વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં અત્યાર સુધી અલગ અલગ વર્ષના વિદ્યાર્થીઓનુ પહેલું અને બીજું સેમેસ્ટર અલગ અલગ સમયે શરુ થતું આવ્યું છે પણ ફેકલ્ટી દ્વારા હવે તમામ વર્ષના વિદ્યાર્થીઓના બીજા સેમેસ્ટરના શિક્ષણનો પ્રારંભ એક સાથે કરવાનું નક્કી કરાયું છે.
જેના ભાગરુપે ડિસેમ્બર મહિનામાં તમામ વર્ષના વિદ્યાર્થીઓના પહેલા સેમેસ્ટરની ફાઈનલ પરીક્ષાઓ લેવાઈ જશે અને તેમાં એફવાયની પરીક્ષાનો પણ સમાવેશ થાય છે.ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળમાં એફવાયના શિક્ષણની ગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી અને હવે તે પાટા પર ફરી ચઢી છે.એફવાયની ફાઈનલ પરીક્ષા પણ ડિસેમ્બરમાં લેવાઈ જશે.
ફેકલ્ટીના સૂત્રોનું કહેવું છે કે, ૩૧ ડિસેમ્બર સુધીમાં તમામ પરીક્ષાઓ લેવાઈ જશે અને એ પછી એફવાયથી માંડીને એમકોમ એમ તમામ વર્ષોના વિદ્યાર્થીઓના બીજા સેમેસ્ટર એટલે કે ઈવન સેમેસ્ટરનો પ્રારંભ તા.૪ જાન્યુઆરીથી કરવાનું નક્કી કરાયું છે.તા.૬ ડિસેમ્બરથી ટીવાય અને ૧૩ ડિસેમ્બરથી એસવાયની પરીક્ષા શરુ થશે.એફવાયની પરીક્ષાની તારીખ હજી જાહેર કરાઈ નથી.એમકોમની પરીક્ષાઓ કેટલોક સિલેબસ બાકી હોવાથી તા.૬ ડિસેમ્બરની જગ્યાએ તા.૧૬ ડિસેમ્બરથી શરુ થશે.
બીજી તરફ એફવાયમાં અગાઉ નાપાસ થયેલા પરંતુ નવો નિયમ અમલમાં આવ્યા બાદ એટીકેટી સાથે એસવાયમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ માટે એસવાયનો અગાઉનો કોર્સ પૂરો કરવા માટે વધારાના વર્ગો મેઈન બિલ્ડિંગ પર બપોરે ત્રણ વાગ્યાથી લેવાશે.ઉપરાંત જે વિદ્યાર્થીઓને એટીકેટી મળી છે તેમને બીજા વર્ષમાં પ્રવેશ માટે ફી ભરી દેવા માટે પણ જણાવાયું છે.