Ahmedabad Fraud Case : અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝને નરેશ ગોયલે 230 કરોડ રૂપિયા આપ્યાનો મની લોન્ડરીંગનો કેસ થયો હોવાનું કહીને કાયદેસરની કાર્યવાહીના નામે ડીજીટલ એરેસ્ટ કર્યા બાદ સુપ્રિમ કોર્ટમાં કેસ હોવાનું કહીને જજના નામે કોલ કરાવીને ડરાવ્યા બાદ છેતરપિંડી કરતી ગેંગ દ્વારા 24 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હોવાની ફરિયાદ અમદાવાદ સાયબર ક્રાઇમ સેલમાં નોંધવામાં આવી છે.
સુપ્રિમ કોર્ટના જજના નામે વોટસએપ કોલ કરીને ભોગ બનનારને ડરાવવામાં આવ્યા : સાયબર ક્રાઇમે ગુનો નોંધ્યો
નવરંગપુરામાં આવેલા સંજીવની બંગ્લોઝમાં રહેતા કનૈયાલાલ બાફના (ઉ.વ.87)ને ગત 11મી નવેમ્બરના રોજ અજાણ્યા મોબાઇલ નંબરથી કોલ આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ ટેલીકોમ રેગ્યુલેટર ઓથોરીટીના અધિકારી તરીકે આપીને ફોન બે કલાક બંધ કરીને કોલ સીબીઆઇમાં ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. સીબીઆઈના અધિકારીના નામે કોલ કરનારે કનૈયાલાલને જણાવ્યું હતું કે તમારા વિરૃદ્ધ 230 કરોડ રૂપિયા નરેશ ગોયલને આપ્યાનો મની લોન્ડરીંગનો કેસ થયો છે. એટલું જ કોલ કરનારે એમ કહ્યું હતું કે તમે નરેશ ગોયલ સાથે ટેલીફોન પર વાત કર્યાના પુરાવા છે. તે પછી સુપ્રિમ કોર્ટના જજ ખન્નાના નામે કોલ આવ્યો હતો. તેણે એરેસ્ટ વોરંટની વાત કરીને કહ્યુ હતું કે જો તમે તપાસમાં સહયોગ નહી આપો તો તમારા દીકરા સામે પણ કાર્યવાહી થશે. તમે હાલ એરેસ્ટ છો અને તમે અમારી પરવાનગી વિના ક્યાય નહી જઇ શકો. ત્યારબાદ કનૈયાલાલ પાસેથી ફીક્સ ડીપોઝીટ અને અન્ય રોકાણની 24 લાખ જેટલી રકમ વેરિફીકેશન માટે એક એકાઉન્ટમાં મંગાવીને છેતરપિડી આચરવામાં આવી હતી. આ અંગે સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ શરૂ કરી છે.