થોરાળા પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી
વધુ ત્રણ જણા પાસેથી ઓનલાઇન લોન કરાવી આપવાના બહાને રૂા. ૬૭ હજાર ખંખેર્યા હતા
રાજકોટ: ઓનલાઇન લોન કરાવી આપી છેતરપિંડી કરતાં મહાવીરસિંહ જીતેન્દ્રસિંહ સોલંકી સામે થોરાળા પોલીસ મથકમાં એક યુવાન સાથે એક લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાયા બાદ હવે ભક્તિનગર પોલીસ મથકમાં વધુ ત્રણ જણા સાથે કુલ રૂા. ૬૭,૧૦૫ની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. થોરાળા પોલીસે તેની ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી છે.
મવડી પાળ રોડ પર પ્રધાનમંત્રી આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા અને નારાયણનગર મેઇન રોડ પર ત્રિશૂલ ચોક પાસે વેલ્ડિંગની દુકાન ધરાવતા વિમલભાઇ હસમુખભાઈ સિધ્ધપુરા (ઉ.વ.૪૨)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે આજથી પાંચ-છ માસ પહેલા તેની દુકાન નજીક આરોપી આવ્યો હતો અને લોનની જરૂરિયાત હોય તો કહેજો તેમ કહ્યું હતું. પરંતુ તે વખતે તેને લોનની કોઇ જરૂર ન હતી. ગત જુલાઇ માસમાં તેને રૂા. ૧ લાખની જરૂર પડતાં આરોપીને જાણ કરી હતી.
જેથી આરોપીએ તેના આધાર કાર્ડ, પાન કાર્ડ લઇ સીબીલ સ્કોર ચેક કરી, તેના મોબાઈલમાં એક એપ ડાઉનલોડ કરાવી તેમાં પ્રોસેસ કર્યા બાદ તેનું ગૂગલ પે એકાઉન્ટ ખોલાવી, પીન જાણી રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. ત્યાર પછી એપ કામ કરતી નથી તેમ કહી તે એપ ડીલીટ કરાવી નાખી હતી.
થોડા દિવસ બાદ ફરીથી આરોપીએ તેના ડોક્યુમેન્ટ લઇ બીજી બે એપ ડાઉનલોડ કરાવી ફરીથી બધી પ્રોસીજર કર્યા બાદ બંને એપ ડીલીટ કરી જતો રહ્યો હતો. એક મહિના પછી બેન્ક તરફથી તેને પેનલ્ટીના કટકે-કટકે રૂા.૩૦૦૦ કપાઇ ગયાના મેસેજ આવતા આરોપીનો સંપર્ક કર્યો હતો. તે વખતે આરોપીએ કહ્યું કે હું ઓનલાઇન પ્રોસેસ કરી નાખુ છું, હવે પછી બેન્કના કોલ કે મેસેજ નહીં આવે. અઠવાડિયા પછી આરોપીએ મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી નાખ્યો હતો.
બેન્કમાં જઇ તપાસ કરતાં તેના નામે ત્રણ લોન કરાવી તેના કુલ રૂા. ૩૩,૧૯૫ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધાની માહિતી મળી હતી. જેથી ઓનલાઇન ફરિયાદ કરી હતી. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું હતુ કે આરોપીએ આ જ રીતે શ્રધ્ધા પાર્ક શેરી નં. ૨માં રહેતા આનંદ મુકેશભાઈ કાચા સાથે રૂા. ૨૨,૫૪૦ની અને કેવડાવાડી શેરી નં. ૧૭ ખાતે રહેતા આનંદભાઈ નરશીભાઈ પાણખણીયા સાથે રૂા. ૧૧,૩૭૦ની છેતરપિંડી કરી છે. જેથી ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે હવે આરોપીએ આ રીતે અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.