વડોદરા, દિલ્હી અને ગાંધીનગરથી ૧૨ સભ્યોની આરોગ્ય વિભાગની ટીમ છેલ્લા ત્રણ દિવસતી વડોદરા આવી છે. આજે ટીમ દ્વારા સયાજી હોસ્પિટલના રૃકમણી ચૈનાની પ્રસૂતિ ગૃહ તેમજ મધર મિલ્ક બેન્કની મુલાકાત લેવામાં આવી હતી.
શહેર જિલ્લામાં સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્ર પર થતી આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા માટે નેશનલ લેવલના ૯ અને ગાંધીગરથી ૩ સભ્યોની ટીમ વડોદરા આવી છે. તા. ૧૯ થી ૨૩ દરમિયાન ટીમ દ્વારા સયાજી હોસ્પિટલ, જમનાબાઇ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી હતી. દર્દીઓની થતી સારવારની સમીક્ષા કરવામાં આવી રહી છે. ગઇકાલે જમનાબાઇ હોસ્પિટલમાં મુલાકાત લીધા પછી આજે સયાજી હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી. આ ઉપરાંત જિલ્લામાં સી.એચ.સી., પી.એચ.સી. તેમજ અર્બન સેન્ટરોની મુલાકાત પણ લેવામાં આવી છે. સરકારની વિવિધ સ્કીમોનો લાભ લેનાર દર્દીઓને રૃબરૃ મળીને ટીમ દ્વારા તેઓના નિવેદનો પણ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત તાલીમ કેન્દ્રોની પણ મુલાકાત ટીમે લીધી હતી. સ્ટાફને કઇ રીતે તાલીમ આપવામાં આવે છે. તેની માહિતી ટીમે લીધી હતી.ટીમ દ્વારા કેટલાક સૂચનો પણ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે ટીમે જમનાબાઇ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનામાં ૪૭૦ પ્રસૂતિઓ થઇ છે.