Ahmedabad Crime: અમદાવાદમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં મણિનગરમાં ઓફિસ ધરાવતા શખસે નિકોલના વ્યક્તિ સાથે મળી સુરતના શિક્ષકની ઓળખાણ મારફતે પૂર્વ ધારાસભ્યના ભત્રીજાને ઉછીના 3.50 કરોડ આપ્યા હતાં. જોકે, પૂર્વ ધારાસભ્ય ધનજીપટેલના ભત્રીદા ચંદ્રેશ મકાસણાએ પૈસા પરત ન આપતા સુરતના શિક્ષકને મણીનગર બોલાવવામાં આવ્યો. શિક્ષકને પૈસા પરત ન મળતાં વિવિધ જગ્યાએ ગોંધી રાખી માર મારવામાં આવ્યો હતો. હાલ, પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે.
શું હતો સમગ્ર બનાવ?
સુરતમાં રહેતા સંજય પટેલ અમરોલીની શાળામાં આચાર્ય તરીકે ફરજ બનાવે છે. આશરે આઠેક માસ પહેલાં નિકોલમાં સરકારી કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતાં જીગ્નેશ બલદાણીયાની ઓળખ શિક્ષકના દુબઈ રહેતા મિત્ર ચંદ્રેશ મકાસણા સાથે થઈ. ચંદ્રેશ મકાસણા વઢવાણ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ધનજી પટેલનો ભત્રીજો છે. જેનું મૂળ વતન સુરેન્દ્રનગર છે. જીગ્નેશની સંજય પટેલ અને ચંદ્રેશ મકાસણા સાથે મિત્રતા બંધાઈ ગઈ. ત્યારબાદ એકબીજા સાથે નાણાંકીય લેવડદેવડ પણ ચાલતી હતી. આ દરમિયાન ચંદ્રેશે ઉછીના નાણાંની માગ કરતાં શિક્ષક સંજય પટેલે જીગ્નેશ તેમજ કુલદીપ સોલંકી નામના વ્યક્તિ પાસે 3.50 કરોડની સગવડ કરાવી આંગડિયા મારફતે દુબઈ મોકલી આપ્યાં.
આ પણ વાંચોઃ PMJAY યોજના કે ‘કટકી યોજના’: ભ્રષ્ટ આરોગ્ય અધિકારીઓનાં ખિસ્સાં છલકાયાં!
શિક્ષકને ગોંધી રાખી માર્યો ઢોરમાર
ત્યારબાદ જીગ્નેશ અને કુલદીપે ચંદ્રેશ પાસે નાણાની માગણી કરી, છતાં આજદીન સુધી રૂપિયા પરત કરવામાં નથી આવ્યા. જેથી કરીને બંનેએ 19 નવેમ્બરે શિક્ષક સંજય પટેલને ફોન કરી કહ્યું કે, જીગ્નેશનો ફોન આવ્યો હતો અને ધંધા માટે મણિનગર ખાતે આવેલી કુલદીપની ઓફિસે બોલાવ્યા છે. ફોન આવ્યાના એક દિવસ બાદ શિક્ષકે મણિનગર ખાતે આવેલી કુલદીપની ઓફિસમાં પહોંચ્યો. જ્યાં જીગ્નેશ અને કુલદીપે શિક્ષકને ઢોર માર માર્યો અને બળજબરી પૂર્વક તેના બે ફોન, પર્સ અને કાર પડાવી ઓફિસમાં ગોંધી રાખ્યા. ત્યારબાગદ કુલદીપે પોતાના ડ્રાઇવર અને રૉકી નામના શખસ સાથે મળી શિક્ષકને તેની જ કારમાં બળજબરી પૂર્વક બેસાડી સુરેન્દ્રનગર વલઈ જવા નીકળ્યાં. તે દરમિયાન રસ્તા વચ્ચે ઉછીના નાણાં લેનાર જીગ્નેશ સાથે વાતચીત થતાં ફરી પોતાની ઓફિસે પહોંચ્યા હતાં.
શિક્ષકે નોંધાવી ફરિયાદ
ત્યારબાદ મોડી રાત સુધી કુલદીપે શિક્ષકને પોતાની ઓફિસમાં ગોંધી રાખ્યો અને કહ્યું કે, ‘તારા મિત્રના પૈસા તારે જ આપવાના છે.’ આવું કહીને તેને માનસિક પરેશાન કરવામાં આવ્યો. ત્યારબાદ કુલદીપ, જીગ્નેશ અને અન્ય બે શખસોએ સાથે મળી શિક્ષકને કારમાં બેસાડી જાણુ ગામ ખાતેના ફાર્મ હાઉસમાં લઈ ગયાં. ત્યાં ફરી શિક્ષકને ગોંધી રાખ્યો અને ત્યાં તેમના માણસોએ હૉકી અને ગડદાપાટુથી શિક્ષકને ઢોર માર માર્યો. જોકે, શિક્ષક ટોઈલેટ જવાના બહાને ત્યાંથી છટકી કઠવાડા ખાતે પહોંચી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસે હાથ ધરી તપાસ
હાલ પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી છે. આરોપીને શોધી તેમની પૂછપરછ કરવામાં આવશે અને ત્યારબાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.