરાનીની પૂછપરછમાં અનેક કૌભાંડની વિગતો મળી
ખ્યાતી હોસ્પિટલના સંચાલકો દ્વારા પીએમજેએવાય અંતર્ગત કરોડો રૂપિયાની રોકડી કરવા માટે કડીના બોરીસણા ગામમાં કેમ્પ યોજીને 19 દર્દીને સરકારી યોજના હેઠળ સારવાર માટે લાવીને એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવાના કેસમાં બે દર્દીઓના મરણ થવાની સાથે અન્ય દર્દીઓના જીવ સાથે ચેડાં કરવાને મામલે દાખલ થયેલી ફરિયાદ અનુસંધાનમાં વસ્ત્રાપુર પોલીસે તપાસ શરૂ કરી છે. જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર એલ.એલ ચાવડાએ મૃતક દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરનાર ડૉ. પ્રશાંત વજીરાની (રહે. ગોયલ પાર્ક રૉ હાઉસ, જજીસ બંગ્લોઝ રોડ, વસ્ત્રાપુર)ની ધરપકડ કરીને પુછપરછ કરી હતી. ત્યારે તપાસમાં હોસ્પિટલમાં ચાલતા કૌભાંડની ચોંકાવનારી વિગતો સામે આવી છે.
આ પણ વાંચો : ખ્યાતિ હોસ્પિટલ કાંડ: ઓપરેશન કરનાર ડૉ. પ્રશાંત વજીરાણી સાત દિવસના રિમાન્ડ પર
ખ્યાતી હોસ્પિટલમાં PMJAY હેઠળ થયેલી તમામ સર્જરીની તપાસ કરાશે
ડીસીપી ઝોન-1 હિમાશુ વર્માએ જણાવ્યું હતું કે, પ્રશાંત વજીરાની જાણતા હતા કે જે દર્દીનું ઓપરેશન કરવામાં આવી રહ્યું છે તેને સ્ટેન્ટ મુકવાની જરૂરિયાત નથી અને જો સર્જરી કરવામાં આવે તો જીવ જોખમમાં મૂકાઇ શકે છે. એટલું જ મૃતકના પરિવારજનોને ખોટી રજૂઆત કરી હતી. તેમજ સર્જરી સમયે તબીબોની પુરતી ટીમ પણ હાજર રાખવામાં આવી નહોતી. આ ઉપરાંત, પોલીસ ખ્યાતી હોસ્પિટલ દ્વારા બોરીસણા ઉપરાંત, અન્ય ગામોમાં કરેલા મેડિકલ ચેકઅપ કેમ્પની અને તે અંતર્ગત દર્દીઓને પીએમજેએવાય હેઠળ કરવામાં આવેલી સારવારની વિગતો મંગાવવામાં આવી છે. જેના આધારે પણ કાર્યવાહી કરવામાં આવશે.
કડીમાં દાખલ થયેલી ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરાઇ
આ ઉપરાંત, કડી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી બે ફરિયાદો પણ ઝીરો નંબરથી વસ્ત્રાપુર પોલીસ મથકે ટ્રાન્સફર કરવામાં આવતા વસ્ત્રાપુર પોલીસ હવે ત્રણેય ફરિયાદની તપાસ સાથે કરશે. દર્દીઓના મોતના હોબાળા બાદ ખ્યાતી હોસ્પિટલના સીઇઓ ચિરાગ રાજપુત (રીવેરા બ્લુઝ, મકરબા), રાજશ્રી કોઠારી (રહે. આદિત્ય બંગ્લોઝ, થલતેજ), સંજય પટોળિયા (રહે. અલ્ટીયસ, સિધુ ભવન રોડ, થલતેજ)ને શોધવા પોલીસની અલગ અલગ ટીમ કામ કરી રહી છે. જ્યારે ડાયરેક્ટર ડૉ. કાર્તિક પટેલ વિદેશમાં હોવાથી તે ગુનો નોંધાયા બાદ ભારત પરત ફરે તેવી શક્યતા નહિવત્ છે. જેથી તેને ઝડપી લેવા માટે પોલીસે લુક આઉટ નોટિસ ઇસ્યુ કરવાની કામગીરી ચાલુ કરી છે.
આ પણ વાંચો : વડોદરાની અંજના હોસ્પિટલમાં સરકારી યોજનામાં ગેરરીતિની આશંકાથી આરોગ્ય વિભાગ દોડતું થયું
ડૉ. પ્રશાંત વજીરાની અલગ અલગ હોસ્પિટલમાં દરરોજ 20થી વધુ સર્જરી કરતો હતો
પોલીસે પ્રશાંત વજીરાનીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, પીએમજેએવાય હેઠળ રજીસ્ટર્ડ તબીબ હોવાથી કન્સલટન્ટ તરીકે અમદાવાદની અનેક હોસ્પિટલોમાં એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી સર્જરી કરતો હતો. જેમાં તેને એક એન્જિયોગ્રાફી દીઠ રૂપિયા 800થી 1000 અને એન્જિયોપ્લાસ્ટી માટે તેને 1500થી 2000 રૂપિયા મળતા હતા. એક દિવસમાં તે 20થી વધુ સર્જરી નિયમિત રીતે કરતો હોવાનું પણ જાણવા મળ્યું છે.
ડૉ. પ્રશાંત વજીરાની પૂછપરછમાં અન્ય હોસ્પિટલોમાં ચાલતી ગેરરીતિની મળશે માહિતી
પ્રશાંત વજીરાની માત્ર ખ્યાતી હોસ્પિટલ જ નહીં પણ અમદાવાદ ઉપરાંત, ગુજરાતના અલગ અલગ શહેરોના નામાંકિત હોસ્પિટલોમાં પીએમજેએવાય હેઠળ રજીસ્ટર્ડ તબીબ તરીકે જતો હતો. ખ્યાતી હોસ્પિટલની માફક અન્ય હોસ્પિટલોમાં પણ આ પ્રકારે કૌભાંડ ચાલતા હોવાની માહિતી પ્રશાંત વજીરાની પાસે હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. જેથી તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે.
વર્ષ 2022માં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અકસ્માત મોત કેસની તપાસ થશે
ખ્યાતી હોસ્પિટલમાં વર્ષ 2022માં એક દર્દીનું સર્જરી દરમિયાન શંકાસ્પદ મોત નીપજ્યું હતું. જે તે સમયે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીએ આ કેસની તપાસ યોગ્ય રીતે કરી નહોતી. ત્યારે ડીસીપી ઝોન-1 દ્વારા જણાવવામાં આવ્યું છે કે પોલીસ આ કેસની તપાસ પણ કરશે. જો કે હાલ પોલીસ માટે નોંધાયેલી ત્રણ ફરિયાદની તપાસ પ્રાથમિકતા છે, જે બાદ તપાસ કરાશે.