13 કલાક પેહલા
- કૉપી લિંક
રિષભ શેટ્ટીની ફિલ્મ કાંતારા: ચેપ્ટર-1ના શૂટિંગ સેટ પરથી મોટા સમાચાર સામે આવ્યા છે. એવા અહેવાલો છે કે એક બસ, જે ક્રૂ મેમ્બરોથી ભરેલી હતી, શૂટિંગ સ્થળ નજીક અકસ્માતનો ભોગ બની હતી. દુર્ઘટનામાં 20 ક્રૂ મેમ્બર ઘાયલ થયા છે. એવા પણ સમાચાર છે કે અકસ્માત બાદ શૂટિંગ બંધ કરવું પડ્યું હતું, જો કે હવે નિર્માતાઓએ એક સત્તાવાર નિવેદન જારી કરીને તેને એક નાનો અકસ્માત ગણાવ્યો છે.
અકસ્માત સમયે પહોંચેલા એક પોલીસ અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે ક્રૂ મેમ્બરોથી ભરેલી બસ મદુર, જડકલમાં શૂટિંગ પૂરું કરીને કોલ્લુર પરત ફરી રહી હતી. અકસ્માત થયો ત્યારે મિની બસમાં 20 જુનિયર કલાકારો હાજર હતા. ઘાયલોને જડકલ અને કુંદરપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ન્યૂઝ 18ના અહેવાલ મુજબ, દુર્ઘટનામાં 6 ક્રૂ મેમ્બર્સ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને જડકલ મહાલક્ષ્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
નિર્માતાઓએ સ્પષ્ટતા કરી હતી કે તે એક નાનો અકસ્માત હતો. એક તરફ એવા અહેવાલો છે કે કાંતારા; ચેપ્ટર-1નું શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ, ફિલ્મ સાથે જોડાયેલા લોકોએ સત્તાવાર નિવેદન જારી કરીને તેને એક નાનો અકસ્માત ગણાવ્યો છે. નિવેદનમાં લખવામાં આવ્યું છે કે, જે સમાચાર હેડલાઇન્સમાં છે તે ખોટા છે. કાંતારા: ચેપ્ટર 1 ની ટીમે આજે સવારે 6 વાગ્યાથી શૂટિંગ શરૂ કર્યું છે અને બધું સામાન્ય રીતે ચાલી રહ્યું છે. શૂટિંગ લોકેશનથી 20 કિલોમીટર દૂર એક નાનો અકસ્માત થયો હતો, જેમાં કાંતારા ટીમના કેટલાક સભ્યો લોકલ બસમાં હાજર હતા, પરંતુ અકસ્માતમાં કોઈને ઈજા થઈ ન હતી.
ફિલ્મ કાંતારા: ચેપ્ટર 1 વર્ષ 2022માં રિલીઝ થયેલી જંગી હિટ ફિલ્મ કાંતારાની પ્રીક્વલ બનવા જઈ રહી છે. આ ફિલ્મનું શૂટિંગ ગયા વર્ષે નવેમ્બરમાં શરૂ કરવામાં આવ્યું હતું. થોડા સમય પહેલા ફિલ્મના એક્ટર અને ડાયરેક્ટર ઋષભ શેટ્ટીએ જણાવ્યું હતું કે ફિલ્મ કાંતારા; ચેપ્ટર 1 આવતા વર્ષે 2 ઓક્ટોબરે રિલીઝ થશે. આ ફિલ્મનો ફર્સ્ટ લુક પણ રિલીઝ થઈ ગયો છે.