Surat Corporation : આજે દેવ દિવાળીની ઉજવણી સાથે દેવોની દિવાળી શરુ થઈ અને સાંજે પુરી પણ થઈ જશે, પરંતુ સુરત પાલિકાના અધિકારીઓની દિવાળીની રજા પુરી થઈ નથી તેની અસર સીધી પાલિકાના વહીવટ પર થઈ રહી છે. સુરત પાલિકાના અનેક ઉચ્ચ અધિકારીઓ રજા પર છે તેના કારણે પાલિકાના અનેક ઝોન ભગવાન ભરોસે હોય તેવો માહોલ ઉભો થયો છે. તેમાં પણ હાલ અનેક અધિકારીઓ રજા પર હોવાના કારણે સુરત પાલિકાના નવ ઝોનમાંથી એક જ અધિકારીને ચાર ઝોનનો કાર્યભાર સોંપી દેવામાં આવ્યો છે જે પાલિકામાં ચર્ચાનો વિષય બન્યો છે.
સુરતમાં દિવાળીના વેકેશનનો માહોલ અન્ય ઓફિસમાં પૂરો થઈ ગયો છે પરંતુ સુરત પાલિકાની કચેરીમાં હજી પણ દિવાળીની રજાનો માહોલ પૂરો થયો નથી. દિવાળી દરમિયાન અનેક અધિકારી-કર્મચારીઓએ રજા મુકી હતી. તેમની રજામાં ઘટાડો કરવા માટેની સૂચના આપી દેવામાં આવી હતી. તેમ છતાં હજુ પણ અનેક ઉચ્ચ અધિકારીઓ રજા પર હોવાથી પાલિકાનો વહીવટ પર અસર પડી રહી છે.
સુરત પાલિકાના વરાછા ઝોનમાં પે એન્ડ પાર્કના લાંચ કેસમાં પાલિકાના વિરોધ પક્ષ આપના બે કોર્પોરેટરની ધરપકડ થઈ હતી અને તેમાં કાર્યપાલક ઈજનેર અને એ.આર.ઓ.ની. ભૂમિકા પણ બહાર આવી છે. ત્યારબાદ કાર્યપાલક ઈજનેર કમલેશ વસાવા પાલિકા તંત્રની મંજૂરી વિના જ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ગઈકાલે મોડી રાત્રે તેમનો ચાર્જ લિંબાયત ઝોનના કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલાને સોંપી દેવામા આવ્યો છે.
જોકે, બે દિવસ પહેલાં વરાછા ઝોનના ઝોનલ ચીફ ભગવાગર અગાઉની મંજુર રજા હોવાથી રજા પર ઉતરી ગયાં છે અને સરકારમાંથી આવેલા રાજેન્દ્ર પટેલની સૌથી વધુ રજા મંજુર હોય તેઓ પણ રજા પર છે. આ સાથે મેડિકલ ઈમરજન્સીના કારણે કતારગામના ઝોનલ ચીફ મહેશ ચાવડા પણ રજા પર છે. આવા સમયે મ્યુનિ. કમિશ્નરે રાંદેર ઝોનના ઝોનલ ઓફિસર એવા ડે.કમિશનર ધર્મેશ મિસ્ત્રીને કતારગામ, વરાછા એ ઝોન અને સરથાણા ઝોનના ઝોનલ ચીફનો ચાર્જ સોંપી દીધો છે. પાલિકામાં હાલ અધિકારીઓની અછત છે તેથી પાલિકાના નવ ઝોનમાંથી ચાર ઝોનનો ચાર્જ એક જ ડેપ્યુટી કમિશનરને સોંપી દેવામાં આવ્યો તે ચર્ચાનો વિષય બન્યો છે.