Vadodara : વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રજૂ થયેલા કામો પૂર્વે ભાજપની મળતી સંકલન સમિતિમાં વોટર હાર્વેસ્ટીંગ માટે દરેક કોર્પોરેટરને અલગથી રૂા.2 લાખનો ક્વોટા ફાળવવામાં અંગેની દરખાસ્ત આજે સ્થાયી સમિતિમાં વધારાના કામમાં રજૂ ક૨વા ભાજપના એક સભ્યએ માગણી કરતા વિવાદ સર્જાયો હતો. એક સભ્યના કહેવાથી અન્ય સંગઠન જુથના કેટલાક સભ્યો સંકલન સમિતિનો બહિષ્કાર કરી નીકળી ગયા હતા. શહેર ભાજપ પ્રમુખ ગેરહાજર હોવાથી તેઓએ ફોન પર સભ્યોને સમજાવતા સંકલન સમિતિમાં તેઓ પરત ફર્યા હતા.
કેન્દ્ર સરકારમાં પ્રદેશ પ્રમુખ હવે જળસંશાધન મંત્રી બન્યા છે જેથી હવે ભાજપના કેટલાક સભ્યોને વોટર હાર્વેસ્ટીંગ યાદ આવ્યું છે. વડોદરામાં વોટર હાર્વેસ્ટીંગની ઝુંબેશ ચલાવવા કોર્પોરેટરોને ખાસ ક્વોટા ફાળવવામાં આવે તેવી અગાઉ રજૂઆતો થઇ હતી. જે અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવાનું નક્કી થયું હતું. આજે ભાજપ સંકલન સમિતિમાં એક સભ્યની રજૂઆત વોટર હાર્વેસ્ટીંગ માટે દરેક કોર્પોરેટરને રૂા.2 લાખનો અલગથી ક્વોટા ફાળવવા અંગેની દરખાસ્ત સમિતિમાં વધારાના કામ તરીકે એજન્ડા પર લેવું શક્ય નથી તેમ એક પદાધિકારીએ જણાવતા મામલો ગરમાયો હતો. અંતે સમજાવટથી બધું શાંત પડ્યું હતું.