સુરતના અડાજણ ખાતે રહેતી કિશોરીને ભગાડીને મુંબઈ લઈ જઈ દુષ્કર્મ આચરવાના કેસમાં મુંબઈના જોન અબ્બાસને કોર્ટે 20 વર્ષની સખત કેદની સજાનો હુકમ ફરમાવ્યો હતો. જ્યારે કિશોરીને ભગાડવામાં મદદ કરનાર મિત્ર અબ્દુલ હકીમને કોર્ટે 5 વર્ષની સખત કેદની સજા કરી હતી.
.
કિશોરીનો કબજો પરિવારને સોંપ્યો અડાજણ ખાતે પરિવાર સાથે 12 વર્ષીય કિશોરી રહેતી હતી. 23 જાન્યુઆરી, 2024ના રોજ વહેલી સવારે કિશોરીએ નાના ભાઈને દૂધ પીવડાવવાના બહાને માતાને ઉઠાવી હતી. ત્યારબાદ અચાનક કિશોરી તેણીની માતાનો ફોન લઈ ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી. પરિવારે તેણીની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે, કિશોરી નવી મુંબઈ વાસી ખાતે બગીચામાં એક છોકરા સાથે છે. જેથી, આ અંગે મુંબઈ પોલીસને જાણ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસે કિશોરી અને તેની સાથેના છોકરા જોન અબ્બાસ અફઝલ હુસૈન કાઝમી સૈયદને પકડી પાડ્યા હતા. ત્યારબાદ કિશોરીનો કબજો પરિવારને સોંપ્યો હતો.
આરોપીઓ અપહરણના ગુનામાં જામીનમુક્ત પણ થઈ ગયા પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતુ કે, કિશોરી સાથે સોશિયલ મીડિયાના ઈન્સ્ટ્રાગ્રામ ઉપર જોન અબ્બાસ સાથે મિત્રતા થઈ હતી. આ દરમિયાન જોન અબ્બાસ મિત્ર અબ્દુલ હકીમ ઉર્ફે મુસ્તુફા અબ્દુલ વહાબ શેખની મદદથી કિશોરીને તેણીના ઘરેથી ભગાડી ગયો હતો અને ટ્રેન મારફતે મુંબઈ લઈ ગયો હતો. રાંદેર પોલીસ સ્ટેશનમાં જોન અબ્બાસ અને અબ્દુલ હકીમ સામે અપહરણ અને પોક્સોની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસની ઈન્સાફી કાર્યવાહી સુરતની પોક્સોની સ્પેશિયલ અદાલતમાં ચાલી રહી હતી. આ દરમિયાન આરોપીઓ અપહરણના ગુનામાં જામીનમુક્ત પણ થઈ ગયા હતા.
કોર્ટે આરોપીઓને સજાનો હુકમ ફરમાવ્યો હતો આ દરમિયાન કિશોરી સાથે આરોપી જોન અબ્બાસે શારીરિક સંબંધ બાંધ્યા હોવાનુ મેડિકલ તપાસમાં બહાર આવ્યું હતું. જેથી, મૂળ ફરિયાદીના વકીલ ધવલ રસીક રાણાએ બળાત્કારની કલમનો ઉમેરો કરવા કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે આ બળાત્કાર કલમનો ઉમેરો કરવા આદેશ કર્યો હતો. ત્યારબાદ ફરીથી આરોપીઓને જેલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા. આ દરમિયાન આરોપી જોન અબ્બાસ સામે અપહરણ, બળાત્કાર અને પોક્સોનો ગુનો પુરવાર થઈ ગયો હતો. જ્યારે જોન અબ્બાસના મિત્ર અબ્દુલ હકીમ સામે મદદગારી કરવાનો ગુનો સાબિત થઈ ગયો હતો. કોર્ટે આરોપી જોન અબ્બાસને 20 વર્ષની કેદની સજા અને અબ્દુલ હકીમને 5 વર્ષની સજાનો હુકમ ફરમાવ્યો હતો.