Ahmedabad Police Combing Night : અમદાવાદ શહેર પોલીસને સાવ અચાનક જ એવું શૂરાતન ચડ્યું છે કે જાણે દરેક સામાન્ય નાગરિક ગુનેગાર હોય. છેલ્લા ત્રણ દિવસમાં અમદાવાદ શહેરમાં પોલીસે હાથ ધરેલા બે નાઈટ કોમ્બિંગમાં 3000 વાહનો કબજે કરી આરટીઓના મેમો આપવામાં આવ્યાં છે. બીજી તરફ, આરટીઓ તંત્રમાં પોલીસે આપેલાં મેમાની વસૂલાત કરવા માટે કોઈ જ વ્યવસ્થા નથી. આરટીઓ તંત્ર માંડ 100 મેમાના દંડની વસૂલાત કરતી આવી છે. બુધવારથી આરટીઓ દરરોજ 200 લોકોનો દંડ વસુલી શકે તેવું આયોજન કરનાર છે. પોલીસ અને આરટીઓ વચ્ચે તાલમેલના અભાવે આરટીઓમાં સવારથી દંડ ભરવા માટે લાઈનો લાગી જાય છે.
તો, પોલીસ સ્ટેશનોમાં પોલીસે ડીટેઈન કરેલાં વાહનોના થપ્પા લાગી ગયાં છે તે કિલયર થતાં પખવાડિયું વિતી જશે. લાયસન્સ અને આર.સી. બુકના ડીજીટર ડોક્યુમેન્ટસ માન્ય હોવા છતાં પોલીસે 3000 વાહનો કબજે કરી આરટીઓના મેમો આપ્યાં હતાં. સોમવારે કોમ્બિંગ નાઈટમાં પોલીસે 1685 વાહનચાલકો પાસેથી 12.82 લાખનો દંડ વસુલ્યો હતો. તો, ડોક્યુમેન્ટસ સાથે ન હોવા બદલ 1800 વાહનો ડીટેન કરાયાં હતાં. અણઘડ રીતે યોજાયેલી બે કોમ્બિંગ નાઈટમાં પોલીસે 3000 ટુ વ્હીલર વાહનો કબજે કરી આર્ટીઓ મેમા આપ્યા તેના દંડની વસુલાતમાં આરટીઓની મંથર ગતિથી પ્રજાજનોએ પરેશાન થવાનો વખત આવ્યો છે.
અમદાવાદ આર.ટી.ઓ. કચેરીમાં સવારે નવ વાગતાં જ ભીડ એકત્ર થવા લાગે છે. સિક્યુરિટી ગાર્ડ ઓફિસમાં આવેલાં લોકોના ડોક્યુમેન્ટસ તપાસે અને ને પછી 100 લોકોને ટોકન આપે. ટોકન મેળવીને આર.ટી.ઓ.માં 3000થી માંડીને 6,000 રૂપિયા સુધીનો ધરખમ મેમો ભરપાઈ કરવામાં આવે. મેમોની રકમ ભર્યાની પહોંચ લઈને વાહનમાલિક જે-તે પોલીસ સ્ટેશનમાં બતાવે એટલે નોંધ કરીને તેમને વાહન પરત આપવામાં આવે. શહેરના અને ટ્રાફિકના મળી 60 પોલીસ સ્ટેશનોમાં ટુ વ્હીલર્સના ઢગલાં પડ્યા છે.
આરટીઓમાં દંડ ભરવા લોકોની ભીડ અને પોલીસ સ્ટેશનમાં વાહનોના ઢગલાં એ કોમ્બિંગ નાઈટના આયોજનમાં સંકલનના અભાવનું પરિણામ છે. ગાંધીનગરથી છૂટેલા આદેશથી ત્રણ દિવસમાં જ બે કોમ્બિંગ નાઈટનો એવો અણઘડ અમલ કરાર્યો કે સામાન્ય નાગરિકો જાણે ગુનેગાર હોય.
અમદાવાદ શહેર પોલીસના 7 ઝોન ઉપરાંત એસઓજી, ક્રાઈમ બ્રાન્ચ અને ટ્રાફિક પોલીસની ટીમોએ સોમવારે સાંજે 7 વાગ્યાથી મંગળવારે સવારે 7 વાગ્યા દરમિયાન 12 કલાકની કાર્યવાહી કરી. આ દરમિયાન પોલીસે 1685 વાહનચાલકો પાસેથી 12.82 લાખનો દંડ વસુલ્યો. તો, 1800 વાહનચાલકોને આરટીઓમાં દંડ ભરવાના મેમા પણ આપ્યાં હતા. લોકોમાં એ વાતનો આક્રોશ છે કે, લાયસન્સ અને આર.સી. બુકના ડીજીટલ ડોક્યુમેન્ટસ માન્ય ગણવામાં આવે છે તેમ છતાં અનેક સ્થળે પોલીસે મનમાની કરીને આરટીઓના મેમો આપ્યાં હતાં. ઉપરાઉપરી બે કોમ્બિંગ નાઈટ દરમિયાન કુલ 3000 જેટલા આરટીઓ મેમા અપાયાનું સૂત્રો કહે છે.
આ કારણે આરટીઓ તંત્રમાં સવારથી જ અવ્યવસ્થા સર્જાય છે. દંડ ભરવા વારો આવે તે માટે ટોકન પધ્ધતિ અમલમાં મુકવી પડી છે. પોલીસના મેમામાં લાયસન્સ, આરસી બુક, હેલમેટ ન હોવાનો ઉલ્લેખ હોય તેમાં આરટીઓ તંત્ર પીયુસી, વીમો સહિતના ફોલ્ટ કાઢે અને અગાઉની દંડની બાકી રકમ પણ વસુલે છે. પોલીસ અને આરટીઓ વચ્ચે સંકલનના અભાવે આરટીઓમાં ભીડ જામે છે. આરટીઓમાં કામની મંથર ગતિથી અનેક લોકોને તેમના વાહન 15 દિવસ પાછા મળશે અને ત્યાં સુધી પોલીસ સ્ટેશનોમાં વાહનોના ઢગલા થશે તે છે તેવી અવ્યવસ્થાની સ્થિતિ: ને સર્જાઈ છે. હદ તો એ વાતની છે કે, દિવસે ગાયબ રહેતી પોલીસને સરકારના ઈશારે રાત પડે ને શૂરાતન ચડતું હોય તેવી સ્થિતિથી ઠંડીમાં પ્રજાજનો પરેશાન છે.
કોમ્બિંગ નાઈટમાં તમામ પોલીસ સ્ટેશનોને ઓછામાં ઓછા 100 મેમા બનાવવા આદેશ કરવામાં આવ્યાં હતાં. હાજર દંડ વસુલાતનો વિકલ્પ હોવા છતાં આરટીઓનો મેમા જ આપવાના આદેશનો અણઘડ રીતે અમલ કરવા મેદાને પડેલી પોલીસની વર્તણુંકથી રોષ છે. પરિવાર સાથે કે કામ માટે નીકળેલાં નાગરિકોની વ્યથા નહીં સાંભળી પોલીસે જનકીત માટે કામગીરીને જાણે જનતા વિરોધી ઝુંબેશ હોય તેવી બનાવી દીધાનો આક્રોશ સામાન્ય નાગરિકોમાં છે.
એક સમય હતો કે જયારે અમદાવાદમાં મહદઅંશે દિવસે કોમ્બિંગ, વાહન ચેકીંગ યોજવામાં આવતા હતા. કોમ્બિંગ નાઈટ નિયમીતપણે અને નિશ્ચિત વિસ્તારોમાં તહેવારો દરમિયાન થતું હતું. વાહન ચેકીંગ કે કોમ્બિંગ નાઈટ દરમિયાન પ્રજાને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તેની દરકાર પોલીસ કરતી હતી. પણ, છેલ્લા ત્રણ જ દિવસમાં પોલીસે બે નાઈટ કોમ્બિંગ પોજીને જન આક્રોશની સ્થિતિ સર્જી છે. આમ થવા પાછળનું કારણ સરકાર અને પોલીસ તંત્રની નિષ્ફળતા ઢાંકવાનો પ્રયાસ છે.
પોલીસ સૂત્રો જ કહે છે કે, એક સમય હતો કે જવારે અમદાવાદના પોલીસ સ્ટેશનોમાં 150 આસપાસનું સંખ્યાબળ રહેતું હતું. હાલ આ આંકડો 120 આસપાસનો થઈ ગયો છે. પોલીસ સ્ટેશનોમાં સ્ટાફ 20થી 30 ટકા ઘટયો છે તેમાં વીઆઈપી બંદોબસ્તની ભરમાર અને અન્ય કામગીરીથી અનેક સમસ્યા સર્જાય છે. પોલીસ તંત્રની આ નિષ્ફળતા છૂપાવવા માટે નાઈટ કોમ્બિંગના આયોજનો કરવામાં આવ્યાં હતાં. નાઈટ કોમ્બિંગમાં પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફને જોડવામાં આવ્યો હતો. સ્ટાફમાં ઘટ હોવાની નિષ્ફળતા છૂપાવવા માટે નાઈટ કોમ્બિંગથી ડબલ ડયૂટીની સ્થિતિ સર્જાતાં પોલીસ કર્મચારીઓ પણ અંદરખાને નારાજ છે.