અમદાવાદ,બુધવાર
એસ જી હાઇવે પર આવેલા બીએમડબલ્યુ કારના શો રૂમ પર ટ્રેલરમાં ત્રણ ગાડી ઉતરાવામાં આવેલા ડ્રાઇવરને શો રૂમના સ્ટાફનો માણસ હોવાનું કહીને ટ્રેલરમાંથી ત્રણ કાર ઉતાર્યા બાદ કારને શો રૂમના સ્ટોક યાર્ડ પર મુકવા જવાનું કહીને એક કાર લઇને ગઠિયો ફરાર થઇ ગયા હોવાની ફરિયાદ સરખેજ પોલીસ મથકે નોંધવામાં આવી છે. આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે ઉત્તરપ્રદેશમાં રહેતા રાજકુમાર યાદવ તમિલનાડુથી તેમના ટ્રેલરમાં છ બીએમડબલ્યુ કાર લઇને ગુજરાત આવ્યા હતા. જે પૈકી ત્રણ કાર સુરતના શો રૂમમાં ઉતારીને બાકીને ત્રણ કાર લઇને મંગળવારે વહેલી સવારે એસ જી હાઇવે પર આવેલા બીએમડબલ્યુના શો રૂમની સામે આવ્યા હતા.
જ્યાં ટ્રેલર પાર્ક કરીને સુતા હતા ત્યારે એક વ્યક્તિ ત્યાં આવ્યો હતો. તેણે પોતાની ઓળખ શો રૂમના સ્ટાફ તરીકે આપીને ટ્રાફિક ન થાય તે માટે ટ્રેલરને બ્લુ લગુન પાર્ટ પ્લોટ પાસે મુકાવ્યું હતું. જ્યાંથી કારના કાગળો તપાસીને તમામ કારને ત્યાંથી ઉતારીને સ્ટોક યાર્ડમાં મુકવા જવાનું કહીન એક કાર લઇને ગયો હતો. તેણે કહ્યું હતુ કે બાદમાં અન્ય કાર લેવા આવશે. પરંતુ, મોડે સુધી તે પરત ન આવતા રાજકુમાર યાદવ તપાસ કરવા માટે શો રૂમ પર ગયા હતા.ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે કોઇ વ્યક્તિ બીએમડબલ્યુના શો રૂમના સ્ટાફના નામે રૂપિયા ૬૦ લાખની કિંમતની કાર લઇને ફરાર થઇ ગયો હતો. આ અંગે સરખેજ પોલીસે તપાસ શરૂ કરી છે.