સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ વર્ષે Ph.D.રજીસ્ટ્રેશન ફીમાં 300% નો વધારો કર્યો હતો. સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા, NSUI અને બાદમા ABVP દ્વારા કરવામા આવેલા વિરોધને પગલે હવે યુનિવર્સિટીના કુલપતિ ઝૂક્યા હતા અને Ph.D. રજીસ્ટ્રેશન ફીમાં ઘટાડો કરવાની
.
કુલપતિ દ્વારા ફીમાં ઘટાડો કરવામાં આવ્યો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં Ph.D. રજીસ્ટ્રેશન ફીમાં 300 ટકાનો વધારો કરી નાખવામાં આવ્યો હતો એટલે કે ગત વર્ષે જે વિષયોમાં Ph.d. પ્રવેશ પરીક્ષા લેવામાં આવી તેમાં ફી રૂ. 500 હતી તો આ વર્ષે 26 વિષયો કે જેમાં Ph.D. પ્રવેશ પરીક્ષા લેવામાં આવી નથી તેમાં રૂ. 1500 લેવાનુ તો જે 3 વિષયોમાં જ્યા પરીક્ષા લેવામાં આવશે તેમાં ફી રૂ. 2000 કરી નાખવામાં આવી હતી. B ગ્રેડ ધરાવતી આ યુનિવર્સિટીમાં Ph.D. કરવું મોંઘુ બનતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારે વિદ્યાર્થીઓની સમસ્યા રજૂ કરવામાં આવતા સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે સૌપ્રથમ કુલપતિને રજૂઆત કરી હતી. ત્યારબાદ NSUIએ કુલપતિની ગેરહાજરીમાં રજીસ્ટ્રારનો ઘેરાવ કર્યો હતો અને તેથી વિદ્યાર્થી નેતાઓની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. બાદમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ કુલપતિને ફી ઘટાડવા માટે અલ્ટીમેટ આપ્યું હતું. આ દરમિયાન આજે તાત્કાલિક કુલપતિ દ્વારા ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
ફીમાં ઘટાડો થતાં વિદ્યાર્થીઓને રાહત થઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અધ્યક્ષ ધરમ સોઢીયાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા Ph.D. રજીસ્ટ્રેશન ફીમાં ધરખમ વધારો કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેથી, અમે યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરી હતી અને ફી ઘટાડો કરવા માટે અલ્ટીમેટમ આપ્યું હતું. આ દરમિયાન તુરંત જ કુલપતિએ ફીમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે, જે અંગેનો પરિપત્ર પણ બહાર પાડવામાં આવશે. ફીમાં ઘટાડો થતાં વિદ્યાર્થીઓને રાહત થઈ છે.
224 બેઠક સામે 2212 વિદ્યાર્થીઓએ દાવેદારી નોંધાવી અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા Ph.D.માં એડમિશન માટે GCAS મારફત ઓનલાઈન ફોર્મ ભરવાનું ગત 1 ઓક્ટોબરથી શરૂ થયું હતું ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મોડેમોડેથી 5 ઓક્ટોબરના પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો કે, જે વિદ્યાર્થીઓએ NET એટલે કે નેશનલ એલીજીબીલીટી ટેસ્ટ પરીક્ષા પાસ કરી હશે એવા વિદ્યાર્થીઓને જ Ph.D.માં એડમિશન મળશે. જેનાથી ભૂતકાળમાં Ph.D.ની પ્રવેશ પરીક્ષા પાસ કરી છે એવા હજારો વિદ્યાર્થીઓએ પાસ કરેલી પરીક્ષા રદ ગણાશે અને આ રીતે વિદ્યાર્થીઓના ભવિષ્યને દાવ ઉપર મૂકી અને ગાઈડસની મનમાનીને આધીન બની યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડૉ. કમલ ડોડિયા અને કાર્યકારી કુલસચિવ ડૉ. રમેશ પરમારે નિર્ણય કર્યો હતો ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 29 વિષયમાં Ph.D. કરવા માટે 224 બેઠક સામે 10 ગણા વધુ એટલે કે 2212 વિદ્યાર્થીઓએ દાવેદારી નોંધાવી હતી. નેશનલ એલિજિબિલિટી ટેસ્ટનું પરિણામ જાહેર થતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 26 વિષયમાં પ્રવેશ માટે GCAS મારફત ફોર્મ ભરતા 2212 વિદ્યાર્થીઓ પાસેથી નેટની પરીક્ષામાં પાસ થયાનું સર્ટિફિકેટ ઓનલાઇન અપલોડ કરવાનું કહેવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 190થી વધુ NET પાસ વિદ્યાર્થીઓએ Ph.D. કરવા માટે રજીસ્ટ્રેશન ફી ભરી ફોર્મ ભર્યું છે. જોકે, રજીસ્ટ્રેશન ફી રૂ. 500થી વધારી રૂ. 1500 કરી નાખવામાં આવી હતી. ફીમાં એકસાથે 300 ટકાનો વધારો થતા વિદ્યાર્થીઓમાં આંતરિક રોષ ફાટી નીકળ્યો હતો.
એક પણ સીટ ન હોવા છતાં 14 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં Ph.D. પ્રવેશ પરીક્ષાના કો-ઓર્ડીનેટર ડૉ. શૈલેષ પરમારે અગાઉ જણાવ્યું હતું કે, ગત વર્ષે Ph.D.માં પ્રવેશ પરીક્ષા લેવામાં આવી હતી અને તેનો ખર્ચ અંદાજે રૂ. 24 લાખ જેટલો થયો હતો અને તેની સામે વિદ્યાર્થીઓની ફી થકી આવક માત્ર રૂ. 70,000 થઈ હતી. જેથી, વધુ પડતા ખર્ચને પહોંચી વળવા માટે Ph.D.ની રજીસ્ટ્રેશન ફીમાં વધારો કરવામાં આવ્યો છે. આ વખતે તો 29માંથી માત્ર ત્રણ જ વિષયમાં Ph.D.ની પ્રવેશ પરીક્ષા લેવાની છે. 26 વિષયમાં તો વિદ્યાર્થીઓએ માત્ર રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ડિપાર્ટમેન્ટલ રિસર્ચ કમિટી સમક્ષ પોતાનો રિસર્ચ પ્રપોઝલ રજૂ કરવાનો છે. યુનિવર્સિટીમાં 29 વિષયમાં 224 જગ્યા ઉપર Ph.D. કરવા માટે 2226 વિદ્યાર્થીઓએ GCAS પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં તત્વજ્ઞાન અને આંકડાશાસ્ત્ર વિષય એવા છે કે, જેમાં Ph.D. માટે ગાઈડ હેઠળ એક પણ સીટ ન હોવા છતાં 14 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. મતલબ એ થયો કે, GCAS પર રજીસ્ટ્રેશન કરાવતા આ 14 વિદ્યાર્થીઓની ફી રાજ્ય સરકારે ઉઘરાવી લીધી પણ તેને એડમિશન નહીં મળે.
29 વિદ્યાર્થીઓને Ph.D.માં એડમિશન મળવા પાત્ર છે આ ઉપરાંત 2212 વિદ્યાર્થીઓમાંથી 29 વિદ્યાર્થીઓને Ph.D.માં એડમિશન મળવા પાત્ર છે પરંતુ, તેમાંથી ત્રણ વિષયો એટલે કે રૂરલ સ્ટડીઝ, ફાર્મસી અને ફિઝિયોથેરાપી એવા વિષયો છે કે, જેમાં નેશનલ એલીજીબીલીટી ટેસ્ટ લેવામાં આવતી નથી. જેથી, આ ત્રણ વિષયના 62 વિદ્યાર્થીઓની દિવાળી પછી Ph.D. પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે, હવે બાકીના 26 વિષયમાં 2150 વિદ્યાર્થીઓને Ph.D.માં એડમિશન મળવાપાત્ર છે પરંતુ, તેઓ NET પરીક્ષામાં પાસ થશે તો મેરીટના આધારે Ph.D.માં પ્રવેશ આપવામાં આવશે.
કમ્પ્યુટર પર ઓનલાઈન પરીક્ષા યોજાશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા NET પરીક્ષા પાસ હોય એવા વિદ્યાર્થીઓને જ Ph.D.મા એડમીશન મળશે એવા નિર્ણયથી અગાઉ Ph.D. પ્રવેશ પરીક્ષા પાસ કરી લીધી છે એવા તમામ વિદ્યાર્થીઓને અન્યાય થયો છે. ગાઇડના અભાવે ગત વર્ષે Ph.D.માં એડમીશન ન મેળવી શકતા વિદ્યાર્થીઓને આ વર્ષે પણ પ્રવેશ ન મળતા તેઓમાં ભારે કચવાટ ફેલાયો છે. NET પાસને જ એડમિશનથી ગાઈડને લીલા લેર અને વિદ્યાર્થીઓને નુકસાની ભોગવવાનો વખત આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 3 વિષયની પીએચ.ડી. પ્રવેશ પરીક્ષા મંગળવારે કોમ્પ્યુટર સેન્ટર ઉપરથી લેવાશે જેમાં રૂરલ સ્ટડીઝ, ફાર્મસી અને ફિઝિયોથેરાપીમાં 29 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે પરીક્ષા બપોરે 12 થી 2 વાગ્યા દરમિયાન યોજવાની છે જે માટેનો રિપોર્ટિંગ ટાઈમ 11 વાગ્યાનો છે. કમ્પ્યુટર પર ઓનલાઈન પરીક્ષા યોજાશે.
ક્રમ | વિષય | પીએચ.ડી. સીટ |
1 | હિન્દી | 31 |
2 | એજ્યુકેશન | 31 |
3 | કોમર્સ | 28 |
4 | સંસ્કૃત | 19 |
5 | અર્થશાસ્ત્ર | 13 |
6 | કોમ્પ્યુટર સાયન્સ | 10 |
7 | ફિઝિક્સ | 9 |
8 | ગુજરાતી | 8 |
9 | લો | 7 |
10 | સમાજશાસ્ત્ર | 7 |
11 | કેમેસ્ટ્રી | 6 |
12 | ફાર્મસી | 6 |
13 | મનોવિજ્ઞાન | 6 |
14 | બિઝનેસ મેનેજમેન્ટ | 5 |
15 | એપ્લાયડ ફિઝિક્સ | 4 |
16 | ઇતિહાસ | 4 |
17 | ફિઝિયોથેરાપી | 4 |
18 | ઝૂ લોજી | 4 |
19 | માઇક્રો બાયોલોજી | 4 |
20 | અંગ્રેજી | 3 |
21 | ફૂડ એન્ડ ન્યુટ્રીશન | 3 |
22 | પોલિટિકલ સાયન્સ | 2 |
23 | રૂરલ સ્ટડીઝ | 2 |
24 | ફિઝિકલ એજ્યુકેશન | 2 |
25 | બોટની | 2 |
26 | જનરલ હોમ સાયન્સ | 1 |
27 | સોશિયલ વર્ક | 1 |
28 | હ્યુમન રાઇટ્સ | 1 |
29 | વોકલ | 1 |
કુલ | 224 |
આ 11 સરકારી યુનિવર્સિટીમાં Ph.D.માં પ્રવેશ માટે ફોર્મ ભરાયા છે
- ગુજરાત યુનિવર્સિટી – અમદાવાદ
- વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી – સુરત
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી – રાજકોટ
- એમ. એસ. યુનિવર્સિટી – વડોદરા
- ક્રાંતિગુરુ શ્યામજીકૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી – ભુજ
- સરદાર પટેલ યુનિવર્સિટી – આણંદ
- મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી
- હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી – પાટણ
- ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી – જૂનાગઢ
- બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી- અમદાવાદ
- ગોવિંદ ગુરુ યુનિવર્સિટી – ગોધરા