Patan Earthquake : આજે (15 નવેમ્બર 2024) લગભગ રાત્રે 10:15 કલાકે પાટણમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ પાટણથી 13 કિમી દૂર ઉત્તરમાં નોંધાયું છે. જે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ)એ નોંધ્યું છે. આ ભૂકંપના આંચકા સમગ્ર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગ અને માઉન્ટ આબુ સુધી અનુભવાયા હતા. લોકોના જણાવ્યા અનુસાર, 10 સેકેન્ડ સુધી ભૂકંપ અનુભવાયો હતો.
જેમાં મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અંબાજી, ડીસા, ખેરાલુ, પાલનપુર, પ્રાંતિજ, તલોદ, ઈડર, વડાલી, બહુચરાજી, સતલાસણા, હારીજ, સમી સહિતના વિસ્તારોમાં ભૂકંપનો આચંકો અનુભવાયો હતો. મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ ધ્રુજારી અનુભવાઈ છે. હળવદના કોઈબા, ઢવાણા, માલણીયાદ અને આસપાસના વિસ્તારમાં પણ ભૂકંપ આવ્યો હતો. તો કચ્છના રાપર તાલુકાના નાના રણમાં પણ ભૂકંપના આચંકા અનુભવાયા હતા. જેમાં આડેસર, નાંદા સહિતના ગામોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ગાંધીનગર અને અમદાવાદના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
મળતી માહિતી અનુસાર, ભૂકંપના કારણે કોઈ જાનહાનિ થવા પામી નથી. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.