નવી દિલ્હી19 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણ ભયજનક સ્તરે પહોંચી ગયું છે. બીજી તરફ પાકિસ્તાનના બે શહેરો લાહોર અને મુલતાનમાં વાયુ પ્રદૂષણ 2000 AQI (એર ક્વોલિટી ઈન્ડેક્સ)ને પાર કરી ગયું છે. આને ધ્યાનમાં રાખીને, પાકિસ્તાન સરકારે આ બંને શહેરોમાં સંપૂર્ણ લોકડાઉન લગાવી દીધું છે.
દર વર્ષે શિયાળામાં સિંધુ-ગંગાના મેદાનોમાં વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તરને પાર કરે છે. ઉત્તર અને મધ્ય ભારતમાં, દિવાળી પછી પરાલી સળગાવવાની પ્રક્રિયા શરૂ થાય છે. જેના કારણે પ્રદુષણમાં વધારો થાય છે. હાલમાં, નાસા દ્વારા જાહેર પાડવામાં આવેલી સેટેલાઇટ ઇમેજમાં, ભારત અને પાકિસ્તાનનો મોટો ભાગ ધુમ્મસની ચાદરથી ઢંકાયેલો જોવા મળે છે.
પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની ધૂળ વધારી રહી છે દિલ્હીનું પ્રદૂષણ શિયાળામાં, દિલ્હીનો 72% પવન ઉત્તર પશ્ચિમ તરફથી આવે છે. આ પવનો સાથે રાજસ્થાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી ધૂળ દિલ્હી-NCR વિસ્તારમાં પહોંચે છે. તેમજ, થર્મલ ઇન્વર્ઝનને કારણે, પ્રદૂષણ વાતાવરણના ઉપરના સ્તર સુધી ફેલાઈ શકતું નથી. દિલ્હીની આસપાસના વિસ્તારોમાં તે ઝડપથી વધે છે.
છેલ્લા 20 વર્ષથી, પેશાવરથી ઢાકા સુધી શિયાળાની ઋતુ દરમિયાન ધુમ્મસનું 3 કિમી જાડું પડ સતત જોવા મળે છે. શિયાળાની ઋતુમાં આ સ્તર વધુ ગાઢ બને છે. દિલ્હીનો વિસ્તાર લેન્ડ લોક છે, એટલે કે તેની આસપાસ માત્ર જમીન છે, સમુદ્ર નથી. આવી સ્થિતિમાં અહીંનું વાયુ પ્રદૂષણ ગંભીર સ્તરને પાર કરી જાય છે.
દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું મુખ્ય કારણ થર્મલ ઇન્વર્ઝન છે
- સામાન્ય રીતે ઉંચાઈ વધવાની સાથે તાપમાનમાં ઘટાડો થાય છે.
- જ્યારે ઉંચાઈમાં વધારા સાથે તાપમાન પણ વધે છે, ત્યારે તેને થર્મલ ઇન્વર્ઝન કહેવામાં આવે છે.
- આવું એટલા માટે થાય છે કારણ કે ગરમ હવાનો એક સ્તર ઠંડી હવાના સ્તર પર બેસે છે.
- દિલ્હીમાં શિયાળાના મહિનાઓ દરમિયાન, ધુમ્મસ ગરમ હવાના સ્તરની નીચે, જમીનની નજીક ફસાઈ જાય છે.
- વધતી જતી ઠંડીને કારણે તે ઉપરની તરફ ફેલાઈ શકતું નથી અને પ્રદૂષણના કણો તેમાં ફસાઈ જાય છે.
વાયુ પ્રદૂષણને રોકવા માટે ભારત સરકારની પહેલ
- ખેડૂતોને પરાલી સળગાવતા રોકવા માટે, સરકારે ક્રોપ રેસિડ્યુ મેનેજમેન્ટ (CRM) યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ખેડૂતોને સુપર SMS એટેચમેન્ટ, ટર્બો હેપ્પી સીડર, રોટાવેટર અને સુપરસીડર ખરીદવા સબસીડી આપવામાં આવે છે. આ મશીનો પરાલીને સળગાવ્યા વિના તેને દૂર કરવામાં મદદરૂપ થાય છે.
- 18 નવેમ્બરે સુપ્રીમ કોર્ટની ઝાટકણી પછી, દિલ્હી સરકારે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)ના ચોથા તબક્કાને લાગુ કરી દીધો છે. આ અંતર્ગત થર્મલ પાવર પ્લાન્ટ બંધ કરવા અને બાંધકામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ જેવા પગલાં લેવામાં આવે છે.
- આ ઉપરાંત, દિલ્હી સરકાર ‘પ્રદૂષણ સામે યુદ્ધ’, BS-IV થી BS-VI માં ફેરફાર, ઇલેક્ટ્રિક વાહનો (EV), ઓડ-ઇવન નીતિ દ્વારા પ્રદૂષણને નિયંત્રિત કરવા માટેના પગલાં પણ લે છે.
અમેરિકા-બ્રિટને જાહેર પરિવહનને પ્રોત્સાહન આપીને હવાના પ્રદૂષણને નિયંત્રિત કર્યું
- યુએસ સરકારે 1970માં ક્લીન એર એક્ટ પસાર કરીને એન્વાયર્નમેન્ટલ પ્રોટેક્શન એજન્સી (EPA)ની સ્થાપના કરી હતી. આ એજન્સીને પ્રદૂષણ નિયંત્રણ માટે કાયદાકીય સત્તા આપવામાં આવી હતી. EPA એ કડક ધોરણો અપનાવીને વાહન પ્રદૂષણને સફળતાપૂર્વક નિયંત્રિત કર્યું.
- EPA એ 1970 ના દાયકામાં ગેસોલિનમાં સીસાને નાબૂદ કરવાનું શરૂ કર્યું અને 1995 પછી લીડ ગેસોલિન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો. પરિણામે, 1980 અને 1999 ની વચ્ચે હવામાં સીસાના સ્તરમાં 94% ઘટાડો થયો.
- બ્રિટન, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને સ્વીડનના ઘણા શહેરોમાં વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે જાહેર પરિવહન સંપૂર્ણપણે મફત કરવામાં આવ્યું છે. લક્ઝમબર્ગ વિશ્વમાં મફત જાહેર પરિવહન શરૂ કરનાર પ્રથમ હતું.
- મેક્સિકોએ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે રાજધાની મેક્સિકો સિટીમાં 1979માં ઓડ ઈવન યોજના શરૂ કરી હતી. બાદમાં વિશ્વના અન્ય ઘણા દેશોએ આ મોડલ અપનાવ્યું. દિલ્હી સરકારે 2016માં આ મોડલ અપનાવ્યું હતું.
- થોડા વર્ષો પહેલા સુધી ચીનમાં વાયુ પ્રદૂષણ એક મોટી સમસ્યા હતી. ચીને તેના પર કાબુ મેળવવ વાયુ પ્રદૂષણ નિયંત્રણ કાર્યક્રમોની સિરીઝ અમલમાં મૂકી. આ અંતર્ગત, બેઇજિંગમાં શહેરી રેલ વિસ્તરણને પ્રોત્સાહન, હાઈ-રિઝોલ્યુશન સેટેલાઇટ રિમોટ સેન્સિંગ, લેસર રડાર અને આધુનિક ટેકનિકનો ઉપયોગ અને મોર્ડન ઈન્ટીગ્રેટેડ એર ક્વોલિટી મોનિટરિંગ નેટવર્ક બનાવ્યું.