– બાન્દ્રા-ભાવનગર અને ભાવનગર-સુરેન્દ્રનગર ટ્રેન પસાર થવાના સમયે
– રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાનોએ સમયસૂચકતા સાથે તૂટેલા ટ્રેક અંગે માહિતી આપતા ટ્રેકના ફ્રેક્ચરને સુધારી લેતું રેલવે પ્રશાસન
ભાવનગર : બાન્દ્રા-ભાવનગર અને ભાવનગર-સુરેન્દ્રનગર ટ્રેન પસાર થવાના સમયે જ ભાવનગર પરા અને ભાવનગર ટર્મિનસ વચ્ચે રેલવે ટ્રેક તૂટેલો હોવાની જાણ આરપીએફના જવાને કરતા રેલવે પ્રશાસન દ્વારા કરાતા રેલવે પ્રશાસને ટ્રેકના ફ્રેક્ચરને સુધારી લીધું હતું.
આ અંગેની પ્રાપ્ય વિગત અનુસાર આજે સવારે ૭.૫૦ કલાકે, ભાવનગર ટમનસ અને ભાવનગર પરા વચ્ચે સિન્હા કોલોની બેરેક પાસે કિ.મી. ૧૬૮/૦૧ પર એએસઆઈ ભોલાસિંહ તોમર પેસેન્જર સિક્યુરીટી ભાવનગર પરા, રેલ્વે ટ્રેક તૂટેલા હાલતમાં નિહાળ્યો હતો. આથી તેમણે મુખ્ય રેલ્વે ટ્રેક પર ફ્રેકચર અંગે ડિવિઝનલ કંટ્રોલ ઓફિસને તાત્કાલિક જાણ કરી હતી.
આ અંગેની માહિતી મળતા ડિવિઝનલ કંટ્રોલે તાત્કાલિક કાર્યવાહી કરી સંબંધિત અધિકારીઓને જાણ કરી હતી. સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓએ આવશ્યક કાર્યવાહી કરી ફ્રેક્ચરને સુધારી લીધો હતો. ઉક્ત ઘટના સમયે પેસેન્જર ટ્રેન નંબર ૧૨૯૭૧ અને ૦૯૫૭૨ ના પસાર થવાનો સમય હતો. ઉલ્લેખનીય છે કે, મુંબઈના બાન્દ્રાથી તા. ૧૫ને ગુરૂવારે સાંજે ૭.૧૦ વાગ્યે પ્રસ્થાન થયેલ બાન્દ્રા-ભાવનગર ટ્રેન (નં. ૧૨૯૭૧)નો નિર્ધારિત શેડયુલ પ્રમાણે ભાવનગર પરા પહોંચવાનો સમય સવારે ૭.૩૩ વાગ્યાનો અને ભાવનગર ટર્મિનસ પહોંચવાનો સમય સવારે ૮.૦૫ વાગ્યાનો છે. એ જ રીતે, ભાવનગર-સુરેન્દ્રનગર ટ્રેન (નં. ૦૯૫૭૨)ના ભાવનગર રેલવે ટર્મિનસથી પ્રસ્થાનનો સમય સવારે ૮.૨૦ વાગ્યાનો છે. આ જોતા આ સમયે બે ટ્રેન પસાર થવાની હતી. એ જ અરસામાં એએસઆઈ ભોલાસિંહ તોમર દ્વારા યોગ્ય સમયે તાત્કાલિક માહિતી આપીને પ્રશંસનીય કામગીરી કરાઈ હતી. આમ, પશ્ચિમ રેલ્વેના ભાવનગર ડિવિઝનના જાગરૂક કર્મચારીઓ રેલ્વે સુરક્ષા અને સંરક્ષા માટે ખુબ જ યોગદાન આપી રહ્યા છે.
‘આ ટ્રેક પરથી રાતે ટ્રેન પસાર થઈ હતી એટલે કશું અસલામત નહીં’ : રેલવે પ્રશાસન
આ ટ્રેક પરથી રાતે ટ્રેન પસાર થઈ હતી એટલે કશું અસલામત (અનસેફ) નહોતું તેમ ભાવનગર રેલવેના સિનિયર ડિવિઝનલ એન્જિનીયર (કો-ઓર્ડીનેશન) મનીષ મલિકે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રેલવે પ્રશાસન સલામતીને અનુલક્ષીને સતર્કતાથી અને ચુસ્ત રીતે કામ કરે છે. એટલે નિયમિત રીતે પેટ્રોલિંગ થતું હોય છે અને નાની નાની બાબતોનો ખ્યાલ રખાય છે. રૂલ્સને ચુસ્ત રીતે અનુસરવામાં આવે છે.