Garlic Price Hike: શિયાળામાં લસણના કૂદકે ને ભૂસકે વધતા જતા ભાવે મધ્યમ વર્ગનું બજેટ ખોરવી દીધું છે. બે વર્ષ અગાઉ 70 રૂપિયે કિલો વેચાતા લસણ માટે હાલ રૂપિયા 500 સુધી ખર્ચવા પડી રહ્યા છે. ભાવમાં વધારો થતાં હવે રસોડામાંથી લસણની ચટણી અને લસણને થોડા સમય માટે મેનુમાંથી બહાર જ રાખવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
આ પણ વાંચોઃ ચાઇનીઝ દોરીનો ત્રાસ, અમદાવાદના ઘોડાસરમાં ગળું કપાતાં બાઇક ચાલક યુવકનું ઓન ધ સ્પોટ મોત
શિયાળાના કારણે વધી માગ
મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાંથી મોટા પ્રમાણમાં લસણની આયાત થાય છે. પરંતુ આ વર્ષે કમોસમી વરસાદને પગલે આ બંને રાજ્યોમાં પણ લસણનું ઉત્પાદન ઓછું થયું છે. જેના પગલે આ બંને રાજ્યમાંથી લસણ જોઈએ એટલા પ્રમાણમાં યાર્ડમાં આવી રહ્યું નથી. વેપારીઓના જણાવ્યા પ્રમાણે જૂના લસણનો સ્ટોક પૂરો થવા આવ્યો છે જ્યારે નવું ઉત્પાદન ઓછું હોવાથી બજારમાં માલની આવક ઘટી છે. શિયાળાને પગલે લસણની માગ વધી છે અને બજારમાં તેનો પુરવઠો સતત ઘટી રહ્યો છે. જેના કારણે લસણની કિંમત સતત વધી રહી છે. અમદાવાદના હોલસેલમાં લસણની કિંમત રૂપિયા 300થી રૂપિયા 350 છે.
આ પણ વાંચોઃ અમદાવાદની મહિલા પર હિંમતનગરના માર્બલ વેપારીએ આચર્યું દુષ્કર્મ, પોલીસે ફરિયાદ પણ ન લીધી
અમદાવાદના વેપારીએ જણાવી આપવીતી
આ અંગે અમદાવાદના વેપારી સુંદર ટેકચંદાણીએ જણાવ્યું કે, “સમગ્ર દેશમાં આ વખતે જોઈએ એટલો પાક નથી. હાલ 90 કરોડ લોકો ખાઈ શકે તેટલો જ માલ છે. ગત બે વર્ષ દરમિયાન ભાવ એટલા નીચા આવી ગયા હતા કે ખેડૂતોને લસણ ફેંકવું પડયું હતું. પરંતુ આ વર્ષે કમોસમી વરસાદથી નુકસાન થયું છે. બે વર્ષ અગાઉ લસણની કિંમત ખૂબ જ ઓછી હોવાથી ખેડૂતોને પણ તેના પાકમાં ખાસ રૂચી રહી નહોતી. હાલની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે, હદુ બે મહિના આવી જ હાલત રહેશે.”