વડોદરાઃ નાગરવાડા વિસ્તારના ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની માથાભારે બાબર પઠાણ અને તેની ટોળકીએ કરેલી હત્યાના બનાવને પગલે જબરદસ્ત લોકઆક્રોશ છવાયો હતો અને પોલીસને સ્થિતિ સંભાળતાં નાકેદમ આવ્યો હતો.
ભાજપના આગેવાનના પુત્ર તપન પરમારની હત્યાના બનાવને પગલે ભાજપના શહેર પ્રમુખ,ઘડિયાળી પોળમાં રહેતા પૂર્વ મંત્રી,માંજલપુરના ધારાસભ્ય,કોર્પોરેટરો, સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.આ ઉપરાંત માથાભારે બાબર પઠાણ અને તેના સાગરીતોની દાદાગીરીને કારણે રોષે ભરાયેલા સ્થાનિક રહીશો પણ મોટી સંખ્યામાં આવી ગયા હતા.
લગભગ ત્રણ કલાક સુધી કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે લોકટોળાએ હલ્લાબોલ કર્યો હતો.તેઓ બાબર પઠાણને ફાંસી આપો..અમને સોંપી દો..તેવી માંગણી કરતા સૂત્રોચ્ચાર કરતા હતા.એકતબક્કે કેટલીક મહિલાઓએ પોલીસ સામે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને બંગડી ફેંકતા ઉત્તેજના સર્જાઇ હતી.આ તબક્કે પોલીસ સ્ટેશનની બહાર ટ્રાફિક જામ થતાં પોલીસ ગોઠવવી પડી હતી.
ડીસીપી પન્ના મોમાયા સહિતના અધિકારીઓએ પોલીસ સ્ટેશનના ગેટ પાસે કિલ્લેબંધી કરાવી હતી અને બીજીતરફ લોકોને સમજાવવાનો સતત પ્રયાસ કર્યો હતો.તેમણે કાયદો હાથમાં લઇ ના શકાય પણ કાયદો તેનું કામ જરૃરથી
કરશે તેવી વાંરવાર હૈયાધારણ આપી હતી.લોકોએ મૃતદેહ નહિ સ્વીકારીએ તેવી પણ ચીમકી આપી હતી.