વડોદરા, તા.25 વડોદરા શહેર અને જિલ્લામાં જાહેર કરાયેલી સૂચિત જંત્રીમાં મોટાપાયે વિસંગતતા છે. માત્ર જે.પી. રોડ પર જ નહી પરંતુ અન્ય ઘણાં વિસ્તારોમાં પણ મુખ્ય રોડ તેમજ અંદરના રોડ પરની જંત્રીમાં કોઇ ફેરફાર નહી કરાયા હોવાનું બહાર આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા જંત્રીનો નવો ડ્રાફ્ટ જાહેર કરાયો છે. ગુજરાત મુસદ્દારૃપ જાહેર કરેલી નવી જંત્રીનો અમલ વર્ષ-૨૦૨૫માં કરવામાં આવે તેવી શક્યતા છે. છેલ્લે વર્ષ-૨૦૧૧માં નવી જંત્રીના દરો જાહેર કર્યા બાદ સર્વે કરીને આજદિન સુધી નવા દરો જાહેર કરાયા નથી જેના કારણે હાલમાં જંત્રીના નવા દરો તૈયાર કરી તેને જાહેર કરવામાં આવ્યા છે.
સરકાર દ્વારા એવી જાહેરાત કરાઇ છે કે વૈજ્ઞાાનિક ઢબે સર્વે કરીને જંત્રીના નવા સૂચિત દરો તૈયાર કરવામાં આવ્યા છે પરંતુ આ નવા દરોમાં અનેક ખામીઓ હોવાનું પણ બહાર આવવા લાગ્યું છે. ૨૦૦થી ૨૦૦૦ ટકા જેટલી જંત્રીના દર વધતા મિલકતો ખરીદવા માંગતા લોકોને વિચાર કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. જંત્રીના દરોમાં મોટાપાયે ફેરફાર કરવો પડે તેવી સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે.
વડોદરાના જૂના પાદરા રોડ વિસ્તારમાં મુખ્ય ૪૦ મીટરના રોડ પર મોલ અથવા કોઇ મોટા શોરૃમો, કોમ્પ્લેક્સો માટે જંત્રીના જે દરો છે તે જ જંત્રીના દર આ વિસ્તારમાં ૧૨ મીટર રોડ પર બે રૃમ રસોડાના ટેનામેન્ટના રાખવામાં આવ્યા છે. કોમર્શિયલ અને રેસિડેન્સિયલ દર સરખા જ રખાતા લોકોમાં કુતૂહલ વ્યાપ્યું છે. માત્ર જૂના પાદરા રોડ જ નહી પરંતુ શહેરના સૌથી વિકસિત બીજા વિસ્તાર ભાયલીની વિવિધ ટીપી સ્કીમોમાં પણ આવી સ્થિતિનું નિર્માણ થયેલું છે. શહેરના અન્ય વિસ્તારોમાં પણ જંત્રી નક્કી કરવામાં મન ફાવે તેવા દરો સૂચિત કરવામાં આવ્યા હોવાની ચર્ચાઓ થવા લાગી છે.
ડભોઇ તાલુકાના ફતેપુરા ગામમાં ૨૦૦૦ ટકા જંત્રીના વધારાથી આશ્ચર્ય
વડોદરા શહેર ઉપરાંત જિલ્લામાં પણ જંત્રીના વિચિત્ર દરોથી લોકોમાં રોષ ફેલાયો છે.
જિલ્લામાં ડભોઇ તાલુકામાં આવેલા અંતરિયાળ ફતેપુરા ગામમાં સરકાર દ્વારા અચાનક ૨૦૦૦ ટકા જેટલી જંત્રીના ઊંચા દરો સૂચવવામાં આવતા ગામના લોકો અચંબામાં મૂકાયા છે. કાયાવરોહણ પંથકમાં આવેલા આ ગામની નજીક કોઇ ઉદ્યોગ નથી, કોઇ મોટું શૈક્ષણિક સંકુલ નથી માત્ર ખેતીની જ જમીન છે અને આવનારા વર્ષોમાં પણ ત્યાં કોઇ વિકાસ થાય તેવી યોજના નથી તેમ છતાં ૨૦૦૦ ટકા જેટલો જંત્રીનો વધારો લોકોને આશ્ચર્ચમાં મૂકી દીધો છે.