સુરેન્દ્રનગર ખાણ ખનિજ કચેરીના જુનિયર ક્લાર્ક રૂ.10,000ની લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી જવા પામી હતી. એસીબી ટીમે સુરેન્દ્રનગર બહુમાળી ભવન ખાણ ખનીજ કચેરીના ગેટ પાસેથી આ જુનિયર ક્લાર્કને રૂ. 10,000ની લાંચ લેતા રંગે હાથ દબોચી લીધો હતો.
.
સુરેન્દ્રનગર ખાણ ખનિજ કચેરીના જુનિયર ક્લાર્ક અમૃત ઉર્ફ આનંદ કેહરભાઇ રૂ.10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો. જેમાં આ કામના ફરિયાદીએ સીલીકા રેતીની લીઝની માંગણી કરી હતી. જે લાંબાગાળાથી પેન્ડીંગ હોય તેના માટે જરૂરી માહિતી મેળવવા માટે ફરિયાદીએ આરટીઆઈ અન્વયે માહીતી માંગી હતી. જે માહિતી કચેરી તરફથી અધૂરી મળી હતી, અને બાકી રહેલી માહિતી પૂરી કરી આપવા સારુ આ કામના આક્ષેપિત ખાણ ખનિજ કચેરીના જુનિયર ક્લાર્ક અમૃત ઉર્ફ આનંદ કેહરભાઇ જેઓ આ માહીતી કચેરી ખાતે તૈયાર કરવાની પ્રક્રીયા કરતા હોય તેમણે રૂ. 10,000 લાંચની માંગણી આ કામના ફરિયાદી પાસે કરી હતી.
જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એ.સી.બી જામનગરનો સંપર્ક કરતા ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવેલા લાંચના છટકા દરમિયાન આ કામના આરોપી અમૃત ઉર્ફ આનંદ કેહરભાઇ લાંચ પેટે રૂ.10,000 સ્વીકારી પકડાઈ જતા એને ઝબ્બે કરી વધુ કાર્યવાહી હાથ ઘરી હતી. એસીબીની આ ટ્રેપમાં ટ્રેપિંગ અધિકારી પીઆઇ આર.એન.વિરાણી, એ. સી.બી. (જામનગર) અને સુપરવિઝન અધિકારી તરીકે કે.એચ.ગોહિલ (ઇન્ચાર્જ મદદનિશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ) સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો.