– ઉધના સોનલ ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીના વિવર પાસેથી રીંગરોડ ગૌતમ ટેક્ષટાઈલ માર્કેટમાં દુકાન ધરાવતા લાખાણી પિતા-પુત્રએ ઉધાર ગ્રે કાપડ ખરીદ્યું હતું
– 25 થી 30 દિવસમાં પેમેન્ટ કરવાનું કહી પેમેન્ટ નહીં કરનાર પિતા-પુત્રએ અન્ય વિવર અને વેપારીઓ સાથે પણ ઠગાઈ કર્યાની આશંકા
સુરત, : સુરતના ઉધના સોનલ ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં લુમ્સનું કારખાનું ધરાવતા વિવર પાસેથી રીંગરોડ ગૌતમ ટેક્ષટાઈલ માર્કેટમાં દુકાન ધરાવતા લાખાણી પિતા-પુત્રએ ઉધારમાં ગ્રે કાપડ ખરીદી શરૂઆતમાં પેમેન્ટ કર્યા બાદ મોટા પ્રમાણમાં ગ્રે કાપડ ખરીદ્યું હતું અને તેના રૂ.2.18 કરોડ ચૂકવ્યા વિના પિતા-પુત્ર દુકાન, ઘર બંધ કરી ફરાર થઈ જતા ઈકો સેલે અરજીના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ઈકો સેલના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના અલથાણ ભીમરાડ કેનાલ રોડ સ્વાગત ક્લીપસ્ટોન ફ્લેટ નં.સી/1310 માં રહેતા 27 વર્ષીય રાજભાઈ જયંતીભાઈ ભગત ઉધના સોનલ ઈન્ડસ્ટ્રીયલ સોસાયટી પ્લોટ નં.166 ના પહેલા માળે ચાર પેઢીના નામે લુમ્સનું કારખાનું ધરાવે છે.વર્ષ 2021 માં દલાલ સુંદરસિંહ પાસેથી રાજભાઈના કારખાનાનું સરનામું મેળવી રીંગરોડ સ્થિત ગૌતમ ટેક્ષટાઈલ માર્કેટમાં શ્રી રામ રેયોનના નામે ગ્રે કાપડનો વેપાર કરતા હર્ષદકુમાર મધુભાઈ લાખાણી કારખાને આવ્યા હતા.માર્કેટના ધારાધોરણ મુજબ પેમેન્ટનો વાયદો કરી વેપાર કરવાની વાત કરતા રાજભાઈ તેમની દુકાન જોવા ગયા હતા.ત્યારે ત્યાં હાજર હર્ષદભાઈના પિતા મધુભાઈ સાથે વાતચીત દરમિયાન તેઓ એક જ ગામના હોય પિતા-પુત્રએ તમે અમારા સમાજના છો અને આપણે બધા આજુબાજુના ગામના રહેવાસી છીએ તો અમે તમારો માલ લઈને ક્યાંય ભાગી જવાના નથી તેવું બંનેએ કહ્યું હતું.શરૂઆતમાં પિતા-પુત્રએ ગ્રે કાપડ મંગાવી તેનું પેમેન્ટ સમયસર કરી વિશ્વાસ કેળવ્યો હતો.
ત્યાર બાદ 5 માર્ચથી 16 જૂન 2022 દરમિયાન બંનેએ રાજભાઈની ચાર પેઢીમાંથી કુલ રૂ.2,18,07,050 નું ગ્રે કાપડ મંગાવ્યું હતું.તે પેટે આપેલા ચેક રિટર્ન થતા રાજભાઈએ ઉઘરાણી કરી તો પિતા-પુત્રએ વાયદા કર્યા હતા અને બાદમાં તેમણે પોતાની દુકાન બંધ કરી દીધી હતી.બંનેએ ફોન ઉંચકવાનું પણ બંધ કરતા રાજભાઈ તેમના ઉધના આશાનગર 2 સ્થિત ઘરે તપાસ માટે ગયા ત્યારે ત્યાં મધુભાઈ મળ્યા હતા.મધુભાઈએ અમારું માર્કેટમાં ખુબ સારું નામ છે, તમારું પેમેન્ટ પણ થોડા સમયમાં આપીશું તેમ કહ્યું હતું.જોકે, ત્યાર બાદ પણ તેઓ પેમેન્ટ નહીં કરી ઘર પણ બંધ કરી ચાલ્યા ગયા હતા.બાદમાં રાજભાઈને જાણવા મળ્યું હતું કે પિતા-પુત્રએ અન્ય વિવર અને વેપારીઓ પાસેથી પણ કાપડ ખરીદી પેમેન્ટ કર્યું નથી.આ અંગે રાજભાઈએ કરેલી અરજીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે ગતરોજ પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો નોંધી તેની તપાસ ઈકો સેલને સોંપી હતી.વધુ તપાસ પીઆઈ એમ.એન.જાડેજા કરી રહ્યા છે.