Bogus Doctors Hospital In Surat: સુરતમાં પાંડેસરા-બમરોલી રોડની કર્મયોગી સોસાયટીમાં બે બોગસ સહિત 3 તબીબ દ્વારા જનસેવા મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલના ઉદ્ઘાટન કરાયું હતું. જેની આમંત્રણ પત્રિકામાં ચીફ ગેસ્ટ તરીકે મનપા કમિશનર અને અતિથિ વિશેષ તરીકે પોલીસ કમિશનર અને જોઇન્ટ પોલીસ કમિશનરના નામની સાથે જોઇન્ટ પોલીસ કમિશનરની ઉદ્ઘાટનમાં હાજરી શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
જોઇન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સ હોસ્પિટલના ઉદ્ઘાટનમાં હાજર આપી
રવિવારે (17મી નવેમ્બર) બમરોલી રોડની કર્મયોગી સોસાયટીમાં જનસેવા મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલનું ઉદ્ઘાટન થયું હતું. હોસ્પિટલના ઉદ્ઘાટન સમારોહની આમંત્રણ પત્રિકામાં ચીફ ગેસ્ટ તરીકે મનપા કમિશનર શાલિની અગ્રવાલ અને અતિથિ વિશેષ તરીકે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌત અને ક્રાઈમ બ્રાંચના જોઇન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સનો ઉલ્લેખ હતો. શહેરના ત્રણ ઉચ્ચ અધિકારી પૈકી એક માત્ર જોઇન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સ ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહ્યા હતા અને હોસ્પિટલના મુખ્ય ડોક્ટરની ખુરશી ઉપર બેઠેલા નજરે પડયા હતા.
તબીબી આલમમાં ભારે રોષ
આશ્ચર્યની બાબત એ છે કે હોસ્પિટલના ત્રણ મુખ્ય ડોક્ટર પૈકી બબલુ રામઆશ્રય શુક્લા, રાજારામ દુબે સામે બોગસ ડોક્ટરનો પોલીસ કેસ નોંધાયો છે. જ્યારે ડો. જી.પી મિશ્રા સામે દારૂની હેરાફેરીનો કેસ નોંધાયો છે. લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરતા બે બોગસ ડોક્ટર મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલના ઉદ્ઘાટન સમારોહમાં જોઇન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સ કઇ રીતે હાજર રહ્યા તે મુદ્દો હાલ શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેમાં પણ ખાસ કરીને શહેરભરના તબીબી આલમમાં આમંત્રણ પત્રિકા જે ત્રણ ઉચ્ચ અધિકારી એવા મનપા કમિશનર, પોલીસ કમિશનર અને જોઇન્ટ પોલીસ કમિશનરના નામ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
હોસ્પિટલની રિબીન ગુજરાત ભાજપના કદાવર નેતાના રાઇટ હેન્ડે કાપી હતી
જનસેવા મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલમાં બે બોગસ ડોક્ટર અને એક ડોક્ટર સામે દારૂની હેરાફેરીનો કેસ હોવાથી હોસ્પિટલ શરૂ થવાની સાથે જ વિવાદ વકર્યો છે. બીજી તરફ હોસ્પિટલના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત મહેમાન તરીકે શહેરના ત્રણ ઉચ્ચ સરકારી અધિકારીના નામ હતા. જે પૈકી એક માત્ર જોઇન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સ હાજર રહ્યા હતા. પરંતુ આશ્ચર્યની બાબત એ છે કે હોસ્પિટલની રિબીન ગુજરાત ભાજપના કદાવર નેતાના રાઇટ હેન્ડે કાપી હતી અને સોશિયલ મીડિયામાં વાયરલ ફોટોમાં તેઓ નજરે પડી રહ્યા છે. સૂત્રોના જણાવ્યાનુસાર, જોઇન્ટ પોલીસ કમિશનર પણ કદાવર નેતાના રાઇટ હેન્ડના કહેવાથી જ હાજર રહ્યા હતા.