– ખ્યાતિ હોસ્પિટલમાં સારવારના નામે
દર્દીઓને ચીરી નાંખવામાં આવ્યા ત્યારે
– બે ટેકનીશીયનની પણ નિમણૂંક થઇ ગઇ હોવા
છતાં તબીબી અધિક્ષક કહે છે કે, હજી બે-ચાર મહિના પછી કેથલેબ મશીન ચાલુ
થશે
સુરત, :
અમદાવાદની
ખ્યાતિ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડનો દુરૃપયોગ કરીને ગરીબ દર્દીઓને ચીરી
નાંખવામાં આવ્યા હતા. તેવી જ હાલત સુરતમાં ઉભી કરવા માટે સરકાર રાહ જોઈ રહી હોય
તેવો ઘાટ થયો છે. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ત્રણ
મહિનાઓથી હૃદયરોગના નિદાન માટે કેથલેબ મશીન અને ટેકનીશીયન આવી ગયાછે પણ સિવિલ
તંત્ર ગંભીરતા દાખવતું નહીં હોવાથી આ મશીનનો
લાભ ગરીબ લોકોને મળતો ન હોવાથી હાલાકી ભોગવી રહ્યા છે.
પ્રાપ્ત
વિગત મુજબ દક્ષિણ ગુજરાત અને આજુબાજુના રાજ્યોમાંથી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ
સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આવે છે. સિવિલના કિડની બિલ્ડિંગમાં ચોથા
માળે કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલું હૃદય રોગના નિદાન અને સારવાર માટે
આધુનિક કેથલેબ મશીન ત્રણેક માસ પહેલા ઇન્સ્ટોલ કરવામાં આવ્યુ છે. આ આધુનિક મશીન પર
એન્જીયોગ્રાફી અને એન્જીયો પ્લાસ્ટી કરવામાં આવશે. કેથલેબ મશીનનો ઉપયોગ કરવા માટે
બે ટેકનીશીયન નિમણૂંક પણ કરવામાં આવી છે. પણ સિવિલ તંત્ર અને અધિકારીઓ દ્વારા હજી
હૃદયની તકલીફ ધરાવતા દર્દીઓના નિદાન અને સારવાર માટેનું કેથલેબ મશીન ચાલુ કર્યું
નથી. આ મશીન જલદી શરૃ કરવામાં કોઇને રસ ન હોય એવુ લાગે છે. હજી પણ સિવિલમાં આ મશીન
શરૃ નહીં થતાં ગરીબ દર્દીઓએ ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે. અને તે હોસ્પિટલોમાં
ખ્યાતિ હોસ્પિટલ જેવું કૌભાંડ થવાની શક્યતા છે. જો સિવિલમાં આ સુવિધા જલ્દી શરૃ
કરવામાં આવે તો શહેરના ગરીબ દર્દીઓને સચોટ નિદાન અને સારવાર મળવા સાથે તેમને
સારવારના વધુ પૈસા આપવા પડશે નહીં.
આ સાથે
સિવિલ ખાતે ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં ન્યુરોસર્જન માટેની પીજીની બે સીટ અને
ન્યુરોલોજી માટેની ત્રણ સીટ મંજૂર થઈ છે. આગામી એક-બે માસમાં કિડની બિલ્ડિંગમાં
ફુલ ફેસથી મગજને લાગતી જરૃરી સારવાર અને સર્જરી પણ શરૃ થશે.
સિવિલના
તબીબી અધિક્ષક ડૉ.ધારીત્રી પરમારે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત
સિવિલમાં સુપર સ્પેશિયાલીસ્ટ સેવા શરૃ કરવામાં આવશે. ત્રણ મહિના પહેલા કિડની બિલ્ડીંગમાં
હૃદયરોગના નિદાન અને સારવાર માટે કેથલેબ મશીન સરકારે ફાળવ્યું છે. તે મશીન બે-ચાર મહિનામાં
કાર્યરત થશે. અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલના અધિકારીઓ દ્વારા અહીં માર્ગદર્શન આપી
સુપરવિઝન કરાશે. તે પ્રમાણે હાલમાં આઇ.સી.યુ સહિતની જરૃરી સુવિધા માટેની કામગીરી કરવામાં
આવી રહી છે. આ માટે ટેકનીશિયનની અને કાર્ડિયોલોજી વિભાગ માટે એક પ્રોફેસરની હાલ નિમણૂંક
કરવામાં આવી છે.