Vadodara : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અટલાદરા-કલાલી ખિસકોલી સર્કલ પાસે મૂળ યોજના હેઠળ બીએસયુપી પ્રોજેક્ટ હેઠળ શહેરી ગરીબો માટે મકાનનો બાંધવામાં આવ્યા છે. આ મકાનો ઘણા લાંબા સમયથી ફાળવ્યા વગરના પડી રહ્યા છે.
સામાજિક કાર્યકરના કહેવા મુજબ આશરે 2200 મકાનોમાંથી 200 મકાનો ફાળવ્યા છે. જે મકાનો ફાળવ્યા વિનાના પડી રહ્યા છે, ત્યાં અસંખ્ય મકાનોમાંથી બારી-બારણા, પાણીના નળ, લાઇટિંગ વગેરે ચોરાઈ ગયા છે. એટલું જ નહીં રાત્રિના સમયે અહીં અસામાજિક પ્રવૃત્તિઓ પણ થતી હોવાના આક્ષેપો તેમણે કર્યા છે. આ મકાનો હાલ અવાવરું હાલતમાં હોવાથી પોલીસ દ્વારા પણ અહીં સઘન ચેકિંગ થવું જોઈએ તેવી માંગણી કરતા તેમણે ઉમેર્યું છે કે મકાનોની જાળવણી નહીં કરવામાં આવતા મકાનોની હાલત બદતર થઈ ગઈ છે.
વડોદરા શહેરમાં મકાનો વગરના અસંખ્ય શહેરી ગરીબો છે, તેઓને આ મકાનો ફાળવી આપવા તેમણે માગણી કરી છે . જે.એન.એન.યુ.આર.એમ. યોજના અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા બી.એસ.યુ.પી પ્રોજેક્ટ હેઠળ મિશન પિરિયડ 2005-06 થી 2011-12 ના એમ કૂલ 7 વર્ષના ગાળામાં પાંચ ફેઝ હેઠળ કુલ 21696 આવાસો તથા રાજીવ આવાસ યોજના હેઠળ 1460 આવાસો બનાવવા માટેની મંજુરી મળી હતી. બી.એસ.યુ.પી પ્રોજેક્ટ હેઠળ અગાઉ આવાસોની ફાળવણી માટે હયાત સ્લમ પોલિસી આધારિત લાભાર્થી નક્કી કરવા, વહીવટી તેમજ નાણાકીય બાબતોની નીતિ નક્કી કરવામાં આવેલ છે. અટલાદરા કલાલીના મકાનો માટે હજી લાભાર્થી નક્કી કરવામાં આવ્યા નથી, અને ચોક્કસ નીતિ નક્કી કરવા દરખાસ્ત હજુ અનિર્ણિત છે, તેના કારણે મકાનોની ફાળવણી થઈ શકતી નથી તેમ જાણવા મળ્યું છે.