વડોદરા,તરસાલીમાં નજીવી બાબતે તકરાર થતા માતા – પુત્રીએ પાડોશી મહિલા પર હુમલો કરી ધમકી આપી હતી. જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
તરસાલી વિશાલ નગરમાં રહેતા ફુલકુમારી જયપ્રકાશભાઇ ભગતના પતિ જયપ્રકાશભાઇ ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા.૨૨ મી એ રાતે સાડા આઠ વાગ્યે હું ઘરે હતી. તે સમયે અમારી નજીક રહેતી યુવતીના મોબાઇલ પર મારા પતિનો ફોન આવ્યો હતો. જેથી, યુવતી મને ફોન આપવા માટે આવી હતી. મારા પતિએ મને ફોન પર કહ્યું કે, તું ક્યાં ગઇ હતી ? તેઓ મારી સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. મેં યુવતીને કહ્યું કે, તું કેમ મારા પતિની ખોટી ચઢવણી કરે છે ? મારી વાત સાંભળીને યુવતી એકદમ ઉશ્કેરાઇ ગઇ હતી. મને ગાળો બોલી તેણે મોબાઇલ ફોનથી મને માથામાં તેમજ ડાબી આંખના નીચેના ભાગે ઇજા પહોંચાડી હતી. તેનું ઉપરાણું લઇને તેની માતા દોડી આવી હતી. તેઓએ પણ મને છાતીમાં મુક્કા માર્યા હતા. તેઓએ મને ધમકી આપી હતી કે, તમને દોડાવી દોડાવીને મારીશ.આ મકાનમાં તમને રહેવા દઉં નહીં. મકાન ખાલી કરાવી દઇશ. તારા પતિ ઘરે આવશે તો તેના પણ હાથ પગ ભાંગી નાંખીશું. દરમિયાન આજુબાજુના લોકો ભેગા થઇ જતા મને વધુ મારમાંથી બચાવી હતી.