નવી દિલ્હી8 મિનિટ પેહલા
- કૉપી લિંક
સાઉદી અરેબિયાના જેદ્દાહમાં 2-દિવસીય IPL મેગા ઓક્શનમાં 10 ફ્રેન્ચાઇઝીએ રૂ. 639.15 કરોડનો ખર્ચ કર્યો હતો. ઓક્શનમાં 182 ખેલાડીઓ વેચાયા હતા, જેમાંથી 62 વિદેશી ખેલાડીઓ છે. રિષભ પંત ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો. તેને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)એ 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
જ્યારે ખેલાડીઓનું ઓક્શન કરવામાં આવે છે, ત્યારે તેમના ઓક્શનની રકમમાંથી TDS કાપવામાં આવે છે. અહીં અમે જણાવી રહ્યા છીએ કે IPLમાં વેચાયેલા ખેલાડીઓને ઓક્શનના પૈસાની સરખામણીમાં કેટલા પૈસા મળશે. સરકારી તિજોરીમાં કેટલા પૈસા જશે?
ભારતીય ખેલાડીઓ પર 10% TDS, વિદેશીઓ પર 20% ભારત સરકાર ભારતીય ખેલાડીઓના પગાર પર 10% ટેક્સ લાદે છે. આ ટેક્સ IPL ફ્રેન્ચાઇઝીએ ખેલાડીને ચુકવણી કરતા પહેલાં ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ (TDS) તરીકે કાપે છે. જ્યારે વિદેશી ખેલાડીઓના પગાર પર 20% ટેક્સ કાપે છે.
ઉદાહરણ તરીકે, જો ભારતીય ખેલાડીનો પગાર રૂ. 10 કરોડ છે, તો ફ્રેન્ચાઇઝી ખેલાડીને ચૂકવણી કરતા પહેલાં રૂ. 1 કરોડ ટેક્સ તરીકે કાપશે. જ્યારે વિદેશી ખેલાડીની સેલેરી 10 કરોડ રૂપિયા હોય તો ફ્રેન્ચાઇઝી 2 કરોડ રૂપિયાનો ટેક્સ કાપે છે. કપાયેલ TDS ખેલાડીઓ વતી ભારત સરકારમાં જમા કરવામાં આવે છે.
IPLમાંથી ભારતીય ખેલાડીઓને મળેલા પૈસા તેમની કુલ આવકમાં ઉમેરાશે ભારતીય ખેલાડીઓ IPL ટીમ પાસેથી જે પૈસા મેળવે છે તે આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ કરપાત્ર છે. આ રકમ અન્ય સ્ત્રોતોમાંથી આવક તરીકે ગણવામાં આવે છે. આ આવક તેમની કુલ આવકમાં ઉમેરવામાં આવે છે અને આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે સ્લેબ મુજબ ટેક્સ વસૂલવામાં આવે છે. તો કપાયેલ TDS એડજસ્ટ થાય છે.
IPLમાં વિદેશી ખેલાડીઓએ મેળવેલા પૈસા પર ટેક્સના અલગ-અલગ નિયમો વિદેશી ખેલાડીઓ જે નાણાકીય વર્ષમાં 182 દિવસથી વધુ સમય માટે ભારતમાં હાજર રહે છે તેઓ ભારતીય આવકવેરા કાયદા હેઠળ આવે છે. આવા કિસ્સાઓમાં, IPL ટીમ પાસેથી મેળવેલા નાણાં તેમની કુલ આવકમાં ઉમેરવામાં આવે છે અને ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ લાગે છે.
જે વિદેશી ખેલાડીઓ નાણાકીય વર્ષમાં 182 દિવસથી વધુ સમય સુધી ભારતમાં હાજર ન હોય તેઓની ભારતીય આવકવેરા કાયદા મુજબ તેમની સંપૂર્ણ આવક પર ટેક્સ લાગતો નથી. આ ક્રિકેટરો માત્ર આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 194E હેઠળ TDSને પાત્ર છે.
IPLના ઓક્શનમાંથી 89.49 કરોડ રૂપિયા સરકારી તિજોરીમાં જશે IPL ટીમના માલિકો પાસેથી કાપવામાં આવેલ TDS ખેલાડીઓ વતી ભારત સરકારમાં જમા કરવામાં આવે છે. આ ઓક્શનમાં 10 ફ્રેન્ચાઇઝીએ 639.15 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. જેમાં ભારતીય ખેલાડીઓ પર 383.40 કરોડ રૂપિયા અને વિદેશી ખેલાડીઓ પર 255.75 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
10% TDS મુજબ, ભારતીય ખેલાડીઓનો કુલ TDS 38.34 કરોડ રૂપિયા આવે છે. વિદેશી ખેલાડીઓના 20% TDS મુજબ, તે રૂ. 51.15 કરોડ છે. એટલે કે આ ઓક્શનમાં ખેલાડીઓને આપવામાં આવેલી રકમમાંથી કુલ 89.49 કરોડ રૂપિયા સરકારી તિજોરીમાં જમા થશે.