કાલોલ તા.૨૩ પંચમહાલ જિલ્લામાં કાલોલ તાલુકાના એક ગામમાં ધોરણ-૧૧માં અભ્યાસ કરતા લઘુમતી કોમના વિદ્યાર્થીને ચલાલીરોડ પરના પ્લોટમાં લઇ જઇ સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યા બાદ વિદ્યાર્થીનું ગળુ દબાવી હત્યા કરી લાશને લઘુમતી કોમના જ બે શખ્સોએ તળાવમાં ફેંકી દીધી હતી.
કાલોલ તાલુકાના મોટા ગામમાં ૧૧માં ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગુરુવારે સાંજે બજારમાં નિકળ્યા પછી મોડી રાત્રિ સુધી ઘરે પરત નહીં ફરતા તેના પરિવારજનોએ શોધખોળ શરૃ કરી હતી. શુક્રવારે સવાર સુધી પણ તેનો કોઈ પતો નહીં લાગતાં અંતે તેના વાલીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં પુત્ર ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી.
દરમિયાન ગુમ થયેલા વિદ્યાર્થીની તપાસમાં જાણવા મળ્યું હતું કે ગુરુવારે મોડી સાંજે ગામના અન્ય કિશોર સાથે બાઈક પાછળ બેઠેલો જોયો હતો. વેજલપુર પોલીસે બાઈક પર બેસાડીને લઈ ગયેલા સગીર કિશોરની પૂછપરછ કરતાં તેને ભોગ બનેલા કિશોરને જેમને સોંપેલો એ બન્ને ઈસમોનો ભાંડો ફૂટયો હતો.
પોલીસે બન્ને ઈસમોની કડકાઇથી પૂછપરછ કરતાં અંતે ગુમ થયેલા કિશોરની લાશ શુક્રવારે સાંજે ચલાલી રોડ પરના તળાવમાંથી મળી આવી હતી. આ સમગ્ર ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે મુખ્ય આરોપી આરીફ ઉર્ફે ડીન્ગુ યાકુબ પાડવા (રહે.વેજલપુર) અને ઈમરાન ઉર્ફે ઈનાન કરીમભાઈ પથીયા (રહે.વેજલપુર) બન્નેએ ગુરુવારે સાંજે તેમને સાધેલા કિશોર આરોપીને સમજાવીને બાઈક લઈને મોકલી હોળી ચકલા વિસ્તારમાંથી ભોગ બનેલા વિદ્યાર્થીને તેની સાથે બાઈક પર બેસાડી લાવીને ચલાલી ચોકડી પાસે ઉભેલા બન્નેને સોંપી દીધા હતાં.
ભોગ બનનાર વિદ્યાર્થીને પટાવી સાંજે સાડા આઠેક વાગ્યાના અરસામાં વેજલપુર સ્થિત ચલાલી ચોકડીથી ચલાલી રોડ ઉપર આવેલ મહાદેવ મંદિરના પાછળના ભાગે આવેલા પ્લોટીંગ વિસ્તારમાં અંધારામાં લઈ જઈને આરીફ ઉર્ફે ડીન્ગુ યાકુબ પાડવાએ સગીર કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. જે અધમ કૃત્યને પગલે ભોગ બનેલો કિશોર રડતાં ઘેર જઈને બધું કહી દેશે તેવી બન્નેને બીક લાગતા શેતાન બની ગયેલા બન્નેએ વિદ્યાર્થીનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દઇ લાશને ચલાલી ચોકડી પાસેના મોટા તળાવમાં ફેંકી દીધી હતી.