Dispute Between Sadhu In Amreli : અમરેલીના ખાંભાની રાજધાની ચોકડી પાસે ખોડીયાર આશ્રમમાં આરામ કરી રહેલા ભગુડાના સાધુ પાસે અજાણ્યા બે સાધુઓ આવીને ‘તું ફર્જી સાધુ છે’ તેમ કહીને મારમારી કરી, ભગુડાના સાધુની જટા કાપી વીડિયો બનાવ્યો હતો અને રોકડ સહિત કુલ 21 હજારની લૂંટ કરીને બંને અજાણ્યા સાધુઓ ભાગી ગયા હતા. આ મામલે ભગુડાના સાધુએ ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
સાધુની જટા કાપી વીડિયો વાઈરલ કર્યો
મળતી માહિતી પ્રમાણે, ભગુડાના એક સાધુ ખોડીયાર આશ્રમમાં આરામ કરી રહ્યાં હતા, ત્યારે અર્જુન ગીરી નામના સાધુ અને અન્ય એક અજાણ્યા સાધુ આશ્રમમાં આવ્યાં હતા. આ દરમિયાન આ બંને સાધુએ ભગુડાના સાધુને ‘તું ફર્જી સાધુ છે, તું મુસલમાન હૈ’ કહીને મારામારી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે બંને સાધુએ ભગુડાના સાધુના માથાની જટા કાપીની વીડિયો બનાવી વાઈરલ કર્યો હતો.
આ પણ વાંચો : અમદાવાદમાં વધુ એક હત્યાનો બનાવ, કાગડાપીઠમાં તલવારના ઘા મારી યુવકનું ઢીમ ઢાળી દીધું
21 હજાર લૂંટ કરી બંને સાધુ આરોપી ફરાર
આ પછી બંને આરોપી સાધુઓ ભગુડાના સાધુ પાસે રહેલા 10,805 રોકડ, એક મોબાઈલ અને 300 ગ્રામના કાજુ-બદામ મળીને કુલ 21 હજાર લૂંટ કરીને ભાગી ગયા હતા. આ મામલે ભગુડાના સાધુએ બંને આરોપી સાધુ વિરુદ્ધમાં ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે સુલેહ શાંતિનો ભંગ અને ધાર્મિક માન્યતાઓનું અપમાન કરનારા બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.